ચોરી ચોરી ચોપડી ચૂરાઈ હૈ…
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
આમ તો વાત થોડાં વરસો પહેલાની છે પણ જ્યારે એ સમાચાર મેં વાંચેલા ત્યારે એ જાણીને એકલા એકલા ખૂબ હસવું આવ્યું ને પછીથી તો એકજાતનો ગર્વ પણ થયો કે- ‘ભારતમાં લખાયેલા અને છપાયેલા અભ્યાસક્રમના પુસ્તકો, પડોસી દેશ પાકિસ્તાનમાં ચોરીછૂપીથી મેળવીને વાંચવામાં આવે છે.’
જો કે આ સિલસિલો વરસોથી જોરમાં ચાલુ છે ને એને રોકવાનું કામ ભારત-પાક બેઉ સરકારો માટે મુશ્કેલ અને અસંભવ છે. દાણચોરીમાં યે આવું જ થાય છે. જે થઈ રહ્યું છે એને થતું અટકાવવું એ એઉ માટે મુશ્કેલ બની જાય છે. જાણે દાણચોરી નહીં પણ ચોરી ચોરી, ચૂપો પ્રેમ કરવા જેવી વાત થઈ! જેને પ્રેમી-પંખીડાનાં મા-બાપ કે ગામનાં લોકો લાખ ઈચ્છે તો યે રોકી શકતા નથી.
મને ભારતના એવા લેખકો માટે જરા યે દુ:ખ નથી થતું જેમને પાકિસ્તાનમાં વેચાયેલા કે પ્રકાશિત થયેલા પુસ્તકોની રોયલ્ટી નથી મળતી…કારણ કે ભારતમાં પણ એમને રોયલ્ટી ક્યાં પૂરેપૂરી મળે છે ? તો પછી પાકિસ્તાન પાસેથી શું આશા રાખવાની? મને તો પાકિસ્તાનની, પોતાના દેશ માટેનાં ભવિષ્યની આવી ભવ્ય તૈયારીઓથી નવાઈ લાગે છે. અમેરિકા પાસેથી આધુનિક શસ્ત્રો, વિમાનો અને અન્ય ટેકનિકલ સામગ્રી મેળવ્યા પછી જ્યારે એ બધાંને સમજવા કે ચલાવવા માટે ભારતીય પુસ્તકોમાંથી ટેક્નિકલ જ્ઞાન મેળવશે ત્યારે એ લોકોનું શું થશે?
આપણે પણ આપણાં પાઠ્યપુસ્તકોમાં કેટલાક એવા પ્રશ્ર્નો કે સવલતો મૂકી દઈએ જેનાથી પાકિસ્તાનના લોકોને એમની પોતાની ઓકાત કે હકીકત સમજાય. જેમ કે- જ્યારે જ્યારે પાકિસ્તાનીઓ, ૧૨ અમેરિકન ફાઇટર વિમાનોની એક ટુકડી વડે ભારતીય સરહદ પર હુમલો કરે છે, ત્યારે પોતાનાં ત્રણ વિમાનો ગુમાવીને પાછા ફરે છે. આવી રીતે પાકિસ્તાની ફોજ, દરરોજ આવા બે હુમલાઓ કરે છે, તો હિસાબ લગાડો કે- ‘પાકિસ્તાનના પ્રેસિડંટ, ભારત સાથે કેટલા દિવસો સુધી યુદ્ધ કરી શકે કે જેથી અમેરિકા તરફથી મળતી ૫ ફાઇટર ટુકડીના ૬૦ વિમાનો ખતમ થઈ જાય? જ્યારે કે એ ફાઇટર વિમાન ટુકડીમાં દર બે વિમાન તો ઉડવા માટે સક્ષમ જ નથી?’
અથવા તો –
‘જો અમેરિકનો, દર વરસે ૧૦૦ કરોડ ડોલરનું અનાજ મોકલે છે તો કેટલાં દિવસ પાકિસ્તાનીઓ મફતનું અમેરિકી અનાજ ખાઇને જીવી શકે?’
જો પાકિસ્તાનમાં સ્મગલ કરવામાં આવતા ટેક્નિકલ પુસ્તકોમાં આપણે આવા અઘરા સવાલો મૂકીશું તો ટેક્નિકલ જ્ઞાન ઉપરાંત ત્યાંના જિજ્ઞાસુ લોકોને પોતાનાં જ દેશ પાકિસ્તાનના ભવિષ્ય વિશેનાં જ્ઞાનમાં પણ વધારો થશે. (મૂળ લેખ : ૧૯૮૭)