ધર્મતેજ

સર્વ કાર્યના ત્યાગનું મહત્ત્વ

મનન -જય-ભીખુ

નારદ ભક્તિ સૂત્રમાં લોકવેદ વ્યાપારન્યાસની વાત કરવામાં આવી છે. અર્થાત લૌકિક અને વૈદિક, એમ બંને પ્રકારનાં કાર્યોનો ત્યાગ કરવાની વાત છે. અહીં માત્ર લૌકિક – દુન્યવી કાર્યના ત્યાગની વાત નથી, અહીં વેદ આધારિત કાર્યના ત્યાગની પણ વાત છે.

ગીતાનો જ સંદર્ભ લઈએ તો એમ કહેવાય કે ઈચ્છાથી જે જે કર્મ કરવામાં આવે તે કર્મોનો ત્યાગને સંન્યાસ કહેવાય અને તેની સાથે જ્યારે સમગ્ર કર્મના ફળનો ત્યાગ કરવામાં આવે તો તે ત્યાગ પૂર્ણ થાય. સંન્યાસમાં પરિસ્થિતિને, પરિસ્થિતિ સાથે સંકળાયેલ સમીકરણોને અને તેનાથી ઉદ્ભવેલ કાર્ય કરવાની ઈચ્છાને છોડવાની વાત છે; જ્યારે ત્યાગમાં આ સર્વ સાથે તેનાથી ઉદ્ભવતા પરિણામને પણ છોડવાની વાત આવે. અહીં કર્મ, કર્મ માટેની આશક્તિ, તથા પરિણામની અપેક્ષા, એ બધાના ત્યાગની વાત છે. ઇચ્છિત કર્મોનો ત્યાગ અઘરો છે. કર્મ અર્થાત પુરુષાર્થને જ્યારે ધર્મ, અર્થ, કામ, મોક્ષમાં વર્ગીકૃત કરાય છે ત્યારે એ તો સ્વાભાવિક બને છે કે પુરુષાર્થની પાછળ કોઈક ઈચ્છા સમાયેલી છે. જેમ અર્થ અને કામ પાછળ એક પ્રકારની ઈચ્છા રહેલી હોય તે સ્વાભાવિક છે તેમ ધર્મ અને મોક્ષ માટે પણ કહી શકાય. ત્યાગની ભાવનામાં આ પ્રત્યેક પુરુષાર્થના ફળથી અલિપ્ત રહેવાની વાત છે.

દેહધારીથી કાર્ય કર્યા વિના – કર્મ આચર્યા વિના રહેવું શક્ય નથી. ભોજન તો લેવું જ પડે. તેની માટે મહેનત કરવી પડે. મહેનતના પરિણામે જે ફળ મળે તેનાથી ભોજન પ્રાપ્ત થાય. આ આખું કર્મ ફળ આધારિત છે તેમ કહી શકાય. પણ જો ભોજન લેવું, તેની માટે મહેનત કરવી તથા તેનું ફળ પ્રાપ્ત કરવું – આ સમગ્ર બાબતને નિમિત્ત કર્મ તરીકે લેવામાં આવે અને જો મહેનતના ફળની અપેક્ષા વગર મહેનત કરવામાં આવે તો તેનું બંધન ન લાગે. ત્યાગની ભાવનાથી કાર્ય કરવાની આ પદ્ધતિ છે.

જન્મની સાથે જ સ્થાપિત થઈ ગયેલા સંસારનાં સમીકરણો નિભાવવાના છે. બાળકો અને વૃદ્ધ થયેલા માતા-પિતાનું ભરણપોષણ કરવાનું છે. આ અને આવી અનેક બાબતો પુરુષાર્થ કરવા મજબૂર કરે. પુરુષાર્થ તો કરવો જ પડશે. પણ તે એક ફરજ – ઉત્તરદાયિત્વના ભાગરૂપ હોવો જોઈએ. આશ્રિતની જરૂરિયાતનો ખ્યાલ રાખો એ વ્યક્તિનો ધર્મ છે. સ્વયં કોઈપણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર, ધર્મને નિભાવવા માટે જો કંઈ કરવામાં આવે તો તે કર્મ પણ ત્યાગની ભાવનાવાળું જ કહેવાય. તે ઉપરાંત પુરુષાર્થ કરતી વખતે ‘આમ જ ફળ મળવું જોઈએ’ તેવી કામના ન હોય તે પણ જરૂરી છે.

આમ પણ કહેવાય છે કે કર્મની ગતિ ગહન છે. નાનકડી ભૂલ પણ, ક્ષણિક લિપ્તતા પણ, ધર્મ નિભાવવા માટેની કામના પણ ક્યારેક બંધન ઊભું કરી દે. મુક્તિની આશાથી કરાયેલ વૈદિક કર્મ પણ બંધન આપી શકે. સનાતની સંસ્કૃતિમાં એ વાત બહુ સ્પષ્ટપણે કહેવાઈ છે કે ‘વ્યક્તિ મુક્ત જ છે’, તે મુક્ત નથી તે પ્રકારની માન્યતા જ બંધન છે. બંધન કર્મમાં નથી, તેની પાછળ સંકળાયેલી ભાવનામાં છે. ભૌતિક રીતે સમાન જણાતા કર્મમાં એકથી બંધન થાય અને અન્યથી બંધન ન સ્થપાય.

કર્તાપણાના ભાવથી મુક્ત થવું પડે. અલિપ્તતા જાળવી પડે. કારણ – પરિણામના સમીકરણથી જાતને અલગ કરવી પડે. સમગ્ર અસ્તિત્વથી સાક્ષીભાવ જાળવી રાખવો પડે. સ્થૂળ, સૂક્ષ્મ તેમજ કારણ વિશ્ર્વની દરેક બાબત માટે મમત્વનો ત્યાગ કરવો પડે. દરેક પરિસ્થિતિની, અને જિંદગીની ક્ષણભંગુરતા સમજી કોઈપણ પ્રકારનો રાગદ્વેષ ન ઉદ્ભવે તેનું ધ્યાન રાખવું પડે. ગીતામાં કેવા પ્રકારના ભક્ત ઈશ્ર્વરને પ્રિય છે તે બાબત જણાવતા સર્વારંભપરિત્યાગીની વાત કરવામાં આવે છે – આ સર્વારંભપરિત્યાગીનો ગુણ વિકસાવવો પડે.

ચિત્તને સ્થિર રાખવું પડે. મનની ચંચળતા પર કાબૂ મેળવવો પડે. બુદ્ધિનો ઉપયોગ વિવેક પૂર્ણ રહેવો જોઈએ. અહંકારનો સદંતર નાશ કરવો જોઈએ. સંપૂર્ણતામાં અનાશક્તિ જાળવવી પડે. સ્થિતપ્રજ્ઞ રહેવું પડે. હું અને મારુંના મિથ્યાપણાનો ત્યાગ કરવો પડે. આ ત્યાગની વાત અહીં છે.

ઘણીવાર તો પદાર્થનો ત્યાગ કર્યા પછી પણ તેની ભાવના મનમાં જાગ્રત રહે છે. વસ્તુ છોડી દીધા પછી પણ તેની કામના છૂટતી નથી. એક સમયે પ્રવૃત્તિ માટે જેટલો મોહ હતો તેટલો મોહ ક્યાંક નિવૃત્તિ માટે પણ ઉદભવી શકે. સ્વીકૃતિ માટે જે પ્રયત્નો કરવામાં આવતા તેવા જ પ્રયત્નો ક્યાંક અસ્તિકૃતિ માટે થતા હોય છે. પહેલા નજીક આવવામાં શ્રમ હતો હવે તેવો જ શ્રમ દૂર જવામાં છે. માત્ર દિશા બદલાય છે, ચલિતતા તો તે જ પ્રકારની છે. માત્ર દ્રષ્ટિનું સ્થાન બદલાયું છે, જોવા પાછળ રહેલી ભાવનાની તીવ્રતા તો તેવી જ છે. ધ્યાનનું કેન્દ્ર બદલાયું છે, પણ ધ્યાનની પ્રક્રિયા તો તેની તે જ છે. આ પરિસ્થિતિ ત્યાગથી એકદમ વિપરીત છે.

ગુણો એકબીજામાં પ્રવૃત્ત થશે જ અને પરિણામ મળશે જ. સૃષ્ટિના નિયમ પ્રમાણે પરિણામ સામે આવશે જ. કરેલા કર્મ અને તેની પાછળ રહેલી ભાવનાથી જે પ્રક્રિયા આરંભ થઈ હશે તે અંતમાં ચોક્કસ પરિસ્થિતિમાં પરિણમશે જ. પરિણામ માટે અપેક્ષા રાખવાની જરાય જરૂર નથી.

સૃષ્ટિમાં એક પલડામાં જેટલું મુકાય તેટલું વજન બીજા પલડામાં આપમેળે મુકાઈ જાય છે. સદાય જાગૃત રહેવું પડે. નિષ્પક્ષતા, નિર્દોષતા, નિર્વિકલ્પતા સ્થાપિત કરવાની છે. પુરુષાર્થને પુરુષાર્થ માન્યા વગર પુરુષાર્થ કરવાનો છે. કશું પામવાનું નથી, કશું ગુમાવવાનું નથી. સ્વયંની સનાતન સ્થિતિમાં સ્થિત
રહેવાથી ત્યાગ આપમેળે ઉદ્ભવે. નિમિત્ત કર્મ સમજી માત્ર કાર્યરત રહેવાનું. આ જ ત્યાગની ભૂમિકા છે. ત્યાગનો પણ ત્યાગ
કરવાનો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button