વિશેષ સત્ર શરૂ થતાં પહેલા થયો એક મોટો છબરડો.. અને સ્પીકરના અપમાનનો વિપક્ષે લગાવ્યો આરોપ
સંસદનું વિશેષ સત્ર આજથી શરૂ થયું હતું. જો કે સત્રની શરૂઆત પહેલા લોકસભામાં એક મોટા છબરડાને કારણે વિપક્ષે હંગામો મચાવ્યો હતો. સત્ર શરૂ થવાનો સમય 11 વાગ્યાનો હતો અને ગૃહમાં સ્પીકર ઓમ બિરલા પ્રવેશ્યા પણ ન હતા, તો ઓમ બિરલાની ગેરહાજરીમાં જ ગૃહમાં રાષ્ટ્રગાન વાગવાનું શરૂ થઇ જતાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો.
સોમવારે સત્રની વિધિવત શરૂઆત પહેલા ટેકનીકલ કારણોસર ભૂલથી રાષ્ટ્રગાન વાગી જતાં પીએમ મોદી અને કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સહિત સાંસદો રાષ્ટ્રગાનના સન્માનમાં તેમના સ્થાન પરથી ઉભા થઇ ગયા હતા. પરંતુ રાષ્ટ્રગાન ભૂલથી વાગવાનું શરૂ થયું હતું એટલા માટે તેને અધવચ્ચેથી બંધ કરી દેવાયું. આ અંગે વિરોધપક્ષે વિવાદ ઉભો કરતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ હસ્તક્ષેપ કરવો પડ્યો અને વિપક્ષને શાંતિ જાળવવાનું કહેતા તેઓ બોલ્યા કે ક્યારેક તકનીકી ખરાબી થઇ જતી હોય છે.
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ હોબાળા વચ્ચે સ્પીકરને કહ્યું, “જ્યારે તમારું અપમાન થાય છે તે અમારાથી સહન થતું નથી.” આના પર બિરલાએ તમામ સાંસદોને આશ્વાસન આપ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવશે. કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઇ અને બસપાના દાનિશ અલીએ ઘટના અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો. થોડા સમય બાદ માહોલ શાંત થતા ફરીવાર રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું હતું.
સંસદના નવા સત્રની શરૂઆતમાં ગૃહમાં આપણા દેશનું રાષ્ટ્રગાન “જન,ગણ,મન..” વગાડવામાં આવે છે, અને જ્યારે સત્રનું સમાપન થાય ત્યારે ‘વંદે માતરમ’ વગાડવામાં આવે છે. ગૃહમાં સ્પીકરનો પ્રવેશ થાય તે પછી જ રાષ્ટ્રગાન વાગવું જોઇએ તેવી પરંપરા છે. આજે ટેકનીકલ કારણોસર આ પરંપરાનું ઉલ્લંઘન થતા વિપક્ષે ગૃહમાં ઉત્પાત મચાવ્યો હતો.