Panchayat વેબ સિરિઝના વિનોદનું જીવન વિનોદી નહીં, પણ આવું આકરું હતું
હાલમાં પંચાયત-3 સિઝન (Panchayat-3)ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે. ફુલેરા (Fulera) ગામની રસપ્રદ વાતો કહેતી આ સિરિઝની ત્રણેય સિરિઝ સફળ રહી છે. આ સિરિઝના તમામ પાત્રો લોકોને ગમ્યા હોવા છતાં વિનોદ-જેને યુપી-બિહારની સ્ટાઈલની હિન્દીમાં બિનોદ (Binod)કહેવામાં આવે છે તે સૌને ખૂબ ગમી ગયું છે અને તેના મિમ્સ પણ ભારે વાયરલ થયા છે. પણ આ વિનોદનું પાત્ર ભજવનાર અભિનેતાના જીવનમાં વિનોદ એટલે કે હાસ્ય અને હળવાશ નહીં પણ ઘણી કઠણાઈ હતી અને તેમાંથી બહાર નીકળી તેણે પોતાનો સિક્કો જમાવ્યો છે.
વિનોદનું પાત્ર ભજવતો અશોક પાઠક (Ashok Pathak)મૂળ બિહારના સિવાનના છે. પરિવાર કામ માટે હરિયાણાના ફરીદાબાદ આવ્યો હતો. અશોકનું બાળપણ ગરીબીમાં વીત્યું. કાકા જ્યારે કપાસ વેચતા હતા ત્યારે અશોક પણ નાનપણથી જ તેમને મદદ કરવા લાગ્યો હતો. અશોક કહે છે કે તે સાઇકલ પર કપાસના બંડલ વેચવા ગામડે ગામડે જતો હતો. આ કામથી તે દરરોજ લગભગ 100 રૂપિયા કમાઈ લેતો હતો.
દરમિયાન, ધીમે ધીમે ખરાબ સંગતને કારણે તે ઘણી કુટેવો પાળી બેઠો. ગુટખા, પાન, તમાકુ વગેરે વસ્તુઓનો શોખીન બન્યો.
દરમિયાન, અશોકનો પરિવાર કામ માટે હિસાર શિફ્ટ થયો હતો. અને પછી અચાનક અશોક પણ 12મા સુધી ભણીને કોલેજમાં આવ્યો. અશોકના જીવનનો આ યુ ટર્ન હતો. અશોક કહે છે કે આજે હું જે કંઈ છું તેમાં કોલેજના શિક્ષણનો સૌથી મોટો ફાળો છે.
આ પણ વાંચો: ‘રંજિશ હી સહી દિલ કો દુ:ખાને કે લીએ’ આ સત્ય ઘટનાથી પ્રેરિત વેબસિરિઝ દાસ્તાન-એ-બાસ્ટર્ડ છે
ગાયન અને ફિલ્મોના શોખીન અશોકે કોલેજકાળથી જ થિયેટરમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. કલ્ચરલ ફેસ્ટ હોય કે થિયેટર પ્લે, અશોક દરેક બાબતમાં મોખરે હતો. આ દરમિયાન અશોક પણ એક્ટિંગ કરવાના સપના જોવા લાગ્યો હતો. જોકે તેનો ચહેરો અને પર્સનાલિટી જોઈને તેની મજાક ઉડાડવાવાળા ઘણા હતા અને તેને નિરાશ કરવાવાળા પણ.
દરમિયાન કોલેજ ફેસ્ટીવલમાં એક નાટક કરવા માટે તેને ચાલીસ હજાર રૂપિયા મળ્યા હતા અને આ પૈસા લઈને તે મુંબઈ પહોંચી ગયો હતો. ખાસ વાત એ હતી કે અશોક મુંબઈ ગયો કે તરત જ તેણે ઘણા ઓડિશન પાસ કર્યા અને કામ મળવા લાગ્યું. અશોક કહે છે કે મુંબઈ ગયાના એક મહિના પછી જ તેમના ખાતામાં એક લાખથી વધુ રૂપિયા હતા.
અશોકને શરૂઆતમાં વિનોદનું પાત્ર ભજવવાની ના પાડી. પરંતુ બાદમાં એક મિત્રની સલાહથી તેણે પાત્ર ભજવ્યું અને આજે આ પાત્ર તેની ઓળખ બની ગયું. વિનોદના રોલમાં અશોક પાઠકના અભિનયના બધાએ વખાણ કર્યા.
અશોકે અગાઉ ઘણી સારી બેસ સિરિઝમાં પાત્રો ભજવ્યા છે, પણ પંચાયતે તેને ઓળખ અપાવી અને તેના જીવનમાં વિનોદ પણ આવ્યો.