ઉત્સવ

વિશ્ર્વમાં ભારતની ભાગીદારી – સહકાર એક નવા પ્રકારનું વૈશ્ર્વિકીકરણ

*૨૧મી સદીને એશિયાની સદી કહેવામાં આવે છે, પરંતુ આજના સમયનું સત્ય એ છે કે એશિયા ખંડ એક નથી *વર્તમાન સમય ખાસ કરીને લોકશાહી દેશો અને વિજાતીય સમાજો એટલે કે વિવિધ જાતિ, સંસ્કૃતિ, લિંગ અને વય ધરાવતા સમાજો માટે ખૂબ જ પડકારજનક છે

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

વિશ્ર્વ બેંક અને ‘નેવેગેટિંગ દ સ્ટ્રોર્મ’ શોધના નિષ્કર્ષ પ્રમાણે ભારત વિશ્ર્વની સૌથી વધુ ઝડપી વધતી અર્થવ્યવસ્થાઓમાંથી એક છે. તેનું મોટું બજાર, યુવા કાર્યબળ સાથે મળી વિદેશી મૂડીરોકાણ માટેનું આકર્ષણ ઉત્પન્ન કરે છે. આ પ્રકારે ભારતની આર્થિક સફળતા વૈશ્ર્વિક વ્યાપાર અને રોકાણ માટે પ્રભાવ પાડે છે. આ કારણે હિંદ મહાસાગર અને દક્ષિણ ચીન સાગર જેવા પ્રમુખ વૈશ્ર્વિક હોટસ્પોટ સાથે નિકટતા, ક્ષેત્રિય અને વૈશ્ર્વિક ભૂ-રાજનીતિમાં મહત્ત્વપૂર્ણ દેશ છે.

ભારત તેની ઝડપી પ્રગતિના કારણે તેની ૧૪૦ કરોડની વસ્તી સહીત સમગ્ર વિશ્ર્વ પર તેની અસર કરશે. વૈશ્ર્વિક સ્તરે ભારતની ભૂમિકા આજે એટલી મહત્ત્વપૂર્ણ બની ગઈ છે કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતાથી લઈને વૈશ્ર્વિક સ્તરે લોકશાહીને મજબૂત કરવી, ટકાઉ વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવો, પર્યાવરણીય પરિવર્તનની સમસ્યા, નિવારણ અને સફળતા વગેરે વર્તમાન સમયમાં મહત્વના મુદ્દાનો ઉકેલ શોધવાનો આધાર માત્ર ભારત દ્વારા કરવામાં આવતી કાર્યપ્રણાલી પર છે. અથાર્ત વૈશ્ર્વિક મુદ્દાઓ પર ભારત જે દૃષ્ટિકોણ અપનાવી રહ્યું છે તે માનવતાના ભવિષ્ય પર જ નહીં પરંતુ વિશ્ર્વના તમામ દેશોના દૃષ્ટિકોણ અને વિશ્ર્વની દિશા નિર્ધારિત કરવામાં ઊંડી અસર કરશે.

‘વસુદેવ કુટુંબકમ્’ અને માનવીય દ્રષ્ટિકોણના કારણે ભારતની ગણના વૈશ્ર્વિક નેતૃત્વ કે સારા દેશ તરીકે થવા લાગી છે. તે વિશ્ર્વમાં નૈતિકતા અને અસત્ય/ખરાબ બાબતોનો વિરોધ કરે છે. એવું વિશ્ર્વ જેમાં એક તરફ વિચારોને લઈને જબરદસ્ત સંઘર્ષ ચાલે છે તો બીજી તરફ લગભગ વિશ્ર્વ વિભાજિત થઈ ચૂક્યું છે. આ સંજોગોમાં ભારત એક સેતુ અને માધ્યમ તરીકે ઉભરી રહ્યું છે જેની આજે વિશ્ર્વને સૌથી વધુ જરૂર છે. આ સિવાય જયારે પણ વિશ્ર્વમાં મૂલ્યોને લઈને પ્રશ્ર્નો ઊભા થયા છે ત્યારે ભારત સત્યના પક્ષે ઊભું જોવા મળે છે.

કેનેડીયન રાજનીતિજ્ઞ અને ૨૨માં પ્રધાનમંત્રી સ્ટીફન જે, હાર્પરના શબ્દોમાં કહુ તો આજે આખું વિશ્વ બે જૂથોમાં વહેંચાઈ રહ્યું છે, જેમાં એક જૂથનું નેતૃત્વ અમેરિકા તો બીજા જૂથનું નેતૃત્ત્વ ચીન કરી રહ્યું છે. આ દૃશ્ય જોઈએ તો કોલ્ડ વોર ૨.૦ જેવું લાગે છે. એવા ઘણા દેશો છે જે આમાંના કોઈપણ જૂથમાં જોડાવા માંગતા નથી. જ્યાં સુધી ભારતનો સંબંધ છે તો તે એક વિશાળ દેશ અને તેની અર્થવ્યવસ્થા ઝડપથી મજબૂત થઈ રહી છે તે આ બે જૂથોથી દૂર રહીને સ્વતંત્ર સ્થિતિ એટલે જાળવી રાખવા ઈચ્છે છે.

સ્ટીફન જે હાર્પરના વિચાર મુજબ પશ્ર્ચિમી દૃષ્ટિકોણ મુજબ આમાં કંઈ ખોટું નથી. પાશ્ર્ચાત્ય નેતૃત્વની નબળાઈ એ તેના પરંપરાગત મૂલ્યો અને માન્યતાઓને નકારીને, પોતાની ટીકા કરવાની અને અન્ય પર દબાણ કરવાની વૃતિ અથવા બળજબરીથી કે ડરાવવાની તેની વિરોધાભાસી વલણ છે. પશ્ર્ચિમનું આ વલણ વૈકલ્પિક લોકશાહીના અવાજ માટેનો માર્ગ મોકળો કરી રહ્યું છે. તેનાથી વિપરીત ભારત આત્મવિશ્ર્વાસ અને મહત્ત્વાકાંક્ષાથી ભરેલું રાષ્ટ્ર છે. ભારત એક એવો દેશ છે જે માત્ર ઝડપી આધુનિકીકરણના માર્ગ પર જ આગળ વધી રહ્યો નથી, પરંતુ વિકાસની નવી ઊંચાઈઓને પણ સ્પર્શી રહ્યો છે. આ સાથે ભારત વૈશ્ર્વિક સ્તરે મોટી સંખ્યામાં નવી ભાગીદારી પણ સ્થાપિત કરી રહ્યું છે. ભારતની આ ભાગીદારી એક નવા પ્રકારનું વૈશ્ર્વિકીકરણ દર્શાવે છે.

૨૧મી સદીને એશિયાની સદી કહેવામાં આવે છે. પરંતુ આજના સમયનું સત્ય એ છે કે એશિયા ખંડ એક નથી. એશિયામાં જે રીતે વિવિધ દેશોની શક્તિ વધી છે તેમ-તેમ તેણે વૈશ્ર્વિક સુરક્ષા, કાયદા-કાનૂન પર આધારિત બહુપક્ષીયવાદ અને વૈશ્ર્વિક અર્થતંત્ર સામે અનેક પડકારો રજૂ કર્યા છે. આમાંથી કઈ વિચારધારા પ્રભુત્વ સ્થાપિત કરશે? અને અંતે કોણ જીતશે? જે જીત શે તે નક્કી કરશે કે વૈશ્ર્વિક વ્યવસ્થા પર દબાણ અને વિક્ષેપ પાડતી શક્તિઓનું પ્રભુત્વ રહેશે કે અથવા સહકાર, સંવાદિતા અને સહભાગિતાને પ્રોત્સાહન આપતી શક્તિઓ પ્રભુત્વ સ્થાપિત કરશે.

આ જૂથવાદ અને યુદ્ધો વચ્ચે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે ૨૦૨૨માં એક વિચાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, ભારતને પોતાની ઓળખ પર ગર્વ છે અને પોતાની શરતોને આધીન પૂરા વિશ્વાસ સાથે વિશ્ર્વ સાથે સંબંધો સ્થાપિત કરવા જોઈએ અને કોઈની નકલ કરીને દુનિયાને ખુશ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. ભારત આજે આ અભિગમને અનુસરી રહ્યું છે. સતત બદલાતી વૈશ્ર્વિક વ્યવસ્થામાં ભારત તેની પરંપરાઓ અને પરિસ્થિતિઓ અનુસાર માત્ર પોતાનું યોગ્ય સ્થાન પ્રાપ્ત કરીને અલગ પોતાનો માર્ગ પણ તૈયાર કરી રહ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વૈશ્ર્વિક સ્તરે મજબૂત નેતૃત્વ અને પ્રગતિના કારણે આજે ભારત લોકશાહી તરીકે એકલું ઊભું રહેવાની સાથે પોતાની રીતે નિર્ણયો લેવા સક્ષમ છે. આજે જે વિશ્વભરના રાષ્ટ્રાધ્યક્ષો, રાજનેતાઓ, ઉદ્યોગસાહસિકો અને ઉદ્યોગપતિઓ દિલ્હીની અને ભારતના જુદા જુદા ભાગોમાં પહોંચી રહ્યા છે તે ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી પ્રતિષ્ઠા બતાવે. છે. જ્યારે પશ્ર્ચિમી દેશો વૈશ્ર્વિક મુદ્દાઓમાં ફસાઈને કેટલાક નિર્ણયોમાં પીછેહઠ કરી રહ્યું છે ત્યારે ભારત કુશળતાપૂર્વક વિશ્વ સાથે પોતાના સંબંધોની સ્થાપના સાથે વૈશ્ર્વિક સ્તરે ચાલી રહેલા સંઘર્ષોમાં હસ્તક્ષેપ કરીને પોતાના માટે અનુકૂળ સ્થાન બનાવી રહ્યું છે. ભારતને પોતાના અને એકબીજા સાથે જોડાયેલા વિશ્ર્વ બંનેમાં અતૂટ વિશ્ર્વાસ છે. ભારતે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ર્ચિમ સુધી વિવિધ દેશો સાથે કરેલી વિવિધ અને દેખીતી રીતે વિરોધાભાસી ભાગીદારી કરી છે તેમાં તેમનો આત્મવિશ્ર્વાસ સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે.

વર્તમાન સમય ખાસ કરીને લોકશાહી દેશો અને વિજાતીય સમાજો એટલે કે વિવિધ જાતિ, સંસ્કૃતિ, લિંગ અને વય ધરાવતા સમાજો માટે ખૂબ જ પડકારજનક છે. વિશ્વમાં એક યુદ્ધનું ત્રીજુ વર્ષ ચાલી રહ્યું છે, જ્યારે બીજું યુદ્ધ પણ શરૂ થઈ ગયું છે. આ યુદ્ધોએ વિશ્ર્વભરના દેશો અને સમુદાયોને જૂથોમાં વહેંચી દીધા છે. યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ, મધ્ય પૂર્વમાં ચાલી રહેલ સંઘર્ષ અને તેના પાડોશી દેશોમાં અસ્થિરતા પેદા કરવાના ચીનના પ્રયાસો દર્શાવે છે કે સ્થિરતાનો મુદ્દો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તેને અવગણી શકાય નહીં. આ સાથે આ ઘટનાક્રમોથી સ્પષ્ટ છે કે વર્તમાન સમયમાં ભાગીદારી અને સહકારની સાથે સાથે આવી પરિસ્થિતિઓને દૂર કરવા માટે કડક પગલાં લેવાની જરૂર છે.

આ લડાઈઓ માત્ર યુદ્ધના મેદાનમાં જ નહીં, મૂલ્યો અને વિચારોના સ્તર પર પણ લડવામાં આવે છે. આજના ડિજિટલ વિશ્ર્વમાં અગણિત તકો છે, તો તેમાં ગંભીર પડકારો પણ છે. આજે વિશ્ર્વમાં ક્યાંય પણ કોઈ હિલચાલ થાય તો સુરક્ષા સંબંધિત પડકાર અને લોકોને અસર કરે છે. એટલું જ નહીં, આજે એકબીજા પર આર્થિક નિર્ભરતાને પણ હથિયાર બનાવી શકાય છે. એક તરફ આ નવા યુગના મુશ્કેલ પડકારો છે, તો બીજી તરફ ખોરાક અને ઊર્જા જેવી મૂળભૂત જરૂરિયાતોને લઈને સંઘર્ષો વધી રહ્યા છે. એક તરફ અનિશ્ર્ચિતતાથી ભરેલી આ પરિસ્થિતિઓનો ઉકેલ શોધવો મહત્ત્વપૂર્ણ છે, તો બીજી તરફ જે પણ શક્યતાઓ છે તેનો લાભ લેવો પણ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ સત્ય એ છે કે આ બધા માટે આજે સૌથી મોટી જરૂર છે એક વિચારશીલ અને સમજદાર અવાજ જે બધી પ્રતિકૂળ પરિસ્થિતિઓને સુધારી શકે.

વર્તમાન સમયમાં જ્યારે લોકોના વિચારો અને મંતવ્યો એકબીજા સાથે મેળ ખાતા નથી એટલે કે વિરોધાભાસી છે ત્યારે આવો તર્કસંગત અવાજ હોવો વધુ જરૂરી બની જાય છે. આ તર્કસંગત અવાજ માટે ઉપરોક્ત સિવાય નીચે મુજબના મુદ્દાઓ પણ છે.

ભારતની બહુપક્ષવાદની નીતિ, આર્થિક કૂટનીતિમાં સાર્ક, સાફ્ટા, બિમ્સટેક, એફટીએ, ઇંડિયા એક્ટ નીતિના પરિણામે વ્યાપાર અને રોકાણમાં સંભાવના વધી છે. ભારત ક્ષેત્રિય અને વૈશ્ર્વિક સુરક્ષાની નીતિમાં રાષ્ટ્રીય હિતો અને સંપ્રભુતાની રક્ષા પર બળ સાથે બદલાતી સ્થિતિ પ્રમાણે રણનીતિ અપનાવે છે. વૈશ્ર્વિક પર્યાવરણીય પરિવર્તનની સમસ્યાના સમાધાન માટેના પ્રયત્નો પણ કરી રહી છું. ભારતે કોવીડ -૧૯માં વૈશ્ર્વિક સ્વાસ્થ્ય સંકટમાં હતું ત્યારે રસીના ઉત્પાદન, વિતરણ અને ચિકિત્સા મદદ કરી રાજનીતિમાં મહત્ત્વ પૂર્ણ ભૂમિકા નિભાવી હતી. આ સાથે ભારતની સોફ્ટનીતિના કારણે વિશ્ર્વમાં નવા પ્રકારનું વૈશ્ર્વિકીકરણ અમલમાં આવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button