મલયેશિયા પાછળ આયાતી તેલમાં ઉછાળા, અંદાજે ૧૦૦૦ ટન આરબીડી પામોલિનના વેપાર
ઈન્ડોનેશિયાએ જૂન મહિના માટે આરબીડી પામોલિનના રેફરન્સ રેટ ઘટાડ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૧૬ સેન્ટનો ઘટાડો આવ્યો હોવા છતાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે વાયદાના પ્રોજેક્શનમાં ૩૦ પૉઈન્ટનો સુધારો તેમ જ મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૮૬ રિંગિટનો ઉછાળો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ આયાતી તેલના ભાવમાં ઉછાળા જોવા મળ્યા હતા, જેમાં ૧૦ કિલોદીઠ સન રિફાઈન્ડ, સન ક્રૂડ અને સોયા રિફાઈન્ડમાં રૂ. ૧૫નો, આરબીડી પામોલિન, ક્રૂડ પામતેલ અને સોયા ડિગમમાં રૂ. ૧૦નો ઝડપી ઉછાળો આવ્યો હતો. જોકે, આજે દેશી તેલના ભાવમાં મથકો પાછળ ટકેલું વલણ રહ્યું હતું.
આજે વિશ્ર્વ બજાર પાછળ આયાતી તેલમાં તેજી આવતાં સ્થાનિકમાં આરબીડી પામોલિનમાં સેલરિસેલ ધોરણે અંદાજે ૧૦૦થી ૧૫૦ ટનના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૦૨થી ૯૦૫માં થયા હતા. આ સિવાય ડાયરેક્ટ ડિલિવરી શરતે રૂચીનાં ૧૫થી ૩૦ જૂન ડિલિવરી શરતે અંદાજે ૨૫૦ ટન આરબીડી પામોલિનના ૧૦ કિલોદીઠ રૂ. ૯૦૮માં, ગોલ્ડન એગ્રીનાં અંદાજે ૨૫૦ ટન આરબીડી પામોલિનના વેપાર ૧૦ જૂન સુધી ડિલિવરી શરતે રૂ. ૯૧૦માં અને એએનએનાં અંદાજે ૧૦૦થી ૧૫૦ ટન આરબીડી પામોલિનના વેપાર રૂ. ૯૧૦માં થયા હતા. આમ એકંદરે આજે સેલરિસેલ અને ડાયરેક્ટ ડિલિવરી મળીને અંદાજે ૧૦૦૦ ટનનાં વેપારો ગોઠવાયા હતા.
દરમિયાન આજે ઈન્ડોનેશિયાએ આગામી જૂન મહિના માટે આરબીડી પામોલિનનાં રેફરન્સ રેટ જે ગત મે મહિનામાં ટનદીઠ ૮૭૭.૨૮ ડૉલર હતા તે ઘટાડીને ૭૭૮.૮૨ ડૉલર નિર્ધારિત કર્યાનાં અહેવાલ હતા.
આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી તેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૯૧૦, ક્રૂડ પામતેલના રૂ. ૮૯૦, સોયા રિફાઈન્ડના રૂ. ૯૬૦થી ૯૬૫, સોયા ડિગમના રૂ. ૯૨૫, સન રિફાઈન્ડના રૂ. ૯૬૫થી ૯૭૦, સન ક્રૂડના રૂ. ૯૧૫, સિંગતેલના રૂ. ૧૫૦૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૯૯૫ અને સરસવના રૂ. ૧૧૮૦ના મથાળે રહ્યા હતા, જ્યારે આજે ગુજરાતના મથકો પર કપાસિયા રિફાઈન્ડ અને સિંગતેલના વેપાર અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૯૨૫થી ૯૩૦માં અને રૂ. ૧૪૫૦માં તથા સિંગતેલના તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૩૨૫માં થયા હતા.
આજે મધ્ય પ્રદેશનાં મથકો પર અંદાજે ૧.૨૫ લાખ ગૂણી સોયાસીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૪૪૦૦થી ૪૬૭૫માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૪૭૦૦થી ૪૮૦૦માં થયા હતા, જ્યારે ઈન્દોર ખાતે હાજરમાં સોયા રિફાઈન્ડના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૬૫થી ૯૭૦માં થયાના અહેવાલ હતા. વધુમાં આજે રાજસ્થાનના મથકો પર સરસવની ૪.૨૫ લાખ ગૂણીની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૬૧૫૦થી ૬૧૭૫માં થયા હતા. આ સિવાય એક્સપેલર અને કચ્ચીઘાણીના વેપાર અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૧૧૭૧માં અને ૧૧૮૧માં તથા સરસવ ખોળના વેપાર ક્વિન્ટલે રૂ. ૨૮૫૦થી ૨૮૫૫માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.