વાંક વિના ‘વડીલોના વાંકે’ ગુમાવ્યું
મહેશ્ર્વરી
શ્રી દેશી નાટક સમાજ દ્વારા વિવિધ વિષયનાં અનેક નાટકોની સફળતાપૂર્વક ભજવણી થઈ છે. અનેક નાટકોને નાટ્ય પ્રેમી દર્શકોએ ગળે વળગાડ્યાં છે. જુદાં જુદાં પાત્રોએ એને ભજવતા કલાકારોને નામના અપાવી છે. આ બધામાં ‘વડીલોના વાંકે’ નાટકની વાત જ ન્યારી છે. ૧૯૩૮માં પ્રથમ વાર ભજવાયેલું આ નાટક દેશી નાટક સમાજનું શુકનવંતું નાટક હતું. બેસતા વર્ષના દિવસે એ નાટકનો શો બપોરે અચૂક હોય. વર્ષ ૧૯૩૮ હોય કે ૪૮ – ૫૮ કે ૬૮ હોય, નવા વર્ષના સપરમા દિવસે આ નાટકનો શો હાઉસફુલ જ હોય. આ નાટક પહેલી વાર ભજવાયું ત્યારે કેન્દ્રવર્તી પાત્ર સમતાનો રોલ મોતીબાઈએ કર્યો હતો એટલી ખબર હતી. ત્યારબાદ અન્ય કોઈ કલાકારે સુધ્ધાં કર્યો હશે, પણ હું કંપનીમાં જોડાઈ ત્યારે સમતાનો રોલ મનોરમાબહેન નામનાં કુશળ અભિનેત્રી કરી રહ્યાં હતાં. કંપનીએ અચાનક નિર્ણય લીધો કે હવેથી સમતાનો રોલ રૂપકમલબહેન નામનાં અભિનેત્રી કરશે. ઘણા લોકોને જાણીને આશ્ર્ચર્ય એટલા માટે થયું કે નાટકમાં રૂપકમલબહેનનો કોઈ કરતા કોઈ રોલ નહોતો. એમાં કોમિક કર્ટનમાં જમના ઝાપટેની ભૂમિકા હું કરતી હતી. સુશીલા નીકળી ગયા પછી એના બધા હાસ્યરસના રોલ મને જ આપવામાં આવતા હતા. મને ક્યાં ખબર હતી કે જે નાટકમાં હું કોમેડી કરી રહી હતી એમાં જ મારી સાથે ટ્રેજેડી થવાની છે. સમતાના રોલમાં નવી અભિનેત્રી સાથે પહેલો શો હતો એ દિવસે મેં થિયેટરમાં એન્ટ્રી મારી અને શો શરૂ થતા પહેલા જ મારી એક્ઝિટનો સીન અણધાર્યો ભજવાઈ ગયો. હું પહોંચી ત્યારે ‘આજે તારો કોઈ રોલ નથી’ મને કહેવામાં આવ્યું. મારા માથે વીજળી ત્રાટકી. હું રીતસરની ચોંકી ગઈ અને ‘રોલ નથી એટલે?’ એમ ઊંચા અવાજે મારાથી બોલી જવાયું. મને કહી દેવામાં આવ્યું કે ‘મનોરમા બહેન જમનાનો રોલ કરશે અને રૂપકમલ બહેન સમતાનો રોલ કરશે’. ક્ષણવાર માટે તો હું ધ્રુજી ગઈ, પણ પછી દુર્વાસા ઋષિ મારામાં પ્રવેશ્યા અને મારો પારો સાતમા આસમાને પહોંચી ગયો. નિયમિતપણે કરતી હતી એ નાટકના રોલમાંથી મને કાઢવામાં આવી એનો મને રંજ નહોતો. નાટકની દુનિયામાં કલાકાર બદલાય એ સહજ બાબત ગણાય છે. મને ગુસ્સો એ વાતનો આવ્યો કે છેક શોના દિવસ સુધી મને જાણ ન કરવામાં આવી કે હું નાટકમાં નથી. મને પાછળથી ખબર પડી કે મનોરમા બહેન રમત રમી ગયાં. તેમણે એવી શરત મૂકી હતી કે ઝાપટેનો રોલ આપવામાં આવશે તો જ તેઓ સમતાનો રોલ છોડશે. મારી સાથે છળકપટ થયું હતું અને એ હું સહન ન કરી શકી. મારે કામ કરવું હતું, પણ સ્વમાનના ભોગે નહીં. અહીં મારા સ્વમાનને ઠેસ પહોંચી હતી. પ્રત્યેક દિવસની શરૂઆત એક અપેક્ષા સાથે થાય છે અને એક અનુભવ સાથે પૂર્ણ થાય છે. જોકે, આ અનુભવ ભવ ફેરવી નાખે એવો હતો. મનોરમાબહેનના વાંકે મારી ‘વડીલોના વાંકે’માંથી હકાલપટ્ટી થઈ અને મેં દેશી નાટક સમાજ છોડવાનો નિર્ણય જણાવી દીધો. કાયદા મુજબ નોટિસનો એક મહિનો કામ કરવાનું હતું. એ દરમિયાન નાટકમાં કામ કરી રહી હતી પણ એક મહિના પછી શું કરીશ એ વિચારોએ મારા મનનો કબજો લીધો હતો. એ કપરા સમયમાં મારા જ એક નાટકના ડાયલોગ ‘એક દરવાજો બંધ થાય છે ત્યારે ઇશ્ર્વર બીજો દરવાજો ખોલી આપતો હોય છે’ યાદ આવ્યો અને મન શાંત થઈ ગયું. ઘણીવાર તો દરવાજો આપણી સામે જ હોય છે, આપણે બસ આગળ વધી એને ઉઘાડવાનો જ હોય છે. અલબત્ત એ દરવાજો ઉઘડ્યા પછી સામે શું નજરે પડશે એનો તાગ નથી મેળવી શકાતો. જોકે, નોટિસનો એક મહિનો પૂરો થવા પહેલા જ દરવાજો ઉઘડી જશે અને નવા રસ્તે ચાલવાનું શરૂ થઈ જશે એની તો કલ્પના પણ નહોતી. નામવંત લેખક અને અભિનય સુધ્ધાં કરનારા શ્રી તેરસિંહ ઉદેશીને કાને વાત પહોંચી ગઈ કે મહેેશ્ર્વરી ‘શ્રી દેશી નાટક સમાજ’ માંથી નીકળી ગઈ છે. એટલે તેમના પ્રખ્યાત નાટક ‘સો ટચનું સોનું’ માટે મને કહેણ મોકલ્યું. મારે એક મહિનો નોટિસ પિરિયડ દરમિયાન કંપનીના નાટકોમાં કામ કરવાનું હતું અને સાથે સાથે ‘સો ટચનું સોનું’ માટે તૈયારી પણ કરવાની હતી. મજા એ વાતની હતી કે નાટકનો શો હતો ભાવનગરમાં. એટલે નાટકમાં બિંદુનું પાત્ર રાધિકા રાણી નામના અભિનેત્રી કરી રહ્યાં હતાં એ ભૂમિકા વિશે થોડું ઘણું સમજાવી તેરસિંહ ભાઈ તો મને સ્ક્રિપ્ટ પકડાવી ચાલ્યા ગયા ભાવનગર. ત્યાં તેમણે અન્ય કલાકારોને તૈયાર કરવાના અને બીજી બધી ગોઠવણ કરવાની હતી. અહીં મુંબઈમાં હું કંપનીનાં નાટકો કરતી હતી અને સાથે સાથે ‘સો ટચનું સોનું’ નાટકના રોલ માટે તૈયારી પણ કરતી હતી. બધા સંવાદો યાદ રાખી એક પણ આર્ટિસ્ટ વિના રિહર્સલ કરી નાટકનો શો હતો એ દિવસે હું પહોંચી જાઉં એવી ગોઠવણ અનુસાર વિમાનમાં ભાવનગર પહોંચી. એરપોર્ટ પરથી પહોંચી સીધી થિયેટર પર. નાટકની દુનિયામાં એવા અનેક કલાકારો છે જેમણે ’શો મસ્ટ ગો ઓન’ ભાવનાને પ્રાધાન્ય આપી પ્રતિકૂળ સંજોગોમાં શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે અને આપતા રહેશે. પરફોર્મન્સ રંગભૂમિનો આત્મા છે અને દરેક કલાકાર એ વાત જાણતો હોય છે. આ નાટક જોવા વિવિધ ક્ષેત્રની નામાંકિત વ્યક્તિ આવવાની છે અને શો હાઉસફુલ છે એની જાણ મને તેરસીંહભાઈએ કરી દીધી. થિયેટર પર પહોંચી થોડું રિહર્સલ કર્યું અને શો શરૂ થયો. બધાની મહેનત અને રંગદેવતાના આશીર્વાદના પ્રતાપે નાટકને જનતાએ વધાવી લીધું. મારી નાટ્ય સફરમાં વધુ એક વળાંક આવ્યો. મુંબઈની નાટક કંપની સાથે છેડો ફાડી હું તુલસીદાસ પારેખ – ઉષાબહેન પારેખની કંપનીમાં જોડાઈ ગઈ. ગુજરાતમાં અનેક વર્ષ નાટકો કરી મહારાષ્ટ્રના મુંબઇ શહેરમાં પહોંચી ફરી પાછી ગુજરાત આવી ગઈ. ‘સાધુ તો ચલતા ભલા’ એમ કહેવાય છે અને અહીં તો કલાકાર તો ચલતા ભલા જેવો ઘાટ હતો. સ્વમાન જાળવવા મેં મુંબઈની કંપની છોડી હતી અને ગુજરાન ચલાવવા નવી કંપનીમાં જોડાઈ હતી. ભાવનગર પછી અમરેલી અને ત્યારબાદ મહુવામાં નાટકો કર્યા. ત્રણેક મહિના થયા હશે ત્યાં એક કાગળ આવ્યો…
‘સો ટચનું સોનું’ ઉર્દૂમાં અને ડબલ રોલ
૧૯૬૦ – ૭૦ દરમિયાન મુંબઈમાં બસો – અઢીસો નવા નાટકો ભજવાયાં હોવાનું કહેવાય છે. આ નોંધપાત્ર નાટકોની યાદીમાં એક નામ હતું તેરસિંહ ઉદેશીના ‘સો ટચનું સોનું’. તેરસિંહભાઈ કચ્છના વતની હતા અને નાનપણથી જ લેખન તેમજ અભિનયનો શોખ તેમનામાં વિકસ્યો હતો. પ્રારંભમાં તેમણે ઓલ ઈન્ડિયા રેડિયો માટે કામ કર્યું હતું, પણ પછી રંગભૂમિ તરફ વળી ગયા હતા. તેરસિંહભાઈએ ‘નવયુગ નાટક સમાજ’ કંપની માટે ભજવેલા ‘મૃગજળ’ નાટકમાં મુખ્ય ભૂમિકા કરી જેમાં અશરફ ખાન, વી. શાંતારામની ફિલ્મોની અભિનેત્રી સંધ્યા અને પ્રાણસુખ ‘એડિપોલો’ જેવા માતબર સાથી કલાકારો હતા. ૧૯૬૩માં ‘સો ટચ નું સોનુ’ માટે મુખ્ય અભિનેત્રી ‘બિંદુ’ના પાત્ર માટે રાધિકા રાણી નામનાં અભિનેત્રીને લીધાં હતાં. આ નાટકમાં તેરસિંહ ઉદેશીએ ડબલ રોલ પણ કર્યા હતા. આ નાટકની લોકપ્રિયતાનો વિસ્તાર જોયા પછી ૧૯૬૭માં એ ઉર્દૂમાં ભજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉર્દૂ રૂપાંતરનું નામ હતું ‘શરીક – એ – હયાત’ અને આ ઉર્દૂ નાટકમાં શ્રી તેરસિંહભાઈએ સલીમ અને બુલબુલના એમ ડબલ રોલ કર્યા હતા.
(સંકલિત)