ઉત્સવ

ખાખી મની-૩૧

‘સત્યને ત્રાજવે તોળવું પડતું નથી, પણ જુઠ્ઠાણાને વારેવારે ઝોખવું પડે છે’

અનિલ રાવલ

લીચી ઘરે પહોંચી ત્યારે મા એની રાહ જોતી વરંડામાં જ બેઠી હતી. ઇન્ટેલિજન્સ એજન્સીના બે જણ પૂછપરછ કરવા આવેલા એ વાત લીચીને જણાવવા એણે બે-ચારવાર ફોન કર્યા હતા….પણ એટલું જ બોલી શકી કે ‘બને એટલું ઘરે જલ્દી આવી જજે…ખાસ કામ છે’ લીચીએ ફોન પર કહેવાનો આગ્રહ રાખ્યો, પણ લીલીએ જણાવ્યું નહીં…માએ ક્યારેય આ રીતે એને ઘરે બોલાવી નહોતી…એ શક્ય એટલી ઝડપે ઘરે પહોંચી..એણે વરંડામાં જ પૂછવાનું શરૂ કર્યું.

‘મા, શું થયું.?’
‘અંદર આવ’ લીલીનો રોષભર્યો અવાજ નીકળ્યો.
‘તેં મારી આખી રામકહાણી સાંભળ્યા પછી તારા ખાલિસ્તાની ત્રાસવાદી બાપનો કોન્ટેક્ટ કર્યો છે.?’ લીલી સોફા પર બેસતાં કડક અવાજે બોલી.

‘મા, તને આ શું થયું છે…? મારા એ પપ્પા જેને મેં ક્યારેય જોયા નથી…જેનો પ્રેમાળ હાથ મારા માથે ક્યારેય ફર્યો નથી…..જેની હુંફ મેં ક્યારેય અનુભવી નથી…એને હું શા માટે મળું? અને મા હકીકત તો એ છે કે એ આપણાંથી એટલા દૂર નીકળી ગયા છે કે કોઇ ફિલ્મ કે નવલકથાના અંતે બને એવું મિલન પણ આપણા કિસ્સામાં બનવું મુશ્કેલ છે.’ લીચીની લાગણીભીની વાણીમાં થોડી કડવાસ પણ હતી.

‘મા, તારા દિમાગમાં આવો સવાલ આવ્યો ક્યાંથી.?’
‘ઇન્ટેલિજન્સ એજન્ટ્સ આવ્યા હતા…મારી પૂછપરછ કરીને ગયા.’

‘ઇન્ટેલિજન્સ એજન્ટ્સ….તારી પૂછપરછ કરવા? શું નામ કહ્યું એમણે.?’
‘બલદેવરાજ અને શબનમ..’ માએ કહ્યું.. લીચીએ તરત જ મોબાઇલ પર એમના નામ સર્ચ કર્યા..બલદેવરાજ ચૌધરી…રોના ચીફ વાંચીને એનો ચહેરો ફિક્કો પડી ગયો.

‘મા, શું પૂછ્યું એમણે.?’ એણે ઢીલા અવાજે પૂછ્યું.

‘મારા અને સતિન્દરના સંબંધ વિશે…અમારી પ્રેમ કહાણી વિશે…..કદાચ તેઓ મારા અને સતિન્દર વચ્ચેનું કોઇ ખાલિસ્તાની કનેક્શન શોધતા હતા…એવું મને લાગ્યું.’

‘ખાલિસ્તાની કનેક્શન..? તમારા બેઉ વચ્ચે? જેણે તારી સાથે પ્રેમનું નાટક કર્યું…લગ્નનો ઢોંગ કર્યો…કેનેડા ગયા પછી ક્યારેય બોલાવી નહીં…તારા વિશે જાણવાની દરકાર કરી નહીં….વરસો પછી તેં ટીવી પર એના દર્શન કર્યા….બસ આટલી અમથી વાતમાં રોના ઓફિસરોને ખાલિસ્તાની કનેક્શન દેખાયું?’ લીચી આવેશમાં આવીને બોલ્યે જતી હતી.

‘જતા જતા કહેતા ગયા કે તમારી ઇન્સ્પેક્ટર દીકરીએ એના ત્રાસવાદી બાપનો કોન્ટેક્ટ નથી કર્યો એવું તમે ખાતરીપૂર્વક કેમ કહી શકો, અમારી તપાસ હજી પૂરી નથી થઇ અને તમારી ઇન્સ્પેક્ટર દીકરીને આ બધી વાત કરજો..’

‘ખાલિસ્તાની બાપના નસીબ સારા છે કે હું એને મળી નથી..સામે હોત તો છએછ ગોળીઓ એના શરીરમાં ધરબી દેત’ બોલીને લીચીએ સવિર્સ રિવોલ્વર ખેંચી કાઢી…એ થોડીવાર ચૂપ બેસી રહી. ‘ઓહ…હવે મને સમજાયું…રોના ઓફિસરોએ પૂછ્યું એટલે તને મારા પર શંકા ગઇ.’

‘લીચી, મારે એ જાણવું છે કે માળિયામાં પડેલી બેગ કોની છે.?’

લીચી જવાબ શોધતી હોય એમ એની નજર આસપાસ ફરવા લાગી….એણે બારીની બહાર જોયું….અનરાધાર વરસાદ તૂટી પડે તે પહેલા ધૂળની ડમરી ઊડી….એનું મન વિચાર વંટોળમાં અટવાયું. અત્યારે મા ઇન્ટેલિજન્સ એજન્ટ્સની પૂછપરછ સાથે બેગની વાતને શા માટે જોડી રહી છે?

‘મા, એ લોકોએ તને બેગ વિશે પૂછ્યું?’

ના, પૂછ્યું નથી, પણ ઘરની જડતી લીધી હોત ને બેગ મળી આવી હોત તો.?’ લીલીના શબ્દો પૂરા થાય તે પહેલા વીજળીનો એક ઝબકારો થયો ને પ્રચંડ ગડગડાટ સાથે વરસાદ ત્રાટક્યો…..બારી વાટે તેજ હવાની સાથે ધસી આવેલી વાછંટને રોકવા લીચીએ બારી બંધ કરી, પણ મનમાં ઉઠેલી આંધીને ન અટકાવી શકી. લીલીની વાતે એને વિચારતી કરી મૂકી.

‘આ બેગ કોની છે.?’ લીલીએ માળિયું બતાવતા ફરી પૂછ્યું.

‘મા, હું છેલ્લા થોડા દિવસથી તને બેગ વિશે કહી દેવાનું વિચારતી જ હતી.’

‘જે કહે તે સાચું કહેજે..’ મેઘગર્જનામાં ડૂબી ગયેલું લીલીનું વાક્ય લીચીને બરાબર સંભળાઇ ગયું હતું. એટલે જ એ સાચું બોલવું કે જુઠ્ઠું એની અસમંજસમાં અટવાઇ હતી…કારણ કે સત્યને ત્રાજવે તોળવું પડતું નથી, પણ જુઠ્ઠાણાને વારેવારે ઝોખવું પડે છે. વરસાદી રાતે હાઇવે પરથી રમત રમતમાં હાથ લાગેલો દલ્લો શરૂઆતમાં રોમાંચ આપી ગયો…પણ પછી એ ખેલ ગળામાં અટકેલું હાડકું બની ગયો. એક તબક્કે સાથી પોલીસ ટુકડી સામે પ્રમાણિકતા બતાવીને નાણાની હેરાફેરી કરનારાઓનું કૌભાંડ બહાર પાડીને નામ કમાઇ લેવાની વાત મૂકી હતી…..પણ ઉદયસિંહની દાનત ને અન્યોની અનિચ્છાને લીધે તોફાની વરસાદના નકામા પાણી સાથે એ વાત વહી ગઇ…..અને ખેલનો ઝંડો ઊંચકી લેનારી લીચી પટેલે માનું પાછલું જીવન સુખ અને એશોઆરામમાં પસાર કરાવવાના ઇરાદે જોખમ ખેડી લેવાનો વિચાર કર્યો…શું આટલું મોટું પગલું ભરવા પાછળ માત્ર આ જ કારણ હતું.? કેમકે મોટા ભાગે ઝંડો ઊંચકનાર પીછેહઠ કરી શકતો નથી…એનું અભિમાન એને આમ કરતા રોકે છે એની મજબૂરી એને ઝંડો ઊંચકી રાખવા મજબૂર કરે છે. લીચી દોરાહા પર અટકી હતી. એક રસ્તો સંપૂર્ણ સત્યનો હતો ને બીજો સંપૂર્ણ જુઠનો હતો…અને સામે સવાલ લઇને મા ઊભી હતી. લીચીના જવાબ પર એના શેષ જીવનનો આધાર હતો…..અને એના જીવનનો આધાર અન્ય કોઇ નહીં પણ મા ખુદ હતી…જેણે એને આખી જિંદગી દુ:ખ વેઠીને ઇન્સ્પેક્ટર બનાવી હતી.
‘લીલીએ લીચીનો હાથ પોતાના માથે મૂકતા કહ્યું: ‘તું ગીતાના પવિત્ર ગ્રંથ કરતા મારું માથું વધુ પવિત્ર ગણતી હો તો સાચું બોલજે.’

એ જ વખતે દરવાજે બેલ વાગી. મા-દીકરીએ અવાજની દિશામાં જોયું.

મા આજે નહીં’ ‘હું તને આવતીકાલે બધું સાચેસાચું કહી દઇશ….એક દિવસનો ટાઇમ આપ..’ બોલીને એણે દરવાજો ખોલ્યો.. સામે ઊભેલા કનુભાને જોઇને આંચકો લાગ્યો.
‘બાપુ, તમે અત્યારે.?’

માથે છત્રી રાખીને ઊભેલા કનુભાએ કહ્યું: ‘એક ખાસ વાત કરવી છે…..એકલામાં.’ લીચીએ સહેજ વળીને પાછળ જોયું…

‘મા, કનુભા છે……આવું થોડીવારમાં..’ બંને એક જ છત્રીમાં થોડે આગળ ગયાં.

‘મેડમ, બેગને લઇને જોખમ વધવા માંયડું છે……એક જ જયગાએ બેગ મૂકી રાખવાથી ઉલ્ટું તમારે માથે સંકટ વધુ ઊભું થાશે ….જોખમ લેવા આયવો છું….મારે ઘરે રાખીશ…..તમને મારા પર ભરોસો છેને?’

લીચીએ ઘર પર એક નજર નાખી. મા બારીનો પડદો સહેજ હટાવીને છૂપી રીતે જોઇ રહી હતી. થોડી વાર પહેલાં માને સાચું કહેવું કે ખોટું એની વિમાસણમાં પડેલી લીચી અત્યારે બેગ કનુભાને સોંપવી કે નહીં એની મુંઝવણમાં હતી. જો બેગ બાપુને આપે તો માની શંકા વધુ ઘેરી બને.

‘બાપુ, બેગની જવાબદારી મારી છે. ઉદયસિંહને કહેજો કે ચાર ભાગ પડશે…સરખે ભાગે. જય માતાજી’ કહીને છત્રીમાંથી નીકળી ગઇ. ઘરે પહોંચી ત્યાં સુધીમાં એ આખીય પલળી ગઇ હતી.


હિના અને મનપ્રિત એ જ કોફી શોપમાં બેઠાં હતાં. હિનાએ એક એનવલપ મનપ્રિત તરફ ખસેડ્યું. મનપ્રિત જાણતી હતી એમાં શું હતું…એણે એનવલપ પર્સમાં મૂકીને કોફીની સિપ મારી. બંને વચ્ચે આ જ જગ્યાએ થયેલી છેલ્લી વાત મુજબ મનપ્રિતે એની અને યશનૂરની ફોટા સાથેની તમામ વિગતો હિનાને મોકલી આપી હતી…..અને હિનાએ કેનેડાના પોતાના કોન્ટેક્ટ પાસે બંનેના બનાવટી પાસપોર્ટ તૈયાર કરાવી લીધા હતા. જે ઝડપથી ફેક પાસપોર્ટ બની ગયા એ જોતાં એને હિનાની કાબેલિયત પર માન ઉપજ્યું.

હિના જબરી છે…..ખાલિસ્તાની મૂવમેન્ટમાં એક્ટિવ છે…મારા જેવી અકાળે વિધવા થયેલીની મદદ કરે છે…

‘મર્ડર કબ કરના હૈ?’ મનપ્રિત પોતાની વશમાં આવી ગઇ હોવાની વાતથી હિનાની આંખમાં અનેરી ચમક ઊભરી આવી.

‘જિસ દિન તુમ્હારી ફ્લાઇટ હોગી ઉસી દિન…..કામ નિપટા કે તુમ સીધા એરપોર્ટ પહોંચોગી. મૈં યશનૂર કો લેકર એરપોર્ટ પર તુમ્હારી રાહ દેખુંગી દિલ્હી એરપોર્ટ પર એક લેડી તુમ લોગોં કો લેને આયેગી. વો તુમ્હે સેફ જગહ રખેગી…બાદ મેં તુમ તુમ્હારે પેરેન્ટ્સ કે ઘર ચલી જાના’
‘દિલ્હી જાતે હી મુજે નેશનલ સિક્યોરિટી ચીફ સે મિલના હૈ.’ મનપ્રિત બોલી ને કોફીનો મગ હિનાના મોં સુધી પહોંચતા અટકી ગયો. આ ભોળીભાળી સરદારણી મનપ્રિત દલજિતસિંઘ બબ્બર નેશનલ સિક્યોરિટીના હેડને શા માટે મળવા માગતી હશે? થોડીવાર પહેલાની એની આંખોની ચમક ઝાંખી પડી ગઇ.

‘મૈં સમજી નહીં…તું ઉસે ક્યું મિલના ચાહતી હૈ? તેરા કામ તો હો ગયાના…મૈં તુજે કેનેડા સે સેફ બહાર નીકાલ રહી હુંના?’ એણે કહ્યું.

‘મેરે પાસ કૂછ ઇન્ફર્મેશન હૈ..’ મનપ્રિત હિનાની આંખોમાં આંખ નાખીને બોલી અને હિનાના ભંવા સટ્ટાક દઇને ઊભા થઇ ગયા…

‘ક્યા મૈં જાન સકતી હું ક્યા ઇન્ફર્મેશન હૈ.?’ હિનાએ સિફતથી પૂછ્યું.

‘હિના, તુને મેરી ઇતની મદદ કી હૈ…..તુઝસે ક્યા છુપાના. બબ્બર કે લોકર મેં સે મિલા’ મનપ્રિતે પર્સમાંથી નકશો કાઢીને એની સામે ધર્યો. હિના મોબાઇલથી નકશાનો ફોટો પાડી શકે એમ નહતી. એણે ચાર આંખે ધારીધારીને નકશો જોયો…..સાથેનું થોડું લખાણ વાંચી લીધું. મોં પર આશ્ર્ચર્યની સહેજેય લકીર લાવ્યા વિના મેપ પાછો આપ્યો. મનપ્રિતે પર્સમાં મૂકતા કહ્યું: ‘બબ્બર ઇસ કામ કો અંજામ દેને વાલા થા…મૈં જા રહી હું તો ખુદ હી બતા દુંગી…..હિન્દુસ્તાન કો બચાના મેરા ફર્ઝ હૈ.’
હિના મનમાં બબડી: ‘મનપ્રિત, તને ખબર નથી કે તેં મારું કેટલું મોટું કામ કરી આપ્યું છે.’


કોફી શોપમાંથી બહાર નીકળીને હિનાએ સૌથી પહેલું કામ અભય તોમારને ફોન કરવાનું કર્યું.

સર, ખાલિસ્તાની માંગ કો લેકર…. જૂન મેં પાર્લામેન્ટ મેં ઘૂસને કા પ્લાન હૈ. કિસાન આંદોલન કી તૈયારી હૈ…લાલ કિલ્લે કે પાસ ભી બડી તાદાત મેં કિસાન જમા હોંગેં…ખાલિસ્તાની ટેરરિસ્ટ્સ ગોલ્ડન ટેમ્પલ કે સાથ ઔર કઇ ગુરુદ્વારાઓં કા યુઝ કરેંગેં…ઔર સર…લાલ કિલ્લે પર સે ખાલિસ્તાની ઝંડા લહેરાને કા પ્લાન હૈ.’

હિના નેશનલ સિક્યોરિટી ચીફને આ મહત્ત્વની બાતમી આપી રહી હતી ત્યારે બીજી બાજુ રોના ખાસ ચુનંદા એજન્ટ્સ અને કમાન્ડોઝ ભટીંડામાંથી ટોડીસિંઘ અને એના બીજા સાથીઓને ટપોટપ ઊંચકી રહ્યા હતા….સવાર સુધીમાં પાલાર્મેન્ટ, લાલ કિલ્લા, સુવર્ણ મંદિર સહિતના ગુરુદ્વારાઓની ફરતે સજ્જડ ચોકીપહેરો ગોઠવાઇ ચુક્યો હતો.


લીચી પટેલની કાર લીલાસરી પોલીસ ચોકીના પાછળના ગેટથી અંદર પ્રવેશી. કાર લોક કરવાના ચીકચીક અવાજે ચોકીમાં બેઠેલા ઉદયસિંહ, કનુભા અને પાટીલને સાબદા કરી દીધા. લીચી પટેલને રસ્તામાંથી હટાવવાનું કાવતરું અમલમાં મૂકવાનું હતું. નિત્યક્રમ મુજબ લીચી એની ખુરસી પર બેઠી. એના ચહેરા પર ખિન્નતા હતી. ખુદ રોના ચીફે માની કરેલી પૂછપરછ અને પૈસાની બેગને લઇને એ ચિંતિત હતી. ઉપરથી એણે કનુભાને બેગ સોંપવાની ના પાડી દીધી હતી…એને પાકી ખાતરી હતી કે ત્રણેય ફરી બેગની વાત ઉખેડશે…અને એવું જ બન્યું..

ઉદયસિંહેં એના રૂમમાંથી બહાર આવતા કહ્યું: ‘મેં જ કનુભાને તારે ત્યાં પૈસાની બેગ લેવા મોકલેલા…શું છે કે એક જ જગ્યાએ બેગ રહે તો નકામું જોખમ.’
‘સર, બેગ આપણામાંથી કોઇના પણ ઘરે રહે….જોખમ સરખું જ રહે છે.’ લીચીએ કહ્યું.

‘આ તો મને એમ થ્યું કે તમારે માથેથી જોખમ થોડું ઓછું થાય….બીજું તો શું.’ કનુભા બીડી પેટાવતા બોલ્યા.

‘ઠીક છે…બેગ ભલે રહી તમારા ઘરે…આપણને ક્યાં વાંધો છે…..આપણી વચ્ચે સમજૂતી છે એટલું બહુ થયું’ પાટીલે હથેળીમાં તમાકુ ઘસતા કહ્યું.

વાતોની વચ્ચે ત્રણેય જણ લીચી ક્યારે બાથરૂમ જાય એની રાહ જોતા હતા.

લીચી પોલીસ ચોકી પહોંચી તે પહેલા તેઓ લીચીના મર્ડરની ચર્ચા કરી ચુક્યા હતા.

‘સાયબ, બેગ તો લીચીએ આપી નહીં…..હવે જો મર્ડર થાય તો બેગ લીચીના ઘરમાંથી કાઢવી કઇ રીતે.?’ કનુભાએ કહ્યું હતું.

‘મર્ડર કર્યા પછી આપણાંમાંથી કોઇ બેગ લેવા જાય તો શંકા પાકી થઇ જાય કે બેગને લઇને લીચીનું મર્ડર થયું છે’ પાટીલે તર્ક રજુ કર્યો હતો.

‘લીચીનું મર્ડર તો કરવું જ છે…..પછીથી કોઇ થર્ડ પાર્ટીને તપાસ કરનારી પોલીસના સ્વાંગમાં મોકલીને બેગ મગાવી લઇશું.’ ચતુર કાગ જેવા ઉદયસિંહે તોળ કાઢ્યો હતો….ત્રણેય જણ લીચી ક્યારે બાથરૂમ જાય એની રાહ જોતા હતા.

‘આ પૈસાની બેગે ભારે કરી છે નહીં મેડમ’ કનુભા બોલ્યા ને અચાનક કેટલાક બુકાનીધારી લોકો શસ્ત્રો સાથે પોલીસ ચોકીમાં ધસી ગયા….ચારેયને મોઢે ટેપ મારી દીધી ને માથે કાળા કપડાંથી મોંઢાં ઢાંકીને બહાર ઊભેલી લાંબી કાળા કાચ ચડાવેલી કારમાં ધકેલી દીધાં.
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button