શેર બજાર

ઈક્વિટીમાં ઘટ્યા મથાળેથી વૅલ્યુ બાઈંગ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલીને ટેકે પાંચ સત્રની મંદીને બ્રેક: સેન્સેક્સમાં ૭૫ પૉઈન્ટનો અને નિફ્ટીમાં ૪૨ પૉઈન્ટનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રવર્તમાન લોકસભાની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતા વચ્ચે સતત પાંચ સત્ર સુધી સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ઘટાડાતરફી વલણ રહ્યા બાદ આવતીકાલનાં છેલ્લા તબક્કાના મતદાન પૂર્વે રોકાણકારોનું ઘટ્યા મથાળેથી વૅલ્યુ બાઈંગ નીકળવાની સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૬૧૩.૨૪ કરોડની ચોખ્ખી લેવાલી નીકળતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૭૫.૭૧ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૪૨.૦૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હતો.

લોકસભાની ચૂંટણીનાં પરિણામો પૂર્વે ગત ગુરુવાર સુધી છેલ્લાં પાંચ સત્રમાં ભારે ચંચળતાના માહોલમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં અંદાજે બે ટકા જેટલો કડાકો બોલાઈ ગયા બાદ આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૭૩,૮૮૫.૬૦ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૭૪,૨૦૮.૫૩ના મથાળે ખૂલ્યા બાદ ઉપરમાં ૭૪,૪૭૮.૮૯ અને નીચામાં ૭૩,૭૬૫.૧૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૭૫.૭૧ પૉઈન્ટ અથવા તો ૦.૧૦ ટકા વધીને ૭૩,૯૬૧.૩૧ પૉઈન્ટના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૨૨,૪૮૮.૬૫ના બંધ સામે સુધારા સાથે ૨૨,૫૬૮.૧૦ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૨૨,૪૬૫.૧૦થી ૨૨,૬૫૩.૭૫ની રેન્જમાં અથડાઈને અંતે ૪૨.૦૫ પૉઈન્ટ અથવા તો ૦.૧૯ ટકા વધીને ૨૨,૫૩૦.૭૦ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે બીએસઈ ખાતે મિડકેપ ઈન્ડેક્સ સાંકડી વધઘટે અથડાઈને ટકેલા ધોરણે બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સકમાં ૦.૭૬ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. એકંદરે આજે છેલ્લા સત્રમાં મામૂલી સુધારો જોવા મળ્યો હોવાથી સાપ્તાહિક ધોરણે સેન્સેક્સમાં ૧૪૪૯ પૉઈન્ટનો અને નિફ્ટીમાં ૪૨૬ પૉઈન્ટનો કડાકો બોલાઈ ગયો છે.
ચૂંટણીનાં પરિણામો પૂર્વે ટ્રેડરોના વ્યૂહનો આજે અંત આવ્યો હતો અને હવે તેઓની નજર એક્ઝિટ પોલ પર સ્થિર થઈ છે. ચૂંટણીમાં મતદાનની ઓછી ટકાવારી અને હાલની મજબૂત પ્રતિકારક સપાટીને ધ્યાનમાં લેતા રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. વધુમાં એલકેપી સિક્યોરિટીઝનાં ટેક્નિકલ એનાલિસ્ટ રુપક ડૅએ જણાવ્યું હતું કે રોકાણકારો ચૂંટણીના પરિણામોની રાહ જોઈ રહ્યા હોવાથી આજે નિફ્ટીમાં બેતરફી વધઘટ જોવા મળી હતી. સૌથી વધુ કૉલ ૨૩,૦૦૦ના મથાળે અને પુટ ૨૨,૫૦૦ના મથાળે જોવા મળ્યા હોવાથી આગામી થોડા દિવસ નિફ્ટીની રેન્જ ૨૨,૫૦૦થી ૨૩,૦૦૦ની જોવા મળે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

આજે બીએસઈ ખાતે ૨૦૯૯ શૅરના ભાવ ઘટીને, ૧૭૩૨ શૅરના ભાવ વધીને અને ૮૪ શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૫ શૅરના ભાવ વધીને અને ૧૫ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જેમાં મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ ૧.૮૦ ટકાનો વધારો ટાટા સ્ટીલમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે બજાજ ફાઈનાન્સમાં ૧.૩૨ ટકાનો, એચડીએફસી બૅન્કમાં ૧.૦૭ ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૦.૯૬ ટકાનો, ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૦.૯૨ ટકાનો અને લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં ૦.૮૯ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં નેસ્લેમાં ૨.૦૮ ટકાનો, ટીસીએસમાં ૧.૭૭ ટકાનો, મારુતી સુઝુકીમાં ૧.૫૧ ટકાનો, ઈન્ફોસિસમાં ૧.૩૭ ટકાનો, એક્સિસ બૅન્કમાં ૦.૮૨ ટકાનો અને હિન્દુસ્તાન યુનીલિવરમાં ૦.૭૦ ટકાનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૨૬ શૅરના ભાવ વધીને અને ૨૪ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા.

વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં માત્ર આઈટી ઈન્ડેક્સમાં ૦.૯૯ ટકાનો, ટેક્નોલૉજી ઈન્ડેક્સમાં ૦.૮૪ ટકાનો, હૅલ્થકૅર ઈન્ડેક્સમાં ૦.૫૫ ટકાનો, ઑટો ઈન્ડેક્સમાં ૦.૩૨ ટકાનો અને એફએમસીજી ઈન્ડેક્સમાં ૦.૨૧ ટકાનો ઘટાડો આવ્યો હતો. આ સિવાયના તમામ ઈન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા જેમાં મુખ્યત્વે યુટીલિટી ઈન્ડેક્સમાં ૨.૧૦ ટકાનો, રિઅલ્ટી ઈન્ડેક્સમાં ૨.૦૨ ટકાનો, પાવર ઈન્ડેક્સમાં ૧.૮૦ ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં ૧.૨૮ ટકાનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સમાં ૧.૧૯ ટકાનો અને ટેલિકોમ ઈન્ડેક્સમાં ૧.૧૮ ટકાનો સુધારો આવ્યો હતો.

આજે એશિયન બજારોમાં શાંઘાઈ, ટોકિયો, સિઉલ અને હૉંગકૉંગની બજારમાં મિશ્ર વલણ રહ્યું હતું, જ્યારે યુરોપના બજારોમાં નરમાઈનું વલણ જોવા મળ્યું હતું. વધુમાં આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪૦ ટકા ઘટીને બેરલદીઠ ૮૧.૫૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button