ઉત્સવ

તંત્રએ કડક કાયદો લાગુ કરવો જ પડશે.. સરકારે દંડો ઉગામવો જ પડશે…

પુણે-દિલ્હી-મુંબઈ-રાજકોટની ભીષણ દુર્ઘટના:

કવર સ્ટોરી -વિજય વ્યાસ

છેલ્લા થોડાક દિવસોમાં બનેલી કેટલીક ઘટનાઓએ લોકોને ખળભળાવી મૂક્યા છે.

પહેલી ઘટનામાં પુણેમાં બેફામ સ્પીડે પોર્શે કાર ચલાવી રહેલા એક છોકરાએ બે આશાસ્પદ યુવક-યુવતીને ઉડાવી દઈ મોતને ઘાટ ઉતારી દીધા. આ નબીરા- છોકરાએ અકસ્માત પહેલાં પબમાં દારૂ પીધો હતો. અકસ્માત વખતે એ નશામાં ધૂત હતો હતો, છતાં પોલીસે તાત્કાલિક બ્લડ સેમ્પલ ના લીધાં. મોડાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા ને પછી એ પણ બદલી નાખવાની વાત બહાર આવી ગઈ. પોલીસે આરોપી છોકરાને મોડે મોટે કોર્ટમાં રજૂ કર્યો તો કોર્ટે ૩૦૦ શબ્દોનો નિબંધ લખાવીને છોડી મૂક્યો.ને પછી થયો જબરો ઊહાપોહ..

બીજી ઘટનામાં રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં ભભૂકી ઊઠેલી આગમાં ૨૭ લોકો ભડથું થઈ ગયાં. વેકેશનની મોસમ હોવાથી મોટા પ્રમાણમાં બાળકોને લઈને માતા-પિતા આ મોલના ગેમ ઝોનમાં ગયેલાં ને ત્યારે જ અચાનક લાગેલી આગમાં કેટલાંક માતા-પિતા ને બાળકો જીવતાં જ ભૂંજાઈ ગયાં. મૃતદેહો એ હદે બળી ગયા હતા કે, અમુક માતા-પિતા પોતાનાં બાળકોની લાશોને ઓળખી ના શક્યાં. ડીએનએ ટેસ્ટ પછી મૃતદેહોની ઓળખ થઈ શકી છે.

રાજકોટનો ગેમ ઝોન ફાયર એનઓસી વિના ચાલતો હતો. ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા આ ગેમ ઝોનને કોઈ નિયમો ના પળાયા હોવા છતાં પોલીસે મંજૂરી આપી દીધી હતી. કોર્પોરેશને કદી ગેમ ઝોનમાં નિયમો પળાય છે કે નહીં એ જાણવાની તસ્દી સુધ્ધાં ના લીધી. ઘોડા છૂટી ગયા પછી તબેલાંને તાળાં મારવા નીકળેલી રાજ્ય સરકારે રાબેતા મુજબ તપાસ સમિતિ નીમી છે .અધિકારીઓની બદલીઓ કરી ને કેટલાક અધિકારીઓની ધરપકડો પણ કરી છે અને નેતાશ્રીઓએ કોઈ ગુનેગારને છોડવામાં નહીં આવે એવાં નિવેદન ઊછળી ઊછળીને કર્યા છે, પણ આ બધાનો કોઈ અર્થ નથી.

ત્રીજી ઘટના દિલ્હીમાં બની કે જ્યાં બેબી કેર ન્યુબોર્ન સેન્ટરમાં લાગેલી આગમાં ૭ નવજાત બાળક
ક-મોતે માર્યાં ગયાં. આ ઘટનામાં પણ ફાયર એનઓસી નહોતું ને આગ બુઝાવવાનાં સાધનો પણ નહોતાં. કોઈ પણ પ્રકારની મંજૂરી વિના જ હોસ્પિટલ ધમધમતી હતી.

આ ઉપરાંત , મુંબઈના ડોમ્બિવલી વિસ્તારની એક કેમિકલ ફેકટરીનું બોઈલર ફાટતાં ફાટી નીકળેલી ભીષણ આગમાં ૧૧નાં મોત અને ૭૦થી વધુ લોકો ઘાયલ થયા. અહીં થયેલો ધડાકો એવો પ્રચંડ હતો કે એ પાંચ કિલોમીટર દૂર સુધી સંભળાયો અહીં પણ ઘણું રાબેતા મુજબ ગેરકાયદેસર હતું.

આ ઉપરાંત, બીજી પણ આ પ્રકારની જ ઘટનાઓ છેલ્લા એકાદ અઠવાડિયામાં બનેલી છે. મીડિયા તેને દુર્ઘટનાઓ કહે છે , પણ વાસ્તવમાં આ બધી માનવસર્જિત દુર્ઘટનાઓ છે અને આ દુર્ઘટનાઓ માટે જે લોકોની સીધી સંડોવણી છે એ લોકો તો દોષિત છે જ પણ તંત્રમાં બેઠેલા લોકો અને આપણી સિસ્ટમ પણ દોષિત છે.

ખાટલે મોટી ખોટ એ છે કે આ દેશમાં કાયદાનો કોઈ ડર નથી. કાયદાને સાવ મજાકને પાત્ર બનાવી દેવામાં આવ્યો છે અને આ મજાકને પાત્ર બનાવનારા લોકો તો ખાસ દોષિત છે.

પૂણેમાં આરોપી છોકરાએ દારૂ પીને બેફામ સ્પીડે કાર ચલાવીને બે યુવક-યુવતીને મોતને ઘાટ ઉતારી દીધાં તેમાં એ સીધો તો દોષિત છે જ, પણ અકસ્માત બન્યા પહેલાં એ સગીર હોવા છતાં દારૂ આપનારા પબના માલિકથી માંડીને ૩૦૦ શબ્દોનો નિબંધ લખાવીને છોડી મૂકનારા જજ સુધીના બધા દોષિત છે. સગીરને દારૂ ના આપી શકાય એવો કાયદો હોવા છતાં પબ માલિકે છોકરાને દારૂ આપ્યો કેમ કે એને ખબર છે કે, પોલીસ કે બીજું કોઈ કાયદાના આ ભંગ બદલ કશું કરવાનું નથી.

રાજકોટ અને દિલ્હીની ઘટનાઓમાં પણ નવજાત બાળકો કે બીજાં લોકોનાં મોત માટે દોષિતોએ સરકારી મંજૂરી લેવાની કે બીજી કોઈ પરવા ના કરી કેમ કે એમને ખબર હતી કે, કાયદો એમનું કશું તોડી લેવાનો નથી. મંજૂરી નહીં લીધી હોય કે નિયમ તોડ્યો હશે તો સરકારી અધિકારીને કે પોલીસને થોડાક રૂપિયા પકડાવી દઈશું એટલે ચૂપ થઈને બેસી રહેશે
આ માનસિકતા ખતરનાક છે ને એ પોષાઈ રહી છે એ વધું ખતરનાક છે, કેમ કે સરકારી અધિકારીઓ કે- કર્મચારીઓ થોડા રૂપિયા લઈને લોકોના જીવ સાથે ચેડાં થતાં હોય- ખતરો ઉભો થતો હોય એવી વાતો સામે આંખ આડા કાન કરી લે છે. આ વાસ્તવિકતા છે ને તેનો કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી.

આ સ્થિતિ- પરિસ્થિતિ બદલવી જરૂરી છે, લોકોમાં કાયદાનો ડર પેદા કરવો જરૂરી છે , પણ એ પહેલાં સરકારી તંત્રને પોતાની ફરજનું ભાન કરાવવું જરૂરી છે. સરકારી તંત્રમાં બેઠેલા લોકો પોતાની ફરજ ભૂલીને લાંચ ખાઈને લોકોના જીવન સાથે રમત રમે એ કોઈ પણ હિસાબે ના ચાલે ને એ સ્થિતિ બદલવા દેશભરમાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની એકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદેહી નક્કી કરતો કાયદો બનાવવો જોઈએ.

આપણે ત્યાં સરકારી તંત્રમાં ખાઈ બદેલા ને ભ્રષ્ટ અધિકારીઓ જામેલા છે. નીચેથી ઉપર સુધીનું આખું તંત્ર સડેલું છે આ ભ્રષ્ટ લોકોએ વહીવટની તો હાલત ખરાબ કરીને મૂકી જ દીધી છે પણ સંવેદનશીલતા પણ ગુમાવી દીધી છે. પૈસા કમાવવાની લાલચમાં એ લોકો પ્રજાના જીવ જોખમમાં મુકાય તેની પણ પરવા કરતા નથી. પૈસા મળતા હોય તો લોકોના જીવ જતા હોય તો જાય, તેમને કોઈ ફરક પડતો નથી. રા
રાજકોટનો અગ્નિકાંડ, પુણેનો કારઅકસ્માત કે પછી દિલ્હીની હોસ્પિટલની આગ સહિતની ઘટનાઓ આ માનસિકતાનું જ પરિણામ છે. અધિકારીઓએ ગેમ ઝોન કે
હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થા છે કે નહીં તેની તપાસ કરી હોત તો આ ગેમ ઝોન કે હોસ્પિટલ ચાલુ જ ના થયાં હોત ને લોકોના જીવ બચી ગયા હોત. અધિકારીઓએ ફરજ ના બજાવી તેની કિંમત માસૂમ બાળકોએ અને એમનાં માતા-પિતાએ ચૂકવી છે

આ સ્થિતિ ફરી પેદા ના થાય ને ફરી નિર્દોષોના જીવ ના જાય એટલા માટે સરકારે ગવર્નમેન્ટ સર્વિસીસ એકાઉન્ટેબિલિટી એક્ટ’ બનાવવા જોઈએ. આ કાયદા દ્વારા સરકારી તંત્રમાં બેઠેલા લોકોની એકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદેહિતા નક્કી કરવી જોઈએ. આપણે ત્યાં સરકારી નોકરી કરનારા લોકોએ શું કામ કરવાનું એ નક્કી હોય છે, તેને દર મહિને કેટલો પગાર મળશે ને કેટલાં ભથ્થાં મળશે એ પણ નક્કી હોય છે, નિવૃત્તિ પછી શું મળશે ને નોકરીમાં હોય ત્યારે કેટલી રજાઓ મળશે, પણ સરકારી કર્મચારી કામ ના કરે તો શું એ નક્કી નથી. તેના કારણે એ લોકો રીતસરની લાલિયાવાડી ચલાવે છે.

    કર્મચારીએ પરફોર્મ કરવું પડે છે એ રીતે સરકારી ક્ષેત્રમાં પણ કર્મચારી કે અધિકારીએ પરફોર્મ કરવું જ પડે એવું હોવું જોઈએ. કર્મચારી સરકારી નોકરીમાં જોડાય ત્યારે એને પગાર સહિતની શરતો સાથેનો એપોઈન્ટમેન્ટ લેટર અપાય છે એ રીતે એની ફરજો શું છે તે અંગેનો લેટર પણ અપાવો જોઈએ. આ ફરજ નહીં બજાવે તો તેને શું આર્થિક દંડ થશે કે સજા થશે એ પણ નક્કી હોવું જોઈએ.

આપણે ત્યાં લોકોની માનસિકતા દંડા ખાઈને કામ કરવાની છે એ જોતાં ખુદ સરકારે પણ દંડો વીંઝવો પડે, કાયદો બનાવવો પડે. બાકી તો દિલ્હીના બેબી કેર દુર્ઘટના – મુંબઈની કેમિકલ ફેકટરીનો બ્લાસ્ટ કે રાજકોટના ગેમ ઝોન જેવા અગ્નિકાંડ થતા રહેશે ને નિર્દોષ લોકો મરતાં રહેશે ને આપણા નેતાશ્રીઓ ભાષણ ફટકારતા રહેશે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button