સલમાન ખાનની હત્યાના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ, આવી હતી લોરેન્સ બિશ્નોઈની યોજના

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની હત્યાના કાવતરાનો પર્દાફાશ થયો છે. નવી મુંબઈના પનવેલમાં સલમાન ખાનની કાર પર હુમલાની યોજના ઘડવામાં આવી હતી. જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને મહારાષ્ટ્રના પનવેલમાં તેના ફાર્મહાઉસ નજીક તેની કાર રોકીને અને એકે-47 બંદૂકોથી ગોળી મારીને તેની હત્યા કરવાની યોજના બનાવી હતી. નવી મુંબઈ પોલીસે આ કાવતરું ઘડનારા 4 આરોપીઓની ધરપકડ કરી છે.
હાલમાં જ મુંબઈમાં સલમાનના ઘરની બહાર ફાયરિંગનો મામલો હજુ ઠંડો પડયો ન હતો ત્યાં હવે વધુ એક ષડયંત્રનો પર્દાફાશ થતાં સલમાન ખાનના પરિવાર અને ફેન્સની ચિંતામાં વધારો થયો છે.
નવી મુંબઈ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસને માહિતી મળી હતી કે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ, તેના કેનેડા સ્થિત પિતરાઈ ભાઈ અનમોલ બિશ્નોઈ અને સહયોગી ગોલ્ડી બ્રાર સાથે મળીને પાકિસ્તાની આર્મ્સ સપ્લાયર પાસેથી એકે-47, એમ-16 અને એકે-92 સહિતના મેળવેલા હથિયારોનો ઉપયોગ કરીને સલમાન ખાનની હત્યા કરવાની યોજના બનાવી હતી. પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધી છે અને આ ષડયંત્ર સાથે સંકળાયેલા 4 લોકોની ધરપકડ કરી છે.
આ સમાચારે ફરી બોલિવૂડના કોરિડોરમાં હલચલ મચાવી દીધી છે. ફરી એકવાર બધા અભિનેતાને લઈને ચિંતિત છે. પોલીસે આ કેસમાં આઈપીસીની કલમ 115, 120(બી) અને 506(2) હેઠળ એફઆઈઆર નોંધી છે.