
કોલકાતા/ઇન્દોર: એક તરફ રોહિત શર્માની કૅપ્ટન્સીમાં ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપ રમવા અમેરિકા ગઈ છે ત્યાં અઠવાડિયા પહેલાં જ આઇપીએલમાં ત્રીજું ટાઇટલ જીતનારી કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ની ટીમનો ચૅમ્પિયન પ્લેયર ઘોડીએ ચડી ગયો છે.
ચેન્નઈમાં 26મી મેએ સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) સામેની આઇપીએલ ફાઇનલમાં 26 બૉલમાં ધમાકેદાર બાવન રનની ઇનિંગ્સથી કેકેઆરની જીત આસાન બનાવનાર મધ્ય પ્રદેશના 29 વર્ષીય ઑલરાઉન્ડર વેન્કટેશ ઐયરે શ્રુતિ રઘુનાથન સાથે લગ્ન કર્યા છે. તેમણે છ મહિના પહેલાં (નવેમ્બર, 2023માં) સગાઈ કરી હતી અને ત્યારે તેમના એન્ગેજમેન્ટની તસવીરો તથા વિગત સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી.
રવિવારે સવારે દક્ષિણ ભારતીય વિધિ અનુસાર તેઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા.
વેન્કટેશ-શ્રુતિના લગ્નની વિગત વાઇરલ થતાં જ તેમના પર અભિનંદનની વર્ષા થઈ હતી.
ગણતરીના કલાકોમાં નવદંપતીના લગ્નની પોસ્ટને મીડિયામાં 1,83,000 વ્યૂઝ મળ્યા હતા. વેન્કટેશને જિંદગીની નવી ઇનિંગ્સ શરૂ કરવા બદલ અનેક લોકોએ શુભેચ્છા આપી હતી.
કેકેઆરના ટોચના સ્પિનર વરુણ ચક્રવર્તી સહિત બીજા ક્રિકેટ ખેલાડીઓ વેન્કટેશના લગ્ન સમારંભમાં હાજર હતા.
વેન્કટેશની નવ-વિવાહિતા શ્રુતિએ કહ્યું હતું, ‘હું ક્રિકેટ વિશે કંઈ જ નથી જાણતી, પણ હવે કહું છું કે વેન્કટેશ મારો ફેવરિટ ક્રિકેટ ખેલાડી છે.’
શ્રુતિ બેંગલૂરુની એક જાણીતી કંપનીમાં મર્કેન્ડાઇઝ પ્લાનર છે. તેણે બી. કોમ થયા બાદ ફેશન મેનેજમેન્ટમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી.
વેન્કટેશ ઐયરે તાજેતરની આઇપીએલમાં 13 ઇનિંગ્સમાં ચાર હાફ સેન્ચુરીની મદદથી 370 રન બનાવ્યા હતા એમાં તેની 19 સિક્સર અને 35 ફોર સામેલ હતી.