ઉત્સવ

‘ભારતીય ન્યાયસંહિતા’: કાયદાપોથી બદલાશે, પણ ખરેખર પરિવર્તન આવશે?

વિશેષ -રાજેશ યાજ્ઞિક

ચૂંટણીના પડઘમ તો શાંત થઇ ગયા, પણ તેમાં એક વાત વિરોધપક્ષોએ ગાઈ વગાડીને કહ્યે રાખી, તે એટલે કે સત્તાધારી પક્ષ ભારતીય બંધારણને બદલાવી નાખશે. ભારતીય બંધારણમાં પરિવર્તનની જરૂર છે કે નહીં, તેની એક અલગ અને વિશદ ચર્ચા વર્ષોથી આપણા દેશમાં ચાલી રહી છે. પણ તેની પહેલા ભારતના ન્યાયિક માળખામાં ફેરફારની જરૂર છે તેવું અનેક ન્યાયાધીશો પણ ઘણીવાર કહી ચુક્યા છે. ભારત સરકારે હવે ન્યાય પ્રણાલીમાં પરિવર્તન માટે સત્તાવાર પ્રક્રિયા આરંભી છે.

અત્યારે આપણી અદાલતોમાં જેને આધારે ખટલાઓ લડાય છે એ ‘ભારતીય દંડસંહિતા’ ૧૮૬૦માં બ્રિટિશરોની દેન છે. એ વાત કહેવાની જરૂર ખરી કે આ ન્યાય પ્રણાલી બ્રિટિશરોએ ભારત વિશેની તેમની એકતરફી, પૂર્વગ્રહયુક્ત સમજ અને પોતાની શાસન કરવાની અનુકૂળતાને આધારે બનાવી હતી? ભારતીય ન્યાય પ્રણાલીને ભારત સુસંગત બનાવવા માટે ક્યારેય પ્રયત્ન થયો જ નથી.

ભારતમાં સ્વતંત્રતા પછી, આ ન્યાય પ્રણાલીમાં છૂટાછવાયા ફેરફારો ચોક્કસ થયા પણ તેમ છતાં, લગભગ ૧૫૦ કરતાંય વધારે પુરાણી આ વ્યવસ્થાને સમયોચિત બનાવવાની આવશ્યકતા છે. એ સમયે જેમનું અસ્તિત્વ નહોતું તેવી અનેક સમસ્યાઓ અને પરિસ્થિતિઓ આજે ન્યાયાધીશો સામે આવે છે, ત્યારે તેઓ લાચાર બની જાય છે. પુરૂષ અને સ્ત્રીની લગ્નની લઘુતમ વય હોય, વારસાના કાયદાઓમાં સ્ત્રીઓના અધિકારો, બળાત્કારના કિસ્સામાં સ્ત્રીઓ માટેના અને પુરૂષો માટેના કાયદાઓ, છેલ્લાં દોઢસો વર્ષોમાં સામાજિક-આર્થિક અપરાધોમાં આવેલા નવા આયામો વગેરે માટે ક્યારેક કાયદાનો પનો ટૂંકો પડતો જણાય છે. ઉદાહરણ તરીકે હમણાં જ અદાલતમાં એક કિસ્સો આવ્યો જેમાં એક વિધવા સ્ત્રીએ પોતાની સદગત સાસુના વારસાના અધિકાર માટે કેસ કરવો પડ્યો. માતાનું મૃત્યુ થાય અને પિતા હયાત ન હોય, તો તેનો પુત્ર કે પુત્રી તેના વારસદાર બને છે. પરંતુ પુત્રનું પહેલા જ મૃત્યુ થઇ ગયું હોય ત્યારે વિધવા પુત્રવધૂ વારસદાર ગણાય કે નહીં? કમનસીબે અદાલતે નોંધવું પડ્યું કે કાયદો એ બાબતે મૌન છે, તેથી પુત્રવધૂને અધિકાર પ્રાપ્ત થઇ શકે નહીં. વડા પ્રધાને પણ એક કરતા વધુ વાર જાહેરમાં કહ્યું છે કે, જૂના, નક્કામાં, ઘસાઈ ગયેલા કાયદાઓને કાયદાપોથીમાંથી દૂર કરવાની જરૂર છે. નરેન્દ્ર મોદી સરકાર પહેલી વાર સત્તામાં આવી ત્યારથી જ તેમણે આ દિશામાં પગલાં લેવાનું શરૂ કર્યું હતું. છેલ્લાં નવ વર્ષમાં લગભગ ૨૦૦૦ જેટલા જરીપુરાણા કાયદાઓ કાઢી નાખવામાં આવ્યા છે. હવે સદી પુરાણી દંડસંહિતાનું ભારતીયકરણ કરવાની દિશામાં મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. “ભારતીય ન્યાયસહિંતા’ના નામે નવી ન્યાય પ્રણાલીને અમલમાં લાવવામાં આવશે. જે રીતે જૂની અને નવી પ્રણાલીના નામ ઈંગિત કરે છે, તેમ નવી સંહિતા ‘ન્યાય’ આપવા પર ભાર મૂકશે, જયારે જૂની પ્રણાલી ’દંડ’ આપવા પર ભાર આપતી હતી. ઇન્ડિયન પીનલ કોડ ઉપરાંત આપણા દેશમાં કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર, ૧૯૭૩ અને કોઈપણ ઘટનામાં ન્યાય મેળવવા સૌથી વધુ જરૂરી એવા પુરાવાને લગતો એવિડન્સ એક્ટ પણ ઠેઠ ૧૮૭૨માં ઘડાયેલો હતો. આ કાયદાઓમાં આજના પરિપ્રેક્ષ્યમાં રહેલા છીંડાઓનો ઉપયોગ કરીને અનેક અપરાધીઓ છટકી જતા હતા, અને ‘ન્યાય’નો મૂળભૂળ સિદ્ધાંત ઘોળીને પીવાઈ જતો હતો. હવે આ ત્રણેય કાયદાઓની જગ્યાએ ‘ભારતીય ન્યાયસંહિતા’, ‘ભારતીય નાગરિક સુરક્ષાસંહિતા’ અને ‘ભારતીય સાક્ષ્ય અધિનિયમ’ના નામે નવા કાયદાઓ રજુ કરાયા છે. ૧૧ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ, ગૃહપ્રધાન અમિત શાહે લોકસભામાં ‘ભારતીય ન્યાયસંહિતા’ ખરડો રજૂ કર્યો હતો. હવે ૧ જુલાઈ ૨૦૨૪થી નવા કાયદાઓ અમલમાં આવી
રહ્યા છે. દેશ માટે અને દેશના નાગરિકો માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે.

અલબત્ત જૂના કાયદામાંથી પણ ઘણા કાયદાઓ નવા કલમ ક્રમાંક સાથે નવી કાયદાપોથીમાં મોજૂદ હશે જ. જોવાનું એ રહેશે કે તેમાં અત્યાર સુધીના વર્ષોમાં અદાલતો સામે આવેલ વ્યવહારૂ પ્રશ્ર્નોના ઉકેલ મળશે કે નહીં? તેમ છતાં, તેમાં કેટલાક મહત્ત્વના પરિવર્તનો થઇ રહ્યા છે જે લોકોને ન્યાય અપાવવા માટે ઉપયોગી થાય તેવી અપેક્ષા રાખી શકાય. બીએનએસમાં, ૨૦ નવા અપરાધો ઉમેરવામાં આવ્યા છે અને પુરાણા કાયદાની ૧૯ જોગવાઈઓ રદ કરવામાં આવી છે. ૩૩ ગુના માટે કેદની સજામાં વધારો કરવામાં આવ્યો છે અને ૮૩ ગુના માટે દંડમાં વધારો કરવામાં આવ્યો છે. ૨૩ ગુનાઓ માટે ફરજિયાત લઘુતમ સજા રજૂ કરવામાં આવી છે. છ ગુના માટે સામુદાયિક સેવાની સજા દાખલ કરવામાં આવી છે. પશ્ર્ચિમના દેશોમાં કેટલાક અપરાધો માટે જેલની સજાને બદલે સમાજ સેવા કરાવવાની જોગવાઈ છે તે આપણે ત્યાં નહોતી,

જેનો ઉમેરો આવકારદાયક ગણાય.

શારીરિક ગુનાઓ:
બીએનએસ હત્યા, આત્મહત્યા માટે ઉશ્કેરવા, હુમલો કરવા અને ગંભીર ઈજા પહોંચાડવા પર આઇપીસીની જોગવાઈઓ જાળવી રાખે છે. તે સંગઠિત અપરાધ, આતંકવાદ અને હત્યા અથવા ચોક્કસ આધારો પર જૂથ દ્વારા ગંભીર ઇજા જેવા નવા ગુના ઉમેરે છે.

સ્ત્રીઓ સામે જાતીય ગુનાઓ:
બીએનએસએ બળાત્કાર, જૂઠવાદ, પીછો કરવો અને સ્ત્રીની નમ્રતાનું અપમાન કરવા પર આઇપીસીની જોગવાઈઓ જાળવી રાખી છે. ઉપરાંત સામૂહિક બળાત્કારના કિસ્સામાં, પીડિતની વય ૧૬ થી ૧૮ વર્ષની વય કરવામાં આવી છે, જેથી ૧૮ વર્ષથી નીચેની વયના પીડિત સામે અપરાધ કરનારને બાળ અપરાધના કાયદા હેઠળ કઠોર દંડ આપી શકાય.

મિલકતને લગતા ગુનાઓ:
બીએનએસ ચોરી, લૂંટ, ઘરફોડ ચોરી અને છેતરપિંડી પર આઇપીસીની જોગવાઈઓ જાળવી રાખે છે. તે સાયબર ક્રાઈમ અને નાણાકીય છેતરપિંડી જેવા નવા ગુના ઉમેરે છે.

રાજ્ય સામેના ગુનાઓ:
બીએનએસમાં એક મહત્ત્વનો ફેરફાર છે રાજદ્રોહને ગુના તરીકે દૂર કરવાનો. તેના બદલે, ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતા કૃત્યો માટે નવો ગુનો ઉમેરવામાં આવ્યો છે.
લોકો સામેના ગુનાઓ:
બીએનએસ પર્યાવરણીય પ્રદૂષણ અને માનવ તસ્કરી જેવા નવા ગુના ઉમેરે છે.

આ પરિવર્તનો દ્વારા જે મુખ્ય ફેરફારો આવશે તેને સંક્ષિપ્તમાં સમજવા હોય તો, નીચેના મુદ્દાઓને ગણી શકાય.

આના દ્વારા દેશદ્રોહ કાયદો રદ કરવામાં આવશે.

મહિલાઓ અને બાળકોને હિંસાથી બચાવવા માટે આમાં નવી જોગવાઈઓ છે.

તેનાથી ગુનાનો ભોગ બનેલાઓને ન્યાય મેળવવામાં સરળતા રહેશે.

આનાથી ન્યાયતંત્રની સ્વતંત્રતા મજબૂત થશે.

આમ અસહમતિ વ્યક્ત કરાઈ હોય તેવા કિસ્સામાં રક્ષણનો અભાવ જોવા મળતો હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. લગ્નજીવનમાં પણ અસહમતિથી પરાણે થતા સંબંધોને બળાત્કાર ગણવા વિશે ઘણા સમયથી થઇ રહેલી માંગનો પડઘો પડતો દેખાતો નથી. કદાચ, સામાજિક કારણોસર તેના પ્રત્યાઘાત પડશે તેવી આશંકાને કારણે આ વિષયને સ્પર્શવા ન માંગતી હોય તેવું પણ શક્ય છે. સરકાર વિરોધી વલણ અખત્યાર કરનાર વ્યક્તિને રાજદ્રોહના ગુના હેઠળ પરેશાન કરવાનો આક્ષેપ આ પહેલા ઘણી વખત થઇ ચુક્યો છે. આ કાયદામાં કરેલ ફેરફાર યોગ્ય દિશાનો ગણી શકાય.
કાયદાઓમાં રહેલી છટકબારીઓને આ નવી આવૃત્તિમાં આગળિયા લાગ્યા છે કે નહીં, કાયદામાં આવેલા પરિવર્તન સાથે લોકોને મળતા ન્યાયની વ્યવસ્થામાં પણ જરૂરી પરિવર્તન આવે તો જ ન્યાયની વ્યાખ્યા સફળ થશે. નહીં તો હંમેશની જેમ ન્યાય માંગવો એ જ જાણે ગુન્હો હોય, તે અનુભવમાંથી જનતા ક્યારેય બહાર નહીં આવી શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button