જૂન મહિનાની ગોઝારી શરૂઆત : શનિવારે સર્જાયેલ અલગ અલગ અકસ્માતોમાં 10 લોકોના મોત
ગાંધીનગર : શનિવાર ઘણા પરિવારો માટે ગોજારો સાબિત થયો હતો. કારણ કે ચાર અલગ અલગ જગ્યાએ થયેલા વિવિધ અકસ્માતોમાં ગુજરાતનાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 57 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. શનિવારે મોડાસા, નવસારી, વડોદરા અને પાલીમાં અકસ્માતો સર્જાયા હતા.
મોડાસા બાઇક ચાલકને બચાવવા જતાં સર્જાયો અકસ્માત :
પ્રાપ્ત વિગતો અનુસાર, મોડાસા માલપુર હાઇવે પર માલપુર બાજુથી આવતી એસ. ટી. બસ અને મોડાસા તરફ જઈ રહેલી લકઝરી બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અહી સાકરીયા બસ સ્ટેશન નજીક બાઇક ચાલકને બચાવવા જતાં એસટી બસ ડીવાઈડર ઓળંગીને સામેની બાજુથી આવતી લકઝરી સાથે અથડાઇ હતી. આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને 108 બોલાવી લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા, જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. વડોદરા જીલાના સાવલીના મુસાફરો જગન્નાથપૂરીથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.
વડોદરામાં લગ્ન પ્રસંગમાં જઈ રહેલ દંપતીના મૃત્યુ :
મૂળ દાહોદ જિલ્લાના ઝાલોદના વતની અને વડોદરામાં મજૂરી કરતાં વિક્રમ ભાભોર તેની પત્ની વતનમાં લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની સાથે તેમના બે બાળકો પણ હતા. વતન જવા માટે વહેલી સવારે પાંચ વાગ્યે આજવા ચોકડી નજીક લક્ષ્મી સ્ટુડિયો પાસે પાછળથી આવતા અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા ચારેય જણા ઉછળીને રોડ પર ફંગોળાયા હતા. પતિ – પત્નીને માથામાં ગંભીર ઇજા થતા તેઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તેઓ બંનેનો આબાદ બચાવ થયો છે.
ભુજના ખત્રી પરિવારને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત :
ભુજનો ખત્રી પરિવાર કાર લઈને અજમેર જવા નીકળ્યો હતો. જય તેમને રાજસ્થાનના પાલી નજીકના ધોરીમાર્ગ ઉપર કાર પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર એક મહિલાનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને પાલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં સિવપુરા પોલીસ સ્ટેશન દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નવસારી નજીક ટેમ્પો ચાલકે કાબૂ ગુમાવતાં સર્જાયો અકસ્માત :
ખૂબ જ વ્યસ્ત રહેતા નેશનલ હાઇવે 48 પર નવસારી નજીક અષ્ટગામ પાસે બપોરના ત્રણ વાગ્યા આસપાસ એક ટેમ્પો ચાલકે કાબૂ ગુમાવતા મુંબઈ તરફ જતી બે કાર અને એક રિક્ષાને અડફેટે લીધી હતી. જેમાં 2 યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવતીનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે 7 વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી.