તરોતાઝા

પ્રતિદિન સૂકા નાળિયેરનો એક ટૂકડો બનાવશે આરોગ્યને ટકાટક

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

ચાલો જાણી લઈએ સૂકા કોપરાના સ્વાસ્થ્યવર્ધક લાભ

તહેવારોના દિવસો શરૂ થાય તેમ બજારમાં વિવિધ વસ્તુઓનાં ભાવ વધી જતાં હોય છે. તેમ છતાં તહેવારમાં ખાસ ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુ આપણે ખરીદવાનો આગ્રહ રાખતાં જ હોઈએ છીએ. ફળ-ફૂલ, સૂકો મેવાની સાથે વિવિધ પ્રકારના લોટની ખરીદી વધી જતી હોય છે. જેમ કે ઘઉંનો જાડો લોટ, ચણાનો લોટ કે પછી મોદક (ચોખાનો લોટ).

ગણેશોત્સવ હોય કે નવરાત્રિ હોય, નાળિયેરની માગ જોરદાર વધી જતી હોય છે. લીલા નાળિયેરની સાથે બજારમાં સૂકા નાળિયેરખરીદનાર વર્ગ બહોળો જોવા મળે છે. ભારતીય પૌરાણિક કથાનું શ્રવણ કરીશું તો જાણવા મળશે કે નાળિયેરને પવિત્ર ફળ પણ ગણવામાં આવે છે. હવન હોય, ચંડીયજ્ઞ કે વિવિધ પ્રકારના અનુષ્ઠાનમાં નાળિયેરની આહુતિ અગ્નિદેવને અપર્ણ કરવામાં આવે છે.

મુંબઈ જેવા શહેરમાં ઝડપથી શરીરને ઊર્જાવાન બનાવવા નાળિયેરના પાણીની પ્રથમ પસંદગી કરવામાં આવે છે. વાળની તંદુરસ્તી માટે નિયમિત નાળિયેરના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઈડલી-ઢોંસા-મેદું વડા કે ઉત્ત્પ્પા જેવી દક્ષિણ ભારતીય વાનગીમાં નાળિયેરની ચટણીનો ખાસ ઉપયોગ થતો જોવા મળે છે. નાળિયેરનું સેવન કરવાથી શરીરને ભરપૂર ફાયદો થાય છે.

નાળિયેર માટે એવું કહેવાય છે કે નિયમિત એક ટૂકડો ખાવાથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.

શાંત ઊંઘ માટે ગુણકારી
આજકાલ ૧૦ વ્યક્તિમાંથી ૮ વ્યક્તિઓ ઊંઘ ન આવવાની કે ગાઢ ઊંઘ ન આવવાની ફરિયાદ કરતાં જોવા મળે છે. રાત્રિભર કરવટ બદલવાથી બચવું હોય તો રાત્રે સૂતા પહેલાં સૂકા નાળિયેરનો એક ટૂકડો ચાવી જવાથી મન શાંતિ અનુભવે છે.

પાચનક્રિયા મજબૂત બનાવે છે
આપણામાં કહેવત છે કે જેનું ‘પેટ બગડ્યું તેનો દિવસ બગડ્યો’. સૂકું નાળિયેર નિયમિત ખાવું એ એક પ્રાકૃતિક ઉપાય છે. નાળિયેરનું સેવન રાત્રે સૂતાં પહેલાં કરવાથી પેટની તંદુરસ્તી જળવાઈ રહે છે. કબજિયાતની તકલીફ રહેતી નથી. તેનું મુખ્ય કારણ છે કોપરામાં સમાયેલાં ફાઈબરના ગુણો.

લોહીની ઊણપ ઘટાડવામાં લાભદાયક
શરીરમાં લોહીની ઊણપને કારણે દર્દીના શરીરમાં નબળાઈ આવે છે. સ્વભાવ ચીડિયો બની જતો હોય છે. અનેક વખત ગાઢ ઊંઘ ન આવવાની સમસ્યા પણ સર્જાતી હોય છે. આવા સંજોગોમાં સૂકા નાળિયેરનું સેવન કરવાથી શરીરને રાહત મળે છે. તેનું મુખ્ય કારણ છે, નાળિયેરમાં આયર્નની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. શરીરને તંદુરસ્ત રાખવામાં સૂકા નાળિયેરનો ટૂકડો ગુણકારી ગણાય છે. એક સમય હતો જ્યારે બાળકીઓ, યુવતીઓ કે સૌભાગ્યવતી સ્ત્રી, ગૌરીવ્રત કે જયાપાર્વતી વ્રત કરતી, ત્યારે તેમને સૂકામેવાની સાથે સૂકા નાળિયેરના નાના ટૂકડાં ખાસ ડબ્બામાં ભરી આપવામાં આવતાં હતા.

સગર્ભાવસ્થામાં પોષણદાયક :
ગર્ભવસ્થામાં ગર્ભવતી મહિલાને ભરપૂર પોષણ મળી રહે તેવા ખોરાકની આવશ્યક્તા રહે છે. ગર્ભવતી મહિલાના આહાર ઉપર ગર્ભસ્થ શિશુના વિકાસનો આધાર તથા સ્વાસ્થ્ય નિર્ભર હોય છે. નાળિયેરનું સેવન અત્યંત ગુણકારી ગણાય છે. તેનું મુખ્ય કારણ નાળિયેરમાં જોવા મળતું ફેટીએસિડ ગર્ભસ્થ શિશુના વિકાસ માટે ઉપયોગી બને છે. ગર્ભાવસ્થામાં સૂકા નાળિયેરનું સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે. તેનું કારણ છે નાળિયેરમાં આયર્નની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી છે. મન આનંદિત રહે છે. જે બાળકના વિકાસમાં મદદ કરે છે. યાદશક્તિ વધારવામાં મદદરૂપ : નાળિયેરનું સેવન કરવાથી મગજની કાર્યક્ષમતા વધે છે. વ્યક્તિનું મગજ ધારદાર બને છે. કેટલાંક સંશોધન મુજબ નાળિયેરનું સેવન તેમજ તેના તેલનો ઉપયોગ કરનાર વ્યક્તિને અલ્ઝાઈમરની બિમારીનો ખતરો ઘટી જાય છે.

યુરિન ટ્રેક ઈન્ફેક્શન (યુટીઆઈ)ની સમસ્યામાં રાહતદાયક
યુટીઆઈની સમસ્યા મહિલાઓમાં વધુ થતી જોવા મળે છે. સૂકા નાળિયેરનું સેવન કરવાથી મૂત્રમાર્ગમાં થતાં ચેપની સમસ્યાથી રાહત મેળવી શકાય છે. વાસ્તવમાં નાળિયેરની ગણના એક મૂત્રવર્ધક આહારમાં કરવામાં આવે છે.
નાળિયેરનું પાણી યુટીઆઈની સમસ્યામાં લાભકારક ગણાય છે. નાળિયેરનું પાણી પીવાથી કે સૂકા નાળિયેરનું સેવન કરવાથી યુરિન વધુ બનતાં, ચેપ ફેલાવનાર બેક્ટેરિયા શરીરની બહાર નીકળી જાય છે. યુરીન ટ્રેક ઈન્ફેક્શનની સમસ્યામાં સુધારો થાય છે.

ત્વચાના નિખાર માટે ગુણકારી
નાળિયેરનું સેવન કરવાથી ત્વચાને યોગ્ય પોષક તત્ત્વો મળી રહે છે. જેને કારણે ત્વચા સૂકી પડતી નથી. ત્વચા ઉપર કાળા ડાઘ કે ધબ્બા થવાની શક્યતા ઘટી જાય છે, ત્વચા ચમકદાર બને છે.

હૃદયની તંદુરસ્તી જાળવવામાં ગુણકારી
સૂકા નાળિયેરમાં ઍન્ટિ-ઓક્સિડન્ટનું પ્રમાણ ભરપૂર જોવા મળે છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાની સાથે હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. નાળિયેરમાં સમાયેલું ફિનોલિક નામક કમ્પાઉન્ડ ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડવામાં મદદ કરે છે. હૃદય જો સ્વસ્થ હોય તો તે લોહીનું પમ્પિંગ સરળતાથી કરી શકે છે.
નસોમાં લોહી ગંઠાઈ જવાની સમસ્યા કે લોહીની નળી બ્લૉક થવાના ખતરાથી બચી શકાય છે. હૃદયરોગ કે અચાનક દુખાવાની તકલીફથી થતાં જોખમથી બચવામાં મદદ મળે છે.

નાળિયેર વિશે અવનવું
નાળિયેરના વૃક્ષને સદાબહાર વૃક્ષ કહેવામાં આવે છે. પ્રતિવર્ષ ફળ આપે છે.
વિશ્ર્વના કેટલાંક સ્થળોમાં તેનો ઉપયોગ પ્રાકૃતિક ચિકિત્સા માટે કરવામાં આવે છે.
નાળિયેરનું તેલ ત્વચા તથા વાળ માટે શ્રેષ્ઠ ગણાય છે.
નાળિયેરના ફળમાં વિટામિન ઈ, ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, કૅલ્શિયમ, ફૉલિક એસિડ, ઝિંક તથા ફોસ્ફરસ સમાયેલું જોવા મળે છે.
નાળિયેર તાજું હોય કે સૂકું બંને સ્વાસ્થ્યપ્રદ ગણાય છે.
ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ ગણાય છે.
તાજા નાળિયેરમાંથી તેલ કાઢવા માટે તેને સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે છે. પાણી સૂકાઈ જાય છે. જેને કારણે સૂકા નાળિયેરનો રંગ થોડો ક્રિમિશ હોય છે.
વિવિધ વાનગી, મીઠાઈ , પુડિંગ તથા વાનગીની સજાવટમાં સૂકા નાળિયેરનો ઉપયોગ કરવામાં આવે છે.
મહારાષ્ટ્રમાં વડાપાંઉની સૂકી ચટણીમાં સૂકા નાળિયેરનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે.
આઈસક્રીમ, કોપરાંપાક, કુકીઝ, ખીર, ચુરમાના લાડુ, ભાખરવડી, પૌંઆનો ચેવડો કે પુરણપોળી વગેરેમાં ખાસ ઉપયોગમાં લેવાય છે.
લસણની ચટણી, દાબેલી મસાલો, મીઠા લીમડાંની ચટણી કે સૂકા નાળિયેરની નાગર ચટણીમાં ખાસ ઉપયોગમાં લેવામાં આવે છે.
લીલા નાળિયેરની તુલનામાં સૂકું નાળિયેર છ માસ સુધી સારું રહે છે.
સૂકા નાળિયેરના ટૂકડાં, ભૂકો, કતરણ વગેરે બનાવી શકાય છે.

ઘરે કોપરાં પાક બનાવો

૨ વાટકી સૂકા કોપરાનું છીણ, ૧ વાટકી ખાંડ, ૧ ચમચી એલચી-જાયફળનો પાઉડર, ૧ ચમચી બદામ-પિસ્તાની કતરણ, ૩-૪ તાંતણા કેસર, ૨ ચમચી દૂધ, ૧ ચમચી ઘી
બનાવવાની રીત : કેસરના તાંતણાને સૌ પ્રથમ દૂધમાં પલાળવા. હવે કડાઈમાં એક વાટકી ખાંડ લેવી. ખાંડ ડૂબે તેટલું જ પાણી લઈને ગરમ કરવું. દોઢ તારની ચાસણી બનાવવી. ચાસણી બનાવતી વખતે એક ચમચી દૂધ ભેળવવું, જેથી ચાસણીમાંથી મેલ ઉપર આવશે જે બહાર કાઢી લેવો. ચાસણી બની જાય એટલે તેમાં એલચી-જાયફળનો પાઉડર, કેસરવાળું દૂધ ભેળવીને હલાવી લેવું, કોપરાનું છીણ કે ખમણ ભેળવવું. ૧ ચમચી ઘી ભેળવીને બરાબર હલાવી લેવું. ઘી લગાવેલી થાળીમાં પાથરી દેવું. બદામ-પિસ્તાની કતરણથી સજાવીને ઠંડું થવા દેવું. એક સરખા ટૂકડાં કરી ગણપતિબાપાને ભોગ ધરાવી ખાવાના ઉપયોગમાં કોપરાંપાક લેવો. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button