મુંબઈની 57 માળની ઈમારતમાં આગ ફાટી નીકળી
દક્ષિણ મુંબઈના ભાયખલા વિસ્તારમાં આવેલી 57 માળની રહેણાંક ઈમારતમાં મધરાતે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આગની ઘટના અંગે તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.
અગ્નિ શમન દળના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના ગઈકાલે રાત્રે લગભગ 11:42 વાગ્યે ભાયખલાના ખટાઉ મિલ કમ્પાઉન્ડમાં બની હતી. અહીં મોન્ટે સાઉથ બિલ્ડિંગની એ વિંગના 10મા માળે આવેલા ફ્લેટમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. જ્યારે બિલ્ડીંગમાં રહેતા લોકોએ આગની જ્વાળાઓ જોઇ તો ગભરાટ ફેલાયો હતો. ફ્લેટમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી હતી અને સમગ્ર બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસને કરવામાં આવી હતી.
આ પણ વાંચો : પુણેમાં કાર અકસ્માત ટીનએજર પુત્રને બચાવવાના પ્રયાસમાં માતાની પણ ધરપકડ
ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ અને પોલીસ પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક આગ ઓલવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. સદનસીબે આગ અન્ય કોઈ ફ્લેટ સુધી પહોંચી ન હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે રાતે લગભગ 2:45ના સુમારે આગ કાબૂમાં આવી હતી. આગ જોકે,ત્ર 10મા માળના ફ્લેટ સુધી સીમિત રહી હતી, પરંતુ આખો માળ ધુમાડાથી ભરાઈ ગયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આગમાં જાનહાનિના કોઇ સમાચાર નથી. નવ ફાયર એન્જિન અને અન્ય ફાયર વાહનો આગ ઓલવવાની કામગીરીમાં લાગી ગયા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ટાવરના 10મા માળે આવેલા ફ્લેટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી એમ હાલનાં કહેવામાં આવી રહ્યું છે. હાલ આ ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.