પુણેમાં કાર અકસ્માત ટીનએજર પુત્રને બચાવવાના પ્રયાસમાં માતાની પણ ધરપકડ

પુણે: પુણેમાં પોર્શે કારથી બે સોફ્ટવેર એન્જિનિયરને કચડવાના કેસમાં ટીનએજર પુત્રને બચાવવાનો કથિત પ્રયાસ કરનારી માતા શિબાની અગ્રવાલની પણ પોલીસે ધરપકડ કરી હતી. ઘટના સમયે આરોપી ટીનએજર નશામાં હોવાનો દાવો પોલીસે કર્યો હતો. ટીનએજરનાં બ્લડ સૅમ્પલ તેની માતાના લોહીના નમૂના સાથે બદલી નાખવામાં આવ્યાં હોવાની ખાતરી થયા પછી પોલીસે કાર્યવાહી કરી હતી.
બીજી બાજુ તપાસના ભાગ રૂપે પોલીસે બાળસુધારગૃહમાં માતાની હાજરીમાં ટીનએજરની લગભગ કલાક સુધી પૂછપરછ કરી હતી. પોર્શે કારથી બે એન્જિનિયરને કચડી નાખવાના કેસમાં કોર્ટે ટીનએજરને પાંચમી જૂન સુધી બાળસુધારગૃહમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: MPમાં સુનાવણી કરો, પુણે પોર્શે કાર અકસ્માતમાં માર્યા ગયેલા એન્જિનિયરોના પરિવારની માગ
સગીરના લોહીના નમૂના તેની માતાના લોહીના નમૂના સાથે બદલી નાખવામાં આવ્યા હોવાનું તપાસમાં જણાયું હતું, એમ પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું.
ઘટના સમયે ટીનએજર નશામાં ન હોવાનું દર્શાવવા માટે બ્લડ સૅમ્પલ સાથે ચેડાં કરવા પ્રકરણે પોલીસે સસૂન હૉસ્પિટલના તે સમયના ફોરેન્સિક મેડિસિન વિભાગના હેડ ડૉ. અજય તાવરે, મેડિકલ ઑફિસર ડૉ. શ્રીહરિ હળનોર અને કર્મચારી અતુલ ઘાટકાંબળેની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: “તમારે જોઈએ તેટલા પૈસા લો, હું આપીશ…”પૂણે પોર્શ કારના આરોપી સગીરે પૈસાનો રોફ દેખાડ્યો
આ કેસમાં અગાઉ ટીનએજરના બિલ્ડર પિતા વિશાલ અગ્રવાલ અને દાદા સુરેન્દ્ર અગ્રવાલની પણ ધરપકડ કરવામાં આવી હતી. અકસ્માતની જવાબદારી પોતાના માથે લેવા માટે ફૅમિલી ડ્રાઈવરનું કથિત અપહરણ કર્યા પછી તેના પર દબાણ કરવાના આરોપસર બન્નેની ધરપકડ કરાઈ હતી. (પીટીઆઈ)