સોનામાં ₹ ૨૪૧નો સુધારો, ચાંદીમાં ₹ ૨૨૪ની પીછેહઠ
વૈશ્ર્વિક બજારમાં રોકાણકારોની નજર અમેરિકાના ફુગાવાના ડેટા પર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકામાં પહેલા ત્રિમાસિકગાળામાં જીડીપીમાં બજારની અપેક્ષાથી ઓછી વૃદ્ધિ થઈ હોવાના નિર્દેશો સાથે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી ઘટાડો આવતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. જોકે, હવે રોકાણકારોની નજર ફેડરલ દ્વારા વ્યાજદરમાં કપાતમાં મહત્ત્વનો નિર્ણય ભજવનારા ગત એપ્રિલ મહિનાના ફુગાવાની આજે મોડી સાંજે થનારી જાહેરાત પર હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હતો.
વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે પણ સોનાના ભાવમાં સુધારો આગળ ધપ્યો હતો, જ્યારે ચાંદીમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક મિશ્ર અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ખાસ કરીને સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪૦થી ૨૪૧નો સુધારો આવ્યો હતો.
જોકે, આજે ડૉલર સામે રૂપિયો ૧૮ પૈસા નબળો પડ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં વધારો થવાથી ભાવવધારાને ટેકો મળ્યો હતો. તેમ જ આજે વિશ્ર્વ બજાર પાછળ ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. ૨૨૪ ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૨૪ ઘટીને રૂ. ૯૨,૪૪૯ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત ડૉલર સામે રૂપિયો નબળો પડતા આયાત પડતર વધી આવતા ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪૦ વધીને રૂ. ૭૨,૦૬૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૪૧ વધીને રૂ. ૭૨,૩૫૬ના મથાળે રહ્યા હતા. જોકે, તાજેતરમાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તેમ જ રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
વર્ષ ૨૦૨૪નાં પહેલા ત્રિમાસિકગાળામાં અમેરિકામાં જીડીપીમાં બજારની ૧.૬ ટકાની વૃદ્ધિની અપેક્ષા સામે ધીમી ૧.૩ ટકાની વૃદ્ધિ જોવા મળતાં ગઈકાલે ડૉલર ઈન્ડેક્સ નબળો પડતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં સુધારો આગળ ધપતા ભાવ વધુ ૦.૦૪ ટકા વધીને ઔંસદીઠ ૨૩૪૩.૯૨ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૦૩ ટકા ઘટીને ૨૩૪૨.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩૩ ટકા વધીને ઔંસદીઠ ૩૧.૨૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યાનુસાર આજે મોડી સાંજે અમેરિકાના એપ્રિલ મહિનાના ફુગાવાની જાહેરાત થવાની હોવાથી રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી મર્યાદિત સુધારો જોવા મળ્યો છે. આજે જાહેર થનારા ફુગાવમાં વૃદ્ધિ થોડી ધીમી પડશે, પરંતુ ફેડરલ રિઝર્વનાં બે ટકાના લક્ષ્યાંક કરતાં તો વધુ રહે તેવી ધારણા ટ્રેડરો મૂકી રહ્યા છે.
વિશ્ર્લેષકોના મતાનુસાર હાલના તબક્કે ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેમ હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ભાવ સાંકડી વધઘટે અથડાતા રહેશે.