આમચી મુંબઈમહારાષ્ટ્ર

ફરી એક વખત શર્મસાર થયું પુણે: જમીન મુદ્દે વિવાદ થતાં યુવતીને જીવતી દાટવાનો પ્રયાસ

25-30 જણે જેસીબી, ટ્રેક્ટરની મદદથી નાખી શરીર પર માટી, ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ

પુણેઃ મહારાષ્ટ્રની કલ્ચરલ કેપિટલ ગણાતું પુણે છેલ્લાં કેટલાક સમયથી પોર્શ હિટ એન્ડ રન કેસને કારણે લાઈમલાઈટમાં છે ત્યાં આજે ફરી એક વખત પુણેથી ચોંકાવનારી અને માણસાઈને શર્મસાર કરનારી ઘટના સામે આવી રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે પુણેના રાજગજ કોંઢવણે ગામમાં જમીનના મુદ્દે થયેલાં વિવાદમાંથી 22 વર્ષીય યુવતીને જમીનમાં જીવતી દાટી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે આ પ્રકરણે આઈપીસીની 307 કલમ હેઠળ ચાર જણ સામે ગુનો દાખલ કર્યો છે.

પુણેના કોંઢવળે ગામમાં જમીનના મુદ્દે થયેલાં વિવાદમાં 22 વર્ષીય યુવતીને જમીનમાં દાટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પીડિત યુવતી અને તેની માતા દ્વારા કરવામાં આવ્યો છે. ટ્રેક્ટર અને જેસીબી લઈને જે જમીન માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે એ જમીન પર ગેરકાયદેસર કબજો કરવાનો પ્રયાસ દરમિયાન 23થી 30 જણાએ જેસીબીની મદદથી યુવતીના શરીર પર માટી નાખીને તેને દાટી દેવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ પોલીસને કરેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

પોલીસે આ મામલે ગુનો નોંધીને ચાર આરોપીની ધરપકડ પણ કરી છે. ચારેય આરોપીની ઓળખ સંભાજી ખોપડે, તાનાજી ખોપડે, બાળુ ભોરકર અને ઉમેશ જયસ્વાલ તરીકે કરવામાં આવી છે. આ ચારેય સામે ગાળાગાળી, ધાકધમકી આપીને જીવથી મારવાનો પ્રયાસ કરવાના આરોપ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

યુવતી દ્વારા કરવામાં આવેલા આક્ષેપ અનુસાર આરોપીએ સ્થાનિક નાગરિક, પોલીસ સહિત જમીન પર કબજો કરવા પહોંચ્યા હતા. યુવતી અને આરોપીઓ વચ્ચે વિખવાદ થયો હતો ત્યાર બાદ આ ઘટના બની હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં યુવતીને કમર સુધી દાટી દેવામાં આવી હોવાનું જોવા મળે છે. યુવતીએ આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી છે અને આ પ્રકરણમાં 10થી 12 જણ સામે ગુનો દાખલ કરવામાં આવશે એવી શક્યતા છે.

2006ના આ જમીનના વિવાદ પ્રકરણમાં તત્કાલિન કલેક્ટરે એક જગ્યાનું ભૂસંપાદન કર્યું હતું પરંતુ એનું વળતર પીડિત યુવતીના પરિવારને હજી મળ્યું નથી. જેને કારણે તેમણે આ જમીન છોડવાનો ઈનકાર કર્યો હતો અને એવામાં જેણે આ જમીન ખરીદી એ નવા માલિકે બળજબરીથી જમીન હથિયાવાનો પ્રયાસ કર્યો હતો.

Also Read

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button