ભારત સહિત સમગ્ર વિશ્વમાં ગૂગલ ન્યૂઝ અને ડિસ્કવર ડાઉન, યુઝર્સે કરી ફરિયાદ

નવી દિલ્હી:ગુગલની કેટલીક સર્વિસીસ શુક્રવારે સાંજે ઠપ થતા હડકંપ મચી ગયો હતો. ભારતમાં સહિત સમગ્ર વિશ્વમાં Google Discover ડાઉન થયું હતું. ડિસ્કવર ડાઉન થયા પછી, આ પ્લેટફોર્મ પર કંઈપણ દેખાતું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, ગૂગલ ડિસ્કવર ભારતમાં ઘણા યુઝર્સ માટે બંધ થઈ ગયું હતું. એટલું જ નહીં, ડિસ્કવરની સાથે-સાથે ગૂગલ ન્યૂઝ પણ ડાઉન થયું હતું.
ગૂગલની આ સમસ્યા માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય ઘણા દેશોમાં પણ જોવા મળી રહી હતી. જેમાં ઇટાલી, રશિયા, યુનાઇટેડ કિંગડમ અને ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, ગૂગલ ડિસ્કવર તેમજ ગૂગલ ન્યૂઝ અચાનક ડાઉન થવાને કારણે યુઝર્સને સમાચાર નહોંતા મળ્યા.ઘણા યુઝર્સે ફરિયાદ કરી હતી કે ગૂગલ ન્યૂઝ કામ કરી રહ્યું નથી. આમાં ન્યૂઝ ટેબ અને ગૂગલ ન્યૂઝનું હોમ પેજ સામેલ હતું. જ્યારે, ગૂગલ ડિસ્કવરના હોમ પેજ ફીડ અને ગૂગલ ટ્રેન્ડ્સ કામ ન કરી રહ્યા હોવાની માહિતી પણ સામે આવી હતી. સોશિયલ મીડિયા પર યુઝર્સે આ અંગે પ્રતિક્રિયા આપી હતી. જો કે બાદમાં ટેકનિકલ સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. ગૂગલે તેના ગૂગલ સર્ચ સ્ટેટસ ડેશબોર્ડ પર જણાવ્યું હતું કે 30 મે, 2024 ના રોજ લગભગ 19.36 વાગ્યે (અમેરિકાના સમય મુજબ) તકનીકી સમસ્યા આવી હતી, જે 31 મે, 2024 ના રોજ રાત્રે 8.27 વાગ્યે ઉકેલાઈ હતી.
DownDetector અનુસાર, કેટલાક દેશોમાં Gmail, Google સર્ચ અને Google Mapsની સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. ડાઉનડિટેક્ટરે ઘણા રિપોર્ટનો સ્ટડી કર્યા પછી ડેટા જાહેર કર્યો. આ મુજબ, શુક્રવારે સાંજે 7 વાગ્યા સુધી, 65 ટકા લોકોએ ગૂગલ સંબંધિત વેબસાઇટ્સને ઍક્સેસ કરવા સંબંધિત માહિતી શેર કરી, 31 ટકા યુઝર્સે ગૂગલ સર્ચનો ઉપયોગ કરવા વિશે અને ચાર ટકા યુઝર્સે લોગ ઇન કરવામાં મુશ્કેલીનો સામનો કરવા વિશે માહિતી શેર કરી હતી.
ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ગૂગલ ડિસ્કવર અને ગૂગલ ન્યૂઝની ડાઉન સર્વિસના સ્ક્રીન શોટ્સ શેર કર્યા છે. એન્ડ્રોઇડ અને વેબ વર્ઝન યુઝર્સને સૌથી વધુ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પણ તમે Google પર કંઈક સર્ચ કરો છો, ત્યારે તમને પરિણામ નથી મળતું.