Raveena Tondonના કેસમાં ટવીસ્ટ: CCTV Footageએ ખોલી પોલ, આ છે સાચી હકીકત…
સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાઈરલ થયો અને આ વીડિયોમાં બોલીવૂડ એક્ટ્રેસ રવીના ટંડન (Raveena Tondon)ને લઈને એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે નશામાં ધૂત અવસ્થામાં એક્ટ્રેસ અને તેના ડ્રાઈવરે ત્રણ મહિલાઓને કારની અડફેટમાં લઈ લીધી હતી. એટલું જ નહીં આ વીડિયોમાં આગળ એવું પણ જોવા મળી રહ્યું હતું કે લોકોએ એક્ટ્રેસને ધક્કે ચડાવી હતી અને તેની સાથે મારપીટ પણ કરી હતી.
વીનાના આ વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં એવું પણ કહેતી સાંભળવા મળે છે કે પ્લીઝ, પ્લીઝ ધક્કો ના મારશો, મને મારશો નહીં… જોકે, હવે સોશિયલ મીડિયા પર એક બીજો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં આ ઘટનાની એક બીજી જ બાજું જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ બીજો વીડિયો એ એક સીસીટીવી ફૂટેજનો છે, જેમાં આ ઘટનાની સચ્ચાઈ કેદ છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલીક મહિલાઓ ત્યાંથી પસાર થઈ રહી છે અને એ જ સમયે ત્યાંથી રવીના ટંડનની ગાડી આવે છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ ગાડી ત્યાંથી પસાર થઈ રહેલી એક પણ મહિલાને ટક્કર નથી મારતી કે ન તો તેમને અડફેટે લે છે.
એક ન્યૂઝ ચેનલના રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર રવીના ટંડનના આ કથિત ઝઘડાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે અને આ સીસીટીવી ફૂટેજથી એ વાત તો સાબિત થઈ ગઈ છે કે રવીનાની કારે કોઈ પણ મહિલાને ટક્કર નથી મારી. એટલું જ નહીં પણ આ વીડિયોમાં એવું પણ જોવા મળી રહ્યું છે કે ડ્રાઈવરે કારને મહિલાઓની બાજુમાંથી લઈ જઈને નિર્ધારિત સ્થળે પાર્ક કરી દીધી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે અને યુઝર્સ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
કેટલાક યુઝર્સનું કહેવું છે કે આ જ કારણ છે કે હંમેશા આપણી આસપાસમાં સીસીટીવી કેમેરા હોવા જોઈએ. આ વીડિયો પોસ્ટ કરતાં એક યુઝરે લખ્યું હતું કે સીસીટીવી કેમેરાનું ફૂટેજ જોઈને એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે એક્ટ્રેસ રવીના ટંડનની કારે કોઈને ટક્કન નથી મારી. એવો દાવો કરાઈ રહ્યો હતો કે કારે મહિલાઓને ટક્કર મારી છે, પણ સીસીટીવી ફૂટેજમાં તો એવું નથી દેખાઈ રહ્યું. આ સિવાય ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે આ સીસીટીવી ફૂટેજ રવીના ટંડનના કેસ સાથે સંકળાયેલો છે અને એ જોઈને જ ખ્યાલ આવે છે કે આ આખી ઘટના ખોટી છે.