ભારતીય ટીમને મજબૂત દાવેદાર ગણવાનું યોગ્ય નથીઃ કપિલ દેવે આપ્યું મોટું નિવેદન
નવી દિલ્હી એશિયા કપમાં ભારત જીતીને આઠમી વખત ચેમ્પિયન બન્યા પછી આગામી વનડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ માટે ક્રિકેટપ્રેમીઓ જીતવાની આશા રાખી રહ્યા છે ત્યારે ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે આજે ભારતીય બોલર માટે સૌથી મોટું નિવેદન આપ્યું હતું.
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવનું માનવું છે કે ભારતીય ટીમ તેની ધરતી પર વન-ડે વર્લ્ડ કપ જીતી શકે છે પરંતુ તેમણે કહ્યું હતું કે ભારતીય ટીમને મજબૂત દાવેદાર તરીકે ગણવી યોગ્ય નથી કારણ કે ઘણું બધું નસીબ પર નિર્ભર રહેશે. કપિલ દેવે કહ્યું હતું કે જો આપણે ટોપ ચારમાં આવીશું તો તે મહત્વનું રહેશે. આમ છતાં ત્યાર પછી પણ બધું નસીબ પર નિર્ભર રહેશે.
આપણે અત્યારે કહી શકતા નથી કે આપણે મજબૂત દાવેદાર છીએ. આપણી ટીમ સારી છે. દિલ કંઈક કહે છે અને મન કહે છે કે ઘણી મહેનત કરવી પડશે. હું મારી ટીમને ઓળખું છું પરંતુ હું અન્ય ટીમોને જાણતો નથી. આવી સ્થિતિમાં જવાબ આપવો ખોટો હશે, એમ તેમણે એક કાર્યક્રમ પછી જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી ભારતનો સવાલ છે, આ ટીમ જીતી શકે છે. તેઓએ જુસ્સા સાથે રમવું જોઈએ. એશિયા કપ ફાઇનલમાં ભારતે શ્રીલંકાને દસ વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું હતું.
સિરાજે શાનદાર બોલિંગ કરી. મને ખુશી છે કે હવે આપણા ફાસ્ટ બોલરો દરેક દેશમાં દસ વિકેટ લઈ રહ્યા છે. એક સમયે આપણે સ્પિનરો પર નિર્ભર હતા પરંતુ હવે એવું નથી. આ ટીમની તાકાત છે. એક પ્રશંસક તરીકે તે એશિયા કપ જેવી એકતરફી મેચ નહીં પણ નજીકની મેચ જોવા માંગે છે. ક્રિકેટર તરીકે મને નજીકની મેચ જોવાનું ગમે છે. પરંતુ એક ખેલાડી તરીકે હું તેને 30 રનમાં આઉટ કરીને મેચ જીતવા માંગુ છું. એક દર્શક તરીકે હું રોમાંચક મેચો જોવા માંગુ છું.