ટ્રમ્પ દોષિત પણ પ્રમુખપદની ચૂંટણી પર અસર નહીં થાય
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોર્ન સ્ટાર ડેનિયલ સ્ટોર્મીને પોતાની સાથેના સંબંધો છૂપાવવા માટે નાણાં આપવાના કેસમાં દોષિત ઠરતાં સનસનાટી મચી ગઈ છે. ટ્રમ્પે સ્ટોર્મીને નાણાં આપવા માટે પોતાની કંપનીના એકાઉન્ટ્સમાં ચેડાં કરેલાં અને હકીકત છૂપાવવા માટે નાણાં આપીને અમેરિકાની ૨૦૧૬ની પ્રમુખપદની ચૂંટણીને પ્રભાવિત કરી હતી એ સહિતના કુલ ૩૪ આરોપો ટ્રમ્પ સામે મૂકાયેલા. આ કેસમાં ટ્રમ્પ તમામ ૩૪ આરોપોમાં દોષિત ઠર્યા છે અને તેમને ચાર વર્ષની જેલની સજા પણ થઈ શકે છે. ટ્રમ્પ જેલભેગા થશે તો ઈતિહાસ રચાશે કેમ કે અમેરિકાના ઈતિહાસમાં કોઈ ભૂતપૂર્વ પ્રમુખ જેલમાં ગયા નથી.
ટ્રમ્પ જેલભેગા થશે તો વાસ્તવમાં ઈતિહાસ રચવાની હેટ્રિક રચાશે કેમ કે આ પહેલાં ગ્રાન્ડ જ્યુરીએ તેમની સામે પુરાવા હોવાનું સ્વીકાર્યું ત્યારે પહેલો ઈતિહાસ રચાઈ ગયેલો. મેનહટ્ટન ગ્રાન્ડ જ્યુરીએ સ્વીકાર્યું હતું કે, ટ્રમ્પે પોર્ન સ્ટાર ડેનિયલ સ્ટોર્મીને પોતાની સાથેના સંબંધો છૂપાવવા માટે નાણાં આપેલાં એવા પ્રાથમિક પુરાવા છે. ગ્રાન્ડ જ્યુરીના ચુકાદાને પગલે ટ્રમ્પ સામે આરોપો ઘડવાનો ને કેસ ચલાવવાનો માર્ગ મોકળો થઈ ગયો હતો.
અમેરિકામાં ભૂતપૂર્વ પ્રમુખ સામે ક્રિમિનલ માટે આરોપો ઘડવાનો ચુકાદો અપાયો હોય એવી આ પહેલી ઘટના હતી તેથી મેનહટ્ટન ગ્રાન્ડ જ્યુરીના આદેશના પગલે ઈતિહાસ રચાઈ ગયો હતો. ટ્રમ્પ દોષિત ઠર્યા એ સાથે બીજો ઈતિહાસ રચાયો કેમ કે અમેરિકાના ઈતિહાસમાં કોઈ ભૂતપૂર્વ પ્રમુખને ક્રિમિનલ કેસમાં સજા પણ થઈ નથી. હવે ટ્રમ્પને જેલભેગા કરાશે તો તો ઈતિહાસ રચવાની હેટ્રિક થઈ જશે કેમ કે અમેરિકાના ઈતિહાસમાં કોઈ ભૂતપૂર્વ પ્રમુખને ક્રિમિનલ કેસમાં જેલની સજા પણ થઈ નથી કે અમેરિકાના ઈતિહાસમાં કોઈ ભૂતપૂર્વ પ્રમુખ જેલમાં ગયા નથી.
ટ્રમ્પ આ ખરાબ રેકોર્ડ પોતાના નામે કરીને કલંકિત ઈતિહાસ રચવાની હેટ્રિક કરે છે કે નહીં એ જોવાનું છે પણ અત્યારે જે સંજોગો છે એ જોતાં ટ્રમ્પ હેટ્રિક કરે એવા પૂરા સંજોગો છે. ટ્રમ્પ તમામ ૩૪ આરોપોમાં દોષિત ઠર્યા છે એ જોતાં જજ તેમને જેલભેગા કરી શકે છે.
ટ્રમ્પ માટે મુશ્કેલી એ છે કે, ટ્રમ્પના એક સમયના ખાસ સાથીઓ જ તેમના દુશ્મન બની ગયા હોય છે. ટ્રમ્પના ખાસમખાસ મનાતા વકીલ માઈકલ કોહેને ટ્રમ્પ સામે જુબાની આપીને ટ્રમ્પે કઈ રીતે સ્ટોર્મીને નાણાં આપેલા તેની તમામ વિગતો આપી છે. ૨૦૧૬માં ટ્રમ્પના કેમ્પેઈનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા હોપ હિક્સ અને કેલીયાને કોનવેએ પણ ટ્રમ્પ વિરુદ્ધ જુબાની આપી છે. ટ્રમ્પ ઓર્ગેનોઈઝાશનના બે કર્મચારી જેફરી મેકકોની અને ડેબોરાહ તારાસોફ્ફે તેમ જ કોહેનના ભૂતપૂર્વ લીગલ એડવાઈઝર રોબર્ટ જે. કોસ્ટેલોએ પણ ટ્રમ્પ સામે જુબાની આપી છે. આ બધી કબૂલાતોના કારણે ટ્રમ્પ સામેનો કેસ મજબૂત છે.
કોહેને સ્ટોર્મીને ચૂપ રહેવા નાણાં આપેલા ને પછી ટ્રમ્પ કોહેનને દર મહિને લીગલ ફીના નામે એ રકમ પાછી આપતા હતા એવો ભાંડો કોહેને ફોડ્યો છે. ટ્રમ્પ ૨૦૧૬માં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ઊભા રહ્યા ત્યારે સ્ટોર્મીએ ૨૦૦૬માં બંધાયેલા ટ્રમ્પ સાથેના સેક્સ સંબંધો જાહેર કરવાની ધમકી આપેલી. સ્ટોર્મીએ ટ્રમ્પને ખુલ્લા પાડવાની ધમકી આપતાં ડરી ગયેલા ટ્રમ્પે સ્ટોર્મી સાથેના સંબંધો છૂપાવવા માટે પોતાના વકીલ માઈકલ કોહેનને ધંધે લગાડેલો.
માઈકલ કોહેને સ્વીકાર્યું છે કે, પોતે સ્ટોર્મીને ૧.૩૦ લાખ ડૉલર આપ્યા હતા. સ્ટોર્મીને મનાવવામાં પોતાને બહુ તકલીફો પડેલી એવું પણ કોહેને લખ્યું છે. ટ્રમ્પ સાથે સેક્સ સંબંધો ધરાવતી યુવતીઓને રકમ ચૂકવવા નવી લિમિટેડ લાયેબિલિટી કંપની બનાવાઈ હતી. તેની વિગતો પણ કોહેને આપી છે. ટ્રમ્પ પોતાને પોર્ન સ્ટાર ડેનિયલ સ્ટોર્મી સાથે સેક્સ સંબંધો હતા એ વાત માનવા તૈયાર જ નહોતા પણ માઈકલ કોહેન અને સ્ટોર્મીની જુબાનીના કારણે ટ્રમ્પ દોષિત ઠરી ગયા.
સ્ટોર્મીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, ટ્રમ્પનો એક બોડીગાર્ડ પોતાને ટ્રમ્પના પેન્ટહાઉસમાં લઈ ગયેલો. પેન્ટહાઉસમાં બંનેએ ડિનર કર્યા પછી સેક્સ માણ્યું હતું. સ્ટોર્મીએ ટ્રમ્પ અંગે ટાઈની ટ્રમ્પ એવો અપમાનજનક ઉલ્લેખ કરીને ટ્રમ્પ સાથેના સેક્સને પોતે જીંદગીમાં સૌથી છેેલ્લે યાદ કરવા જેવો સેક્સ સંબંધ ગણાવ્યો છે. સ્ટોર્મીએ ડોનાલ્ડ ટ્રમ્પના ભદ્દા ફિઝિકલ સ્ટ્રક્ચર અંગે પણ ગંદી કોમેન્ટ્સ કરી હતી.
ટ્રમ્પ દોષિત ઠરતાં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં નવો ટવિસ્ટ આવી ગયો છે. નવેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે ને એ પહેલાં જ આવેલા ચુકાદાથી જો બિડેનને ટ્રમ્પ સામે મોટો મુદ્દો મળી ગયો છે તેનો ઈન્કાર ના થઈ શકે પણ તેના કારણે ટ્રમ્પ હારી જશે એમ કહેવું વહેલું અને વધારે પડતું છે. તેનું કારણ એ કે, ટ્રમ્પના સમર્થકોને તો ટ્રમ્પની ઈમેજ અને તેમના ધંધા ખબર જ છે. ટ્રમ્પ રંગીલા માણસ છે તેની ખબર તેમના સમર્થકોને ૨૦૧૬ની ચૂંટણી વખતે હતી જ છતાં તેમને મત આપીને લોકોએ ચૂંટ્યા જ છે.
ટ્રમ્પ સામે લગભગ બે ડઝન જેટલી સ્ત્રીઓએ બળજબરીથી શરીર સંબંધ બાંઘવાના આરોપ મૂક્યા છે. સેક્સ્યુઅલ એસોલ્ટના મોટા ભાગના કેસોમાં ટ્રમ્પે ૨૦૧૬માં જ નાણાં આપીને ભીનું સંકેલાવી દીધું હતું પણ તેની વિગતો બહાર આવી જ ગયેલી. એ છતાં લોકોને કોઈ ફરક નહોતો પડ્યો તો અત્યારે પણ ફરક પડે એવી શક્યતા ઓછી છે.
ટ્રમ્પ સામેના બીજા કેસ ગંભીર છે પણ આ કેસ બહુ ગંભીર નથી. વરસો પહેલાં બંધાયેલા સેક્સ સંબંધો અને એ છૂપાવવા માટે ટ્રમ્પે કરેલી નાણાકીય ગરબડોના કારણે લોકો તેમને અપરાધી માને અને વોટ ન આપે એવી શક્યતા ઓછી છે. આ ચુકાદો ઐતિહાસિક છે તેમાં શંકા નથી કેમ કે અમેરિકાના ઈતિહાસમાં પહેલી વાર કોઈ ભૂતપૂર્વ પ્રમુખને દોષિત ઠેરવાયા છે પણ તેના કારણે ટ્રમ્પ પ્રમુખપદની ચૂંટણી લડવા ગેરલાયક ઠરવાના નથી તેથી પણ ટ્રમ્પે બહુ ચિંતા કરવાની જરૂર નથી.
ટ્રમ્પ આ ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારશે ને ઉપલી કોર્ટ પ્રમુખપદની ચૂંટણી પહેલાં ટ્રમ્પને દૂધે ધોયેલા જાહેર કરી દે એવું પણ બને. ભારત હોય કે અમેરિકા, કાગડા બધે કાળા છે ને ન્યાયતંત્ર બધે સરખાં છે એ જોતાં ટ્રમ્પ માટે તાર મહિનામાં નિર્દોશ છૂટવું અશક્ય નથી જ.