ચેન્નાઈ-મુંબઈ ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા ઇમરજન્સી લેન્ડિંગ
મુંબઇઃ શનિવારે ચેન્નાઈથી મુંબઈ આવતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 5314ને બોમ્બની ધમકીને કારણે મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ચેન્નાઈથી મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટ 6E 5314ને બોમ્બની ધમકી મળી હતી. મુંબઈમાં ઉતરાણ કર્યા પછી, ક્રૂએ પ્રોટોકોલનું પાલન કર્યું અને સુરક્ષા એજન્સીની માર્ગદર્શિકા અનુસાર વિમાનને આઈસોલેશન વિભાગમાં લઇ જવામાં આવ્યું હતું. ”બધા મુસાફરો સુરક્ષિત રીતે વિમાનમાંથી ઉતરી ગયા છે. હાલ વિમાનની તપાસ ચાલી રહી છે.
તમામ સુરક્ષા તપાસો પૂર્ણ થયા પછી, એરક્રાફ્ટને ટર્મિનલ વિસ્તારમાં પાછું સ્થાન આપવામાં આવશે,” એમ એરલાઇન્સે તેના નિવેદનમાં જણાવ્યું હતું. શુક્રવારે 177 મુસાફરોને લઈને દિલ્હી-શ્રીનગર જતી વિસ્તારા ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી હતી.
ફ્લાઇટ શ્રીનગરમાં સુરક્ષિત રીતે ઉતરી ગઈ હતી અને તમામ મુસાફરો અને ક્રૂને બહાર કાઢવામાં આવ્યા હતા. તપાસ બાદ વિમાનમાંથી કંઇ નહોતું મળ્યું. 28 મેના રોજ, દિલ્હીથી વારાણસી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં સવાર મુસાફરોને બોમ્બની ધમકી મળતાં દિલ્હી એરપોર્ટ પરથી બહાર કાઢવા પડ્યા હતા.