મુંબઇ નહિ, પુણે નહિ, બેંગલુરુનો આ પંડાલ છે તમામ ગણપતિ પંડાલોનો બાપ!
શણગાર જોઇને બોલી ઉઠશો-અદ્ભૂત!
દરવર્ષે દેશભરમાં ઉમંગ અને ઉત્સાહપૂર્વક ગણેશચતુર્થી પર્વની ઉજવણી થતી હોય છે. મુંબઇ, પુણે સહિત અનેક શહેરોમાં ભવ્યાતિભવ્ય રીતે ગણપતિ પંડાલને સજાવવામાં આવતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયામાં બેંગ્લુરૂના એક ગણેશ પંડાલનો વીડિયો ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં ચલણી નોટો અને સિક્કા વડે ગણપતિ બાપ્પાનો અદ્ભૂત શણગાર કરવામાં આવ્યો છે.
બેંગ્લુરૂના પુટ્ટેનહલ્લી ખાતેના આ ગણપતિ પંડાલમાં સજાવટ માટે અંદાજે અઢી કરોડ રૂપિયાના ભારતીય ચલણનો ઉપયોગ કરાયો છે જેમાં 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100-200-500 રૂપિયાની નોટો મળીને અંદાજે 2 કરોડ રૂપિયા જેટલી નોટ તેમજ લગભગ 52 લાખ રૂપિયાના સિક્કા વપરાયા છે. પંડાલની સુરક્ષા વ્યવસ્થા વધારવા માટે ખાસ આયોજન પણ કરવામાં આવ્યું છે.
પંડાલમાં કોઇ ચોરીની કે અનિચ્છનીય ઘટના ન બને તે માટે 22 જેટલા સીસીટીવી કેમેરા મુકાયા છે. જેના આધારે પંડાલમાં બારીકાઇથી નજર રાખવામાં આવી રહી છે. ઉપરાંત પોલીસ અધિકારીઓ, ગનમેન સહિતના કર્મચારીઓ પણ તૈનાત કરાયા છે.
સમગ્ર પંડાલમાં શણગારની કામગીરી માટે 150થી વધુ સ્વયંસેવકોએ પ્રશંસનીય મહેનત કરી છે. જેમણે રૂપિયાના સિક્કા અને ચલણી નોટોને ફૂલ, છત્રી જેવા વિવિધ આકાર આપી સુંદર શણગાર રચ્યો છે. પંડાલના દર્શન માટે પણ મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.