નેશનલ

Arunachal પ્રદેશમાં વિધાનસભા મતગણતરી પૂર્વે 10 બેઠકો ભાજપને મળી, સીએમથી લઇને પૂર્વ સીએમના પત્ની બિનહરીફ વિજેતા

નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણીની સાથે ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં 60 સભ્યોની અરુણાચલ(Arunachal) પ્રદેશ વિધાનસભા માટે 19 એપ્રિલે મતદાન થયું હતું. વિધાનસભા ચૂંટણીના પરિણામો(Election Result) આવવા લાગ્યા છે. જો કે મતગણતરી પૂર્વે જ 10 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ બિનહરીફ ચૂંટાયેલાઓમાં સામેલ છે.ચાલો જાણીએ કઈ બેઠકો પર બિનહરીફ થઈ જયા ચૂંટણી લડ્યા વગર જીતેલા ઉમેદવારો કોણ છે?

પેમા ખાંડુ (અરુણાચલ પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી )

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ મુક્તો વિધાનસભા બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા છે. ધારાસભ્ય તરીકે ખાંડુની આ ચોથી ટર્મ હશે. જેમાં તેઓ ત્રણ વખત બિનહરીફ જીત્યા હતા. તેઓ તવાંગ જિલ્લાના મુક્તો મતવિસ્તારથી ચૂંટણી લડી રહ્યા છે. પેમા ખાંડુ જુલાઈ 2016 થી અત્યાર સુધી અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે. તેમના પિતા સ્વર્ગસ્થ દોરજી ખાંડુ પણ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. પેમા ખાંડુ 2011માં જાર્બોમ ગેમલિન સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા હતા. બાદમાં 2014માં તેમને નબામ તુકી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા હતા.

ચૌના મેં (અરુણાચલ પ્રદેશના વર્તમાન નાયબ મુખ્યમંત્રી )

અરુણાચલ પ્રદેશ સરકારમાં ચૌના મેં નાયબ મુખ્યમંત્રી તેમજ નાણામંત્રીની જવાબદારી નિભાવી રહી છે. તેઓ ચૌખામ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી બિનહરીફ જીત્યા છે. કોંગ્રેસના એકમાત્ર વિપક્ષી ઉમેદવાર બ્યામસો ક્રીએ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખે પોતાનું ઉમેદવારી પરત લીધી હતી. ચૌના મે ગત વખતે પણ આ જ બેઠક પરથી ચૂંટાયા હતા.

ડોંગરુ સિઓંગજુ

બોમડિલા-નફરા વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર ડોંગરુ સિઓંગજુએ કોઈપણ હરીફાઈ વિના વિધાનસભા ચૂંટણી જીતી લીધી છે. તેમના એકમાત્ર હરીફ નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના પૂર્વ મંત્રી જપુ ડેરુએ ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા દિવસે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું હતું. જેના કારણે ડોંગરુને આ જીત મળી છે.

દસાંગાલુ પુલ ( પૂર્વ મુખ્યમંત્રી કલિખો પુલના પત્ની)

પૂર્વ મુખ્યમંત્રી કલિખો પુલના પત્ની દાસંગાલુ પુલ હ્યુલિયાંગ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે બિનહરીફ ચૂંટાઈ આવી છે. તેમના એકમાત્ર હરીફ કોંગ્રેસના બાફૂત્સો ક્રોંગે પોતાની ઉમેદવારી પરત લીધા બાદ દસંગલુની ચૂંટણી બિનહરીફ થઈ. લોકો તેમને અંજાવ જિલ્લાની ‘આયર્ન લેડી’ તરીકે ઓળખે છે. દસાંગલુ તેમના પતિ કલિખોના અકાળ અવસાન બાદથી હાયુલિયાંગના ધારાસભ્ય છે. તે 2016માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા.

ટેચી કાસો

ઇટાનગર બેઠક પરથી ચૂંટણી લડનાર ભાજપના ઉમેદવાર ટેચી કાસો બિનહરીફ ચૂંટાયા હતા. મુખ્ય ચૂંટણી અધિકારીએ NPP ઉમેદવાર તાઈ તડપની ઉમેદવારી ફગાવી દીધી હતી ગત વખતે તેઓ જેડીયુની ટિકિટ પર ઇટાનગરથી ચૂંટણી જીત્યા હતા. ભાજપમાં જોડાતા પૂર્વે ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા કાસોએ એનસીપી, કોંગ્રેસ અને જેડીયુમાં પણ કામ કર્યું હતું. ઓગસ્ટ 2022 માં, JDU ધારાસભ્ય નવી દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા.

મુછુ મીઠી

લોઅર દિબાંગ ખીણ જિલ્લાની રોઈંગ સીટ પરથી ધારાસભ્ય મુછુ મીઠી બિનહરીફ ચૂંટાયા છે. નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ મીઠી ફેબ્રુઆરી 2024માં ભાજપમાં જોડાયા હતા. મુછુ મીઠી 2019માં NPEP ટિકિટ પર જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા.

રાતુ તેચી

રાતુ તેચી પાપુમ પારે જિલ્લાના સાગલી વિધાનસભાથી ધારાસભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા છે. નિવૃત્ત એન્જિનિયર ટેચી સામે કોઈપણ ઉમેદવાર દ્વારા નોમિનેશન દાખલ કરવામાં આવ્યું ન હતું. સાગલી લાંબા સમયથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી નબામ તુકી ઘણા વર્ષોથી તેનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તુકી આ વખતે લોકસભા ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ભાજપના તેચીને કોંગ્રેસનો ગઢ તોડવામાં સફળતા મળી છે.

જીક્કે તાકો

ભાજપના ઉમેદવાર જીકે તાકો તાલી બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા છે. ડિસેમ્બર 2020માં, JDUના છ ધારાસભ્યો અને પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ (PPA)ના એક ધારાસભ્ય અરુણાચલ પ્રદેશમાં સત્તારૂઢ ભાજપમાં જોડાયા હતા. આ ધારાસભ્યોમાં જીક્કે તાકો પણ સામેલ છે જે 2019માં જેડીયુની ટિકિટ પર ચૂંટાયા હતા.

ન્યાતો દુકમ

કોઈ વિપક્ષી ઉમેદવારની ગેરહાજરીને કારણે ભાજપના ન્યાતો દુકમે તલિહા બેઠક પરથી ચૂંટણી જીતી છે. 2019માં પણ તેઓ ભાજપની ટિકિટ પર જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. કોંગ્રેસે આ બેઠક પર કોઈ ઉમેદવાર ઉભા નથી રાખ્યા .

તાપી માલી

ભાજપના ઉમેદવાર તાપી માલીએ લોઅર સુબાનસિરી જિલ્લાની ઝીરો-હાપોલી બેઠક પરથી વિધાનસભા ચૂંટણી બિનહરીફ જીતી લીધી છે. પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ (PPA)ની ટિકિટ પરથી ભાજપના ઉમેદવાર સામે અપાતાની યુવા સંગઠનના પ્રમુખ તાપી માલીએ ઉમેદવારી નોંધાવી હતી. સ્થાનિક અહેવાલોએ દાવો કર્યો હતો કે PPAએ તાપી માલીની ટિકિટ પાછી ખેંચી લીધી છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button