મુંબઈમાં IAS અધિકારીની 27 વર્ષની પુત્રીએ આત્મહત્યા કરી
માયાનગરી મુંબઇથી એક અત્યંત દુઃખદ સમાચાર જાણવા મળ્યા છે. IAS દંપતી વિકાસ અને રાધિકા રસ્તોગીની 26 વર્ષીય પુત્રી લિપી રસ્તોગીએ બિલ્ડિંગના દસમા માળેથી કૂદીને આત્મહત્યા કરી છે. લિપીએ મંત્રાલયની સામે આવેલી બિલ્ડિંગના 10મા માળેથી કૂદીને જીવનનો અંત આણ્યો હતો. રસ્તોગીની પુત્રી લિપી કાયદાનો અભ્યાસ કરતી હતી.
લિપીના પિતા વિકાસ રસ્તોગી હાલમાં શિક્ષણ વિભાગના સચિવ છે, જ્યારે તેની માતા રાધિકા રસ્તોગી મુદ્રા વિભાગના સચિવ છે. પોલીસને સ્થળ પરથી એક સ્યુસાઇડ નોટ મળી હતી, જેમાં લિપી ડિપ્રેશનમાં હોવાનું જાણવા મળ્યું હતું. હરિયાણાના સોનીપતમાં એલએલબીનો કોર્સ કરી રહી હતી. પોલીસે જણાવ્યું હતું કે તે શૈક્ષણિક ક્ષેત્રે તેના પ્રદર્શનથી ચિંતિત હતી, જેના કારણે તેને આત્યંતિક પગલું ભરવાની ફરજ પડી હતી.
ત્રીજી જૂનના રોજ એટલે કે આજે સવારે ત્રણ વાગે લિપીએ બિલ્ડિંગના દસમા માળેથી છલાંગ લગાવી મોતને વહાલું કર્યું હતું. સ્થાનિક લોકોએ તેને તરત જ જીટી હૉસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં ડૉક્ટરોએ તેની સારવાર પહેલા જ તેને મૃત જાહેર કરી હતી. લિપીના આમ અણધાર્યા સ્યુસાઇડને કારણે તેના માતા-પિતા અને પરિવારના સભ્યો પણ આઘાતમાં આવી ગયા છે.
મુંબઇના ચંદનવાડી સ્મશાન ગૃહમાં લિપીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પંચનામુ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ મહારાષ્ટ્ર કેડરના IAS ઓફિસર મિલિંદ અને મનીષા મ્હૈસ્કરના 18 વર્ષના પુત્રએ પણ 2017માં મુંબઈમાં એક બહુમાળી ઇમારતની ટેરેસ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી.