નેશનલ

ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા

બિલિયોનેર ગૌતમ અદાણી ફરી એકવાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે, બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર તેમના સમૂહમાં લિસ્ટેડ કંપનીઓના શેરના ભાવમાં ઉછાળો આવ્યો છે. ઇન્ડેક્સ મુજબ, અદાણી હવે 111 બિલિયન ડૉલરની નેટવર્થ સાથે વિશ્વમાં 11મા ક્રમે છે, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરપર્સન 109 બિલિયન ડૉલરની નેટવર્થ સાથે 12મા ક્રમે છે.

શુક્રવારે અદાણી ગ્રૂપની તમામ કંપનીઓના શેરમાં 14% સુધીનો ઉછાળો આવ્યો હતો. વધુમાં, બજાર મૂલ્યમાં 84,064 કરોડ રૂપિયાનો ઉમેરો થતાં શુક્રવારે ટ્રેડિંગના અંતે 10 અદાણી જૂથની લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને 17.51 ​​લાખ કરોડ રૂપિયા થયું હતું.

અગાઉ 2022માં, અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદીના સમયગાળાનો સામનો કરી રહી હતી ત્યારે પણ તેમની વ્યક્તિગત સંપત્તિમાં વધારો થયો હતો, પરંતુ જાન્યુઆરી 2023 માં, જાણીતા શોર્ટ-સેલર હિન્ડેનબર્ગ રિસર્ચના અહેવાલ પછી તેમની સંપત્તિનું ધોવાણ થયું હતું. હિન્ડેનબર્ગના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે અદાણીનું બિઝનેસ સામ્રાજ્ય છેતરપિંડી દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ દાવા બાદ અદાણીના જૂથના શેરના ભાવ 150 બિલિયન ડૉલર તૂટી તેના સૌથી નીચા સ્તરે ગયા હતા અને તેઓ વિશ્વના ટોચના 20 અબજોપતિઓમાંથી બહાર થઇ ગયા હતા. જો કે, અદાણીએ હિન્ડેનબર્ગના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને પુનરાગમન વ્યૂહરચના પર કામ કર્યું હતું.

2024માં અત્યાર સુધીમાં અદાણીની નેટવર્થ 26.8 બિલિયન ડૉલર વધી છે જ્યારે અંબાણીની સંપત્તિમાં $12.7 બિલિયનનો વધારો થયો છે. 61 વર્ષીય અબજોપતિએ પોતાની કારકિર્દીની શરૂઆત હીરા ઉદ્યોગમાં કરી હતી. તેમણે 1988માં પોતાની કંપનીની રચના કરી, જે કોમોડિટી સેક્ટરમાં આયાત-નિકાસ કામગીરી તરીકે શરૂ થઈ અને ધીમે ધીમે અન્ય પહેલો સુધી વિસ્તરી. છેલ્લા દાયકામાં તેમની સંપત્તિમાં ભારે વૃદ્ધિ થઇ હતી અને 2022ના અંતે 121 બિલિયન ડૉલર સુધી પહોંચી ગઇ હતી. સપ્ટેમ્બર 2022માં તેઓ ટૂંક સમય માટે વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા.

ગયા અઠવાડિયે, અદાણીએ ગ્રૂપ કંપનીઓના વાર્ષિક અહેવાલોમાં ગ્રૂપના ભાવિ વિશે આશાવાદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, ”કંપનીના સારા દિવસો તો હજી આવવાના છે. કંપની સામે અસાધારણ શક્યતાઓ છે અને અદાણી જૂથ આજે ક્યારેય ન હતું તેના કરતા વધુ મજબૂત છે.”

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button