દ્વૈત-અદ્વૈતની સમજ
ચિંતન -હેમંત વાળા
ભારતીય દર્શનશાસ્ત્રમાં દ્વૈત અને અદ્વૈતની ચર્ચા જોવા મળે છે. સામાન્ય સમજ પ્રમાણે દ્વૈત એટલે બે બાબતોને ભિન્ન જોવાની પ્રક્રિયા અને અદ્વૈત એટલે તે બે વચ્ચે ઐક્યની પ્રતીતિ. આ બેની વિવિધ શાખા તથા તેમની વિચારધારાના વિકાસમાં અન્ય વિશિષ્ટ અદ્વૈત, શુદ્ધ અદ્વૈત, દ્વૈત-અદ્વૈત,અચિંત્ય ભેદાભેદ જેવી અન્ય પૂર્વધારણાઓ સ્થાપિત થતી રહી.
ભારતીય સંસ્કૃતિમાં ઈશ્ર્વર, સૃષ્ટિની રચના તથા સંભવિત પ્રલય, માનવી સહિત પ્રત્યેક જીવની ઉત્પત્તિ, બ્રહ્માંડની મર્યાદા-ક્ષમતા અને આધ્યાત્મ જેવી બાબતો માટે વિપુલ પ્રમાણમાં વિચાર-વિનિમય થયો છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રશ્ર્ન પૂછી તેનો ઉત્તર મેળવવા માટે અઘાત પ્રયત્ન કરાયો છે. આ બધા પ્રશ્ર્નો તથા તેના જવાબના મૂળ સુધી પહોંચવા માટે ભિન્ન ભિન્ન પ્રકારના માર્ગ સ્થાપિત થયા છે – જેને દર્શન કહેવાય છે. મુખ્યત્વે છ પ્રકારના દર્શન વેદ આધારિત છે અને તેથી તેનું ચલન સ્વાભાવિક રીતે વધુ હોય અને તે વધુ સ્વીકૃત બન્યા છે. આ છ દર્શન છે સાંખ્ય, યોગ, વૈશેષિક, ન્યાય, મીમાંસા તથા વેદાંત. આ બધા દર્શનમાં દ્વૈત-અદ્વૈતનો એક યા બીજા પ્રકારે ઉલ્લેખ જોવા મળશે, પરંતુ દ્વૈત-અદ્વૈતની વિસ્તૃત છણાવટ ખાસ કરીને વેદાંત દર્શનમાં જોવા મળે છે. વેદાંત એટલે વેદ-યુગનો અંત નહીં પરંતુ વેદ, ઉપનિષદ તથા અન્ય શાસ્ત્ર – બધાના નીચોડ સમાન અંતે બહાર આવેલું સત્ય. વેદાંતની વિચારધારા ઉપનિષદોમાં સ્પષ્ટ રૂપે વ્યક્ત થાય છે.
કોઈપણ રચના માટે બે પ્રકારના અસ્તિત્વની જરૂર રહે, નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. જ્યારે કુંભાર માટલું બનાવે ત્યારે માટી એ ઉપાદાન કારણ છે જ્યારે કુંભાર – સાથે ચાકડો અને દંડ પણ – એ નિમિત્ત કારણ છે. આ બંને કારણના સમન્વય તથા ચોક્કસ પ્રકારની નિમિત્ત કારણની ઈચ્છા શક્તિને કારણે – તેના પ્રભાવ હેઠળ માટલાનું – સૃષ્ટિનું સર્જન થાય છે.
દ્વૈત-અદ્વૈતની ચર્ચામાં આ ત્રણ બાબતો મુખ્ય સમજી લેવી પડે – નિમિત્ત કારણ જેને આપણે ઈશ્ર્વર કે બ્રહ્મ અને તેની ક્ષમતા કહી શકીએ, ઉપાદાન કારણ હેઠળ આત્મા કે જીવને આવરી લેવાય છે. આ બંનેના સથવારે જે રચના થાય છે જે સર્જન થાય છે તે સૃષ્ટિ. આ ત્રણે પરિમાણના પરસ્પરના સમીકરણ થતાં સમન્વયના પ્રકારથી જુદા જુદા પ્રકારના: દ્વૈત-અદ્વૈત, દર્શન નિર્ધારિત થાય છે.
ભક્તિનો આધાર દ્વૈત દર્શન છે. અહીં બ્રહ્મ, આત્મા તેમજ સૃષ્ટિને ભિન્ન ભિન્ન ગણવામાં આવે છે. અહીં ઈશ્ર્વરને સ્વતંત્ર તત્ત્વ કહેવાય છે જ્યારે આત્મા તથા જગતની ગણના પરતંત્ર તત્ત્વ તરીકે થાય છે. આ સ્વતંત્ર ક્યારેય પરતંત્ર ન બને અને પરતંત્ર ક્યારેય સ્વતંત્રતા ધારણ ન કરી શકે. આ ભેદ દ્વૈત દર્શનની મુખ્ય ભૂમિકા છે. અહીં એમ સ્થાપિત કરવાનો પ્રયત્ન થાય છે કે કુંભાર કુંભાર છે, માટી માટી છે, અને ઘડો ઘડો છે. દ્વૈત દર્શન પ્રમાણે મુક્તિ મળતાં – મોક્ષ મળતાં આત્મા ઉચ્ચ સ્થિતિને પામે છે પરંતુ તે ઈશ્ર્વર નથી બનતો.
અદ્વૈત દર્શનમાં સૃષ્ટિના ઉત્પાદન કારણને બ્રહ્મ કહેવાયું છે અને તે જ સત્ય છે. તેના સિવાય બધું મિથ્યા છે. મિથ્યા એટલે એમ નહીં કે તેનું અસ્તિત્વ જ નથી, મિથ્યા એટલે એવું સ્વરૂપ કે જે જેવું છે તેવું પ્રતીત ન થાય અથવા તેનું અસ્તિત્વ અને તેની પ્રતીતિ પણ બદલાયા કરે અથવા જે કંઈક અંશે સત્ય-અસત્યના મિશ્રણ સમાન છે. અહીં એમ પણ સ્થાપિત કરવામાં આવે છે કે ઉત્પાદન કારણ અને નિમિત્તકારણ બંને એક જ છે. અહીં બ્રહ્મ અને આત્માને ભિન્ન માનવામાં નથી આવતા, અને તેથી જ તેને અ-દ્વૈત કહેવાય છે. અહીં બ્રહ્મ સર્જક પણ છે, સાધન પણ છે અને સર્જન પણ. અદ્વૈત દર્શન પ્રમાણે મુક્તિ મળતાં – મોક્ષ મળતાં આત્મા સ્વયં બ્રહ્મ બની જાય છે – બ્રહ્મમાં એકાકાર થઈ જાય છે.
વેદાંતના અદ્વૈત સિદ્ધાંતમાં બ્રહ્મને નિર્ગુણ દર્શાવાયું છે તો વિશિષ્ટ અદ્વૈતના સિદ્ધાંત પ્રમાણે બ્રહ્મ સગુણાત્મક છે તેમ કહેવાયું છે. વેદાંત સિદ્ધાંત પ્રમાણે બ્રહ્મ નિર્ગુણ હોવાથી તેમાં કોઈપણ સ્વરૂપ સાથે ભેદ સંભવી ન શકે, જ્યારે અહીં વિશિષ્ટ અદ્વૈતના સિદ્ધાંતમાં બ્રહ્મમાં સ્વગત ભેદ છે તેમ દર્શાવાયું છે. આ ભેદને કારણે બ્રહ્મ ક્યાંક ઈશ્ર્વર બની રહે છે તો ક્યાંક આત્મા. આ પ્રકારની ભિન્નતા સાથે એમ પણ કહેવાયું છે કે આ ભિન્નતા જ સર્જક, સર્જન અને સાધનને એક કરવાની ક્ષમતા ધરાવે છે. તેથી આ વિશિષ્ટ અદ્વૈત સિદ્ધાંત એક રીતે અદ્વૈત તેમજ દ્વૈતના સમન્વય સમાન છે.
દ્વૈત-અદ્વૈત દર્શનમાં સૃષ્ટિ, સર્જન અને સાધનના પરસ્પરનું જે અવલંબન સ્થપાય છે તેનાથી એમ સાબિત કરવાનો પ્રયત્ન કરાયો છે કે ભિન્ન જણાતી બાબતો પણ અંતે તો એક જ છે – દ્વૈત જણાતી બાબત પણ અંતે તો અદ્વૈતના માળખામાં જ આવે છે. જેમ સાગરની પ્રત્યેક લહેર, લહેર પણ છે અને સાગર પણ છે, તેમ ભિન્ન જણાતી બાબતો ભિન્ન પણ છે અને અભિન્ન પણ. આ સમજથી આ દર્શનને ભેદાભેદ દર્શન પણ કહેવાય છે
શુદ્ધ અદ્વૈત દર્શનમાં દરેક પ્રકારના સંભવિત ભેદનો – સંભવિત ભિન્નતાનો સંપૂર્ણતામાં છેદ ઉડાડી દેવાય છે. સાગરનું જ ઉદાહરણ આપીને કહી શકાય કે સાગરની લહેર, તેનાં મોજાં, તેમાંથી નીકળતી બુંદ કે ક્યાંક જમા થતું ફીણ – અંતે તો બધું સાગર જ છે. જે ભિન્નતા દેખાય છે એ તેના સ્વરૂપની ભિન્નતા છે. મૂળમાં તત્ત્વ તો એક જ છે અને તે છે બ્રહ્મ. અચિંત્ય ભેદાભેદ દર્શનમાં દ્વૈતનો સિદ્ધાંત સ્વીકારવામાં આવે છે, પરંતુ બ્રહ્મની સત્તા વૈકલ્પિક છે તેમ કહેવાય છે – બ્રહ્મ ઇચ્છે તો સગુણ સ્વરૂપે સંમિલિત થઇ શકે નહીંતર તો અન્યથા તેનું અસ્તિત્વ તો છે જ; અને આ સમગ્ર પ્રક્રિયા વિચારના ક્ષેત્રની બહાર હોવાથી તેને અચિંત્ય કહેવાય છે.
દ્વૈત-અદ્વૈતની આ પ્રારંભિક સમજ છે. ઘણા પ્રશ્ર્નો બાકી રહી ગયા છે. બધાનો ઉલ્લેખ અહીં ન થઈ શકે. સમય મળ્યે તેની પણ ચર્ચા કરીશું. સમજવાની વાત એ છે કે ભારતીય સનાતનની આધ્યાત્મિકતામાં વ્યક્તિના વિકાસ માટે તેની રુચિ પ્રમાણે જે જે વિકલ્પ પ્રસ્તુત કરવામાં આવે છે તે માનવ ઇતિહાસની અમૂલ્ય દેન પણ છે અને અનેરી ઘટના પણ.