ધર્મતેજ

વાહિયાત એટલે?

ટૂંકી વાર્તા -રજનીકુમાર પંડ્યા

માથેથી કતારબંધ ઝાડની ઘેઘૂર ઘટાઓ પસાર થવા માંડી ત્યારે આખું આકાશ ઢંકાઈ ગયું અને કાળી રાત વધુ ડિબાંગ લાગવા માંડી. એ વખત પછી આંખો બંધ કરો કે ન કરો, કાંઈ જ ફરક પડતો નથી. આવું સાત-આઠ મિનિટ ચાલ્યું અને પછી ઝાડ પૂરાં થયાં અને આખું આકાશ ખૂલી ગયું. ચોથિયો ચંદ્ર એકલવાયો ધીરે ધીરે આકાશમાં સરક્યા કરતો હતો, બાકીનું કાળું ઘનઘોર આકાશ તારાઓથી ઝગમગ ઝગમગ… આવે વખતે ચાલુ ટ્રકે પાછળ ચત્તાપાટ પડ્યા પડ્યા ડોળા ફાડી ફાડીને આકાશ તરફ જોયા કરો. ઘણો ફરક પડે છે. આખી દુનિયા માનો ખોળો લાગે છે.

શરીર ક્યારનુંય ટ્રકના હલબલ આંચકા અનુભવ્યા કરતું હતું. થાક હતો અને ઉજાગરો પણ. ટ્રક ધીમી પડી. તીવ્ર વળાંક લીધો, પછી ગતિમાં આવી. ધીમી પડી અને પછી બ્રેક લાગી. આ બધી ખબર સૂતાં સૂતાં જ પડી. નીચે પાથરેલી સુંવાળી પરાળ પર આંગળાંઓ લસરાવતાં લસરાવતાં ટ્રક અટકી એ ન ગમ્યું. વિચારો તૂટી ગયા. ત્યાં જ નીચેથી બૂમ પડી: ‘તલાટીસા’બ’… ઓ તલાટીસા’બ’ પછી પાછો એ જ સ્વરમાં અધીરો અવાજ આવ્યો: ‘જામી ગયા કે?’

રમણીક બેઠો થઈ ગયો. જવાબ વાળ્યો: ‘ના બાપા ના, જાગું છું.’

નીચેથી ફરી ઊંઘરેટા અવાજમાં કહેણ આવ્યું: ‘ચા-બા ટટકાડશુંને?’ રમણીકે પરાળમાંથી ચંપલ હાથ કર્યાં: ટટકાડીએ.’

વાર લાગી એટલે ફરીથી નીચેથી અવાજ આવ્યો: ‘કહેતા હો તો ત્યાં મોકલું!’

‘ના ભઈ ના.’ એણે કંટાળીને ટ્રકના ચડાવેલા પાટિયે ઘોડો પલાંગીને પછી નીચે ઠેકડો માર્યો: ‘આ આવ્યો.’ પછી અટકીને આજુબાજું જોયું, પૂછ્યું: ‘ચમનપર લાગે છે, નહીં?’
‘હા’ ડ્રાઈવર બોલ્યો અને સામે સળગતી ટ્યૂબલાઈટોનું ઝુંડ હતું એ તરફ ચાલવા માંડ્યો. બોલ્યો: ‘અહીંનાં ચા-ગાંઠિયા બહુ વખણાય…. માણસ ક્યાં ક્યાંથી ખાવા આવે…’
ચા પીતાં પીતાં રમણીકે પૂછ્યું: ‘કેટલા વખતથી ફેરવો?’

સબડકો ભરીને ડ્રાઈવર બોલ્યો: ‘પાંચ-છ થયાં હશે.’
‘પહેલા?’

આંટાફેરા ને આશીર્વાદ. ડ્રાઈવર ચાનો મોટો છેલ્લો સબડકો ભરીને બોલ્યો: ‘તમે કેટલા વખતથી તળાટું કરો છો?’

‘હવે તો…’ રમણીકે પોતાના ધોળા વાળ પર અમસ્તી અમસ્તી જ આંગળીઓ ફેરવી: ‘પેન્શનનેય બહુ વરસ રહ્યાં નથી. જિંદગી આખી આમાં કાઢી… ઊંહ…’ એનાથી કટાક્ષમાં મરકી જવાયું.
કટાક્ષમાં કેમ હસાઈ ગયું? લેવા-દેવા વગરનું મનમાં હોય છે તે આમ ક્યારેક પેટીમાંની બંધ દુર્ગંધની જેમ તિરાડમાંથી બહાર આવી જાય છે. બાકી જિંદગીમાં શું દુ:ખ છે કે આમ વારે વારે ઊંહકારા કરવા પડે?

‘તમારે ભણેલાને મજા.’ ડ્રાઈવર બોલ્યો: ‘પહેલી તારીખે ઠનઠનિયાં ગણી લેવાનાં… નહીં?’

‘ભણેલા…’ રમણીકથી ફરી કાચું બોલાઈ ગયું. ને તુરત જ ફરી વિચાર પણ આવ્યો. આ લોકોને મન તો ભણેલા જને! પરમ દિવસે સરલની તબિયત જોવા ડૉકટરને બોલાવવા પડ્યા હતા. પરીક્ષાનું નામ પડતાં એને ટાઢ ચઢતી હતી. આ એવો તાવ હતો. નહોતું વાંચ્યું, નહોતું કરાવ્યું. નહીં ઉજાગરા કે નહીં મગજને કોઈ શ્રમ છતાં હું… હું… હું… કરતોકને ગોદડામાં ભરાઈ ગયો હતો. રમણીક તરત જ સાઈકલ લઈને રાજકોટ ગયો. ચાર કિલોમીટર જ થાય. ભગવતીપરામાંથી ડૉકટરને લઈને આવતાં પાંત્રીસ મિનિટ થયેલી. ડૉકટરે સરલને તપાસ્યો ને કહ્યું: ‘કાંઈ નથી, આને એક્ઝામ ફીવર છે, આનો કોઈ જ ઈલાજ નથી. સિવાય કે છોકરો જાતે બેઠો થાય.’

‘નસીબ એનાં.’ રમણીક બરાડ્યો હતો: ‘નહીં ભણે તો લોટ માગશે.’ રમણીક કટાક્ષમાં બોલ્યો. પણ ડૉકટરને થયું કે છોકરાનું ઉપરાણું લે છે. સ્ટેથોસ્કોપ બેગમાં મૂકતાં મૂકતાં બોલ્યા: ‘તમે અભણ લોકો એજ્યુકેશનની વેલ્યૂ કદી નહીં સમજવાના.’

‘અભણ…’ રમણીકને લમણામાં જાણે દૂરથી ફેંકાયેલો દડો વાગ્યો. જૂનો તલાટી હતો એટલે નોનમેટ્રિક હતો. નોનમેટ્રિક અભણ જ કહેવાય. આમ વિચારીને લમણું પંપાળ્યું. હાસ્તો વળી. અભણ તો સાત વાર અને મૂરખા. પણ આગળ ભણાવવા માટે કોણે ના પાડી? એ જમાનામાં બાપને અનાજની દલાલી હતી. ભણવાની સગવડ હતી. મા બિચારી એને ભણેલો જોવા માટે.

એકાએક ટ્રકનું વગડામાં ગાજે એટલા જોરથી હોર્ન વાગ્યું. રમણીકે ચમકીને જોયું. સામે ડ્રાઈવર – ક્લીનર કોઈ ક્યાં હતા? વિચારોમાં વહી ગયો હતો. એ દરમિયાન એ લોકો હાથ-મોં ધોઈને, ઝાડીમાં જઈને પાછા આવી ગયા હતા. આ તો રમણીકને બોલાવવાનું હોર્ન…

‘આગળ આવી જાવને!’ ડ્રાઈવરે કહ્યું: ‘હવે તો હમણાં તમારું ગામ આવશે.’
રમણીક આગળ આવી ગયો.

કલીનર બારીનો કાચ લૂછવા માંડ્યો. રમણીકને જરી સંકોડાઈને બેસવું પડ્યું. અચાનક એનું ધ્યાન કલીનરના માથા તરફ ગયું. ‘અરે,’ એનાથી પુછાઈ ગયું: ‘કેમ સાવ ટકો?’

‘મા મરી ગઈ એની…’ ડ્રાઈવરે બે આંગળી વતી મૂછ લૂછતાં કલીનર વતી જવાબ આપ્યો: ‘બાલ તો ઉતરાવવા જ પડેને?’
રમણીકની આંખો કશાકની યાદમાં એકદમ ઝીણી થઈ ગઈ.

‘કેમ?’ કલીનરનો હાથ ફરતાં એકદમ ખટકસ ગયો: ‘તમારામાં ના ઊતરાવે?’

યાદ આવ્યું. નો કેમ ઊતરાવે? મામાએ અને કાકાએ એક એક બાવડું અને માથું સજ્જડ હાથ પકડીને રમણીકનો મૂંડો કરાવી દીધેલો. ધમાલ અને રડારોળ કરી મૂકી હતી. બાપાએ તો એક બૂંસટ પણ ચડાવી દીધેલી. આથી તો એ વધારે ચડવે ચડ્યો હતો. પણ એ આંસુ વહી જતી આંખો; પણ સહસા જ સામે ખુરશી પર મૂકીને હાર ચડાવેલા માના ફોટા તરફ જોવાઈ ગયું હતું. પવનની લહેરમાંથી હાર થોડો થોડો ઝૂલતો હતો. માને પણ ગળાનું મંગળસૂત્ર આંગળીઓથી આમ જ રમાડ્યા કરવાની આદત હતી. આ સુખડનો હાર પણ શું એ જ હલાવતી હશે? પણ મા… તને તો આગ લાગેલી. મંગળસૂત્ર તારા ગળાની ચામડી સાથે ચોંટી ગયેલું. તું બેભાન હતી ત્યારે બિચારા બાપુએ રડતાં રડતાં તારી લબડતી ચામડીને કાતરથી કાપીને તારા શરીરથી એને અળગું કરેલું… આવા આવા વિચારો એ વખતે આવેલા. એટલે પછી હીબકાં બેસી ગયેલાં. પછી તાજું મુંડન કરેલા માથે તેણે હાથ ફેરવ્યો ત્યારે સાવ નવો જન્મ થયો હોય એવું લાગેલું. મા વગરનો જન્મ.

‘શું વિચારમાં પડી ગયા?’ ડ્રાઈવરે બાહુપાશની અદાથી સ્ટિયરિંગને બે હાથ વચ્ચે લેતાં પૂછ્યું: ‘તમારી જેવા ધોળા માથાવાળાનેય બાલ ઉતરાવવા ન ગમે, નહીં?’

ત્યાં જ ગામનું પાટિયું સામે પ્રકાશના શેરડામાંથી નીકળી આવ્યું… નજીક આવ્યું અને ટ્રક ઊભી રહી.

એ ઊતરીને ગામના કેડે ચાલવા માંડ્યો.

આઘાત પણ લાગ્યો, ઉચાટ પણ થયો. ક્રોધ પણ આવ્યો. માંદગીની બનાવટ પકડાઈ ગઈ; એટલે સરલ અચાનક ગુમ થઈ ગયો. હાજર હોઈએ તો બાપા પરાણે પરીક્ષા આપવા ધકેલેને! એટલે ગુમ થઈ ગયો. પરીક્ષા શરૂ થવાના ત્રીજે દહાડે આવ્યો. રમણીક એ વખતે એક જણનો આઠ-બારનો દાખલો કાઢતો હતો. અહોહો, કેટલી બધી જમીન બોલતી હતી. આ સવલાના ખાતામાં! એને દીકરો નથી, પણ દીકરાને માથે પછાડે એવી જમીન છે. એ વળી ક્યાંય નાસી પણ જતી નથી. ને બેઠાં બેઠાં ખવાડે છે.

આવો વિચાર આવ્યો અને મનમાં જરી દુ:ખાવો થયો ત્યાં જ સરલ ડેલીએ ડોકાયો. રમણીકની આંખમાં લાલ દોરો તણાઈ ગયો. ‘તારી તે મા…’ જીભે ગાળ આવી ગઈ અને ટાંટિયામાં વંટોળિયો પ્રગટ્યો. હાથમાંના ચોપડાઓનો એક તરફ ઘા કરીને આવેશનો માર્યો ઊભો થવા જતો હતો ત્યાં સવલાએ એનું બાવડું થોભી લીધું. ‘રે’વા દ્યો સા’બ. રે’વા દો…’ એ બોલ્યો. ‘છોકરું છે, આટલી બધી ખીજ મા કરો.’

‘અરે ખીજ તો શું!’ એ ત્રાડીને બોલ્યો: ‘આજ તો રાંડનાને પૂરો જ કરી નાખું… એના મનમાં સમજે છે શું? નથી ભણવું, એમ!’
સરળ ફળીમાં થાંભલો થઈને ઊભો રહ્યો.

‘ક્યાં ગુડાણો હતો આટલા દી ઓટીવાળ?’

સરલની બા પણ આ બોલાશ સાંભળીને ઓરડાની બહાર આવી ગઈ અને હેબતાઈને ઊભી રહી ગઈ.

‘કોક દી તારી માનો જીવ લઈશ, અક્કરમી,’ રમણીક અંતે ઊભો તો થયો જ. પણ આવેશ જીભમાં જ રહ્યો. ઊભા થયા પછી ફરી લથડ્યો. ફરી સરલાએ હાથ પકડીને બેસાડી દીધો અને છોકરાને હાથનો ઈશારો કર્યો. જતો રહે અંદર. છોકરે અંદર જવા પગ ઉપાડ્યા. એ સાથે જ એને ઊભો ઊભો બાળી નાખતી નજર એના ઉપર રમણીકે ફેંકી. એમ લાગ્યું કે હમણાં જ બાજુમાં પડેલો ડંગોરો ઉપાડીને છોકરાના માથામાં દેશે, પણ છોકરો સરપ દરમાં પેસે એમ અંદર પેસી ગયો. પાછળ પાછળ એની મા. બહાર એટલું સંભળાયું: ‘હાલ બેટા, જમી લે. ભૂખ્યો થયો હોઈશ.’ પછી વળી થોડી વારે ધીમું ગણગણાટ જેવું સંભળાયું: ‘હાય હાય… તઈણ દી’માં તો જો. મારો દીકરો કેવો થઈ ગયો છે?’

‘માયું જ છોકરાંવને બગાડતી હોય છે.’ રમણીક બોલ્યો, ‘મા…’ એને આગળ શું બોલવું હશે એ સવલાને સમજાયું નહીં, એટલે એ એની સામે જોઈ જ રહ્યો. જોયું તો રમણીક સાવ પાણી થઈ ગયેલો. આંખમાં માત્ર આંસુડાં આવવાં જ બાકી. સવલાએ પોતાની પાઘડી ઉતારી. ટોલા પર હાથ ફેરવ્યો. મનોમન બોલ્યો: ‘ગજબનો તલાટી. ઘડીમાં આગ, ઘડીમાં રાંડીરાંડનું કપાળ.’
‘જોકે,’ એકાએક રમણીક બોલ્યો: ‘મા પણ બચાડી શું કરે? મજબૂર હોય છે પેટ આગળ. જાન દઈ દેતી હોય છે – શું?

સવલાને કાંઈ સમજાયું નહીં, એણે પૂછ્યું: ‘શું?’
‘પરજા જ નાલાયકે પાકે છે, શું?’
સવલાએ માત્ર ‘હં’ કહ્યું.

‘બાકી માવડી તો મરી જાય… મરી.’ રમણીક ગણગણતો હોય એમ સાવ ધીરેથી બોલ્યો: ‘મારી મા મને દાક્તર બનાવવા માગતી હતી. દાક્તર બનવું હોય તો હુંશિયાર થવું જોઈએ એની એને ખબર. રોજેરોજ મારી સાથે રહીને મને લેસન કરાવે. હું ઠાગાઠૈયા કરું, તો પોતે હાથમાં દીવાસળી લે. બાકસ સળગાવે. સળગતી કાંડી લઈને સાડલાના છેડા સુધી લઈ જાય. આંખો ચમકાવીને કહે કે તું લેસન કરવા બેસે છે કે હું બળી મરું? શી ખબર, કોઈએ મારી માને કહ્યું હશે કે આવી રીતે ડરાવવાથી છોકરાં સીધાં સીધાં હાલે. પછી તો દરરોજ આમ કરે – દરરોજ મને બીક લાગે કે મા સળગી મરશે તો મારું શું થશે? એટલે હું દરરોજ ડાહ્યોડમરો થઈને લેસન કરવા બેસી જાઉં-શું?’

‘હં…’ સવલાએ હોંકારો આપ્યો, ત્યાં અંદરના ઓરડેથી ક્યારનીય સંભળાતી ગુસપુસના અંતે સરલનો ઘાંટો સંભળાયો: ‘એક વાર કીધુંને નથી ભણવું એટલે નથી ભણવું, નથી થાવું ભણેશરી. ભણેલા સંધાય ભૂખ્યે મરે છે. જાવ, ભીખ માગીશ, સૂઝે ઈ થઈશ; પણ ભણીશ તો નહીં જ. તમે સૌ મારો કેડો મૂકશો?’

સવલાએ જોયું કે રમણીકના હાથમાં કલમ સ્થિર થઈ ગઈ. એનાં ભવાં તણાઈ ગયાં. દાંત પણ ડોઢે વળી ગયા કે શું?’ આમ કાં કરે?

‘તળાટી સાહેબ,’ એણે વચ્ચે વાત નાખી, ‘તમ તમારે મારો દાખલો કાઢી આપોને! અહુર થાય છે.’
રમણીકને એક વાર ઢંઢોળવા જેવું કરવું પડ્યું. પછી એણે કલમ છંટકોરીને કાગળ ચીતરવા માંડ્યો. બાકીની વાત પૂરી કરતાં કરતાં.


કોર્ટમાં રમણીકે ગુનો કબૂલ કરી જ લીધો. દીકરાને ઘડીના છઠ્ઠા ભાગમાં પતાવી તો દીધો જ હતો, પણ કારણ? કારણમાં કાળ ચડ્યો હતો એ જ. વકીલે કહ્યું કે એ કારણ કારણ ન કહેવાય. સ્વબચાવ અર્થે એવું કાંઈક કહી શકાય તો કહો. બચાવમાં કામ આવે. બાકી કાળ તો ચડ્યો જ હોયને! એ વિના ખૂન શી રીતે થાય?

રમણીકે વિચાર કર્યો. તે દહાડે અડધી રાત સુધી કૈંક વિચારોનું ઘમસાણ ચાલ્યું હતું. હા. સરલ એકનો એક છોકરો હતો તોય કાળ ચડી આવ્યો હતો. ઊભા થઈને પાણી પીધું હતું તોય જંપ વળ્યો નહોતો. મગજની એક નસમાં રહી રહીને સણકો ઊપડતો હતો – ફાટતી હતી. અંતે બાજુમાં પડેલી ડાંગ ઉપાડી હતી. ઓરડામાં જઈને એ ડાંગને જ ગોદે એને ઉઠાડ્યો હતો. થોડી બોલાચાલી થઈ, અને એમાંથી છેલ્લે આકાશ સુધી ઊંચે તોળીને ડંગોરાનો એક જોરદાર ઘા… આમ કેમ થયું? સમજાતું નથી. એટલું યાદ છે કે મગજમાં એ કાળે સાવ બેભાની છવાઈ ગઈ હતી, પણ પછી જંપ વળી ગયો. અફસોસનો તો પછી દરિયો ઊમટતો હતો. અરે, દીકરો કાંઈ દવલો હતો એવું થોડું છે? અરે, એને તો ભણાવી-ગણાવીને મોટો માણસ બનેલો જોવો હતો. ડૉકટર બનાવવાનાં સપનાં હતાં.

સુનાવણી ચાલતી હતી એ દરમિયાન સવલો એક વાર બચાવ પક્ષના વકીલ પાસે આવ્યો. એના કાનમાં કહ્યું: ‘સાહેબ, મને એક વાત સાંભરે છે, ને તે એ કે બનાવની આગલી રાતે સરલિયો ત્રણ દી રખડીને ઘેર પાછો આવ્યો એ ટાણે હું હાજર હતો. પછી એની મા એને ઘરમાં જમવા લઈ ગઈ ત્યારે રમણીક-તલાટીએ મને એક વાત કરી હતી. બચપણમાં પોતાની મા એને લેસન કરાવવા માટે સળગી મરવાની બીક દરરોજ બતાવતી હતી. એમાં એક વાર સાચોસાચ દીવાસળીની ઝાળ અડી જતાં એ, એ જ વખતે ભડથું થઈ ગઈ હતી. તલાટી કહેતા હતા કે મરતી વખતેય એની માના મોંમાં-મારા દીકરાને મારે ભણેલો જોવો છે – જેવાં વેણ અંતકાળ સુધી હતાં. કોઈ કહેતું હતું કે એ સનેપાતનાં લખણ હતાં. કોઈ કહે છે કે રટણા. આ વાત કરતાં કરતાં તલાટી સાવ બદલાઈ ગયેલા હોં! જાણે કે સમસાનમાંથી બેઠું થયેલું મડું જ જોઈ લો…’

‘તમે આ વાત મને શા માટે કરો છો?’ વકીલે પૂછ્યું.

‘કદાચ રમણીકભાઈના બચાવમાં કામ આવે.’ સવલો બોલ્યો: ‘આવેને?’

‘ના આવે.’ વકીલે કાયદાનું મોટું થોથું ખોલ્યું. ચશ્માં ચડાવ્યાં અને પછી ઘેરા અવાજે કહ્યું, ‘કેવી રીતે આવે? મુકદ્દમાનો ને એ વાતનો સંબંધ કયા કાયદાને આધારે જોડવો?’

‘પણ…’ સવલો બોલવા ગયો. પણ વકીલે એને વચ્ચે જ અટકાવીને કહ્યું: રમણીકની બાવાળી એ વાત સાવ સાચી હતી તોય વાહિયાત છે.’

સાંજે લોક-અપમાં જઈને સવલાએ રમણીકને કહ્યું: ‘હે રમણીકભાઈ, તમે મને કરેલી એ તમારી માવાળી વાત વાહિયાત છે?’

પછી રમણીકનો ચહેરો એકદમ લાલઘૂમ થઈને બદલાઈ ગયો તોય સવલાએ પૂછ્યું: ‘વાહિયાત એટલે?’

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત