નેશનલ

‘ધર્મ પરિવર્તન વિના મુસ્લિમ છોકરા સાથે હિન્દુ છોકરીના લગ્ન ગેરકાયદેસર’, કોર્ટે સુરક્ષા આપવાનો કર્યો ઈનકાર

ભોપાલ: મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક મુસ્લિમ છોકરા અને હિંદુ છોકરીના લગ્ન સાથે જોડાયેલા મામલામાં મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે, જેમાં બંનેએ પોતાનો ધર્મ બદલ્યા વિના જ કોર્ટમાં લગ્ન કરવાની માંગ કરી હતી. આ કેસમાં મુસ્લિમ પર્સનલ એક્ટને ટાંકીને કોર્ટે ધર્માંતરણ વિના લગ્નને ગેરકાયદેસર માનીને રક્ષણ આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે મુસ્લિમ પર્સનલ લો મુજબ હિંદુ છોકરી અને મુસ્લિમ છોકરાના લગ્ન માટે ધર્મ પરિવર્તન જરૂરી છે, પરંતુ આ કેસમાં છોકરીએ ધર્મપરિવર્તન કર્યું નથી.

અરજદાર, મુસ્લિમ યુવક અને હિંદુ યુવતી વતી એડવોકેટ દિનેશ ઉપાધ્યાય હાજર રહ્યા હતા. એડવોકેટ દિનેશ ઉપાધ્યાયે કોર્ટને જણાવ્યું હતું કે, અનુપપુરના રહેવાસી મુસ્લિમ છોકરા અને હિંદુ છોકરીએ ઓક્ટોબર 2023માં કલેક્ટર કોર્ટમાં રજિસ્ટર્ડ લગ્ન માટે અરજી કરી હતી, ત્યારબાદ આ માહિતી છોકરીના પરિવાર સુધી પહોંચી અને બંને લગ્ન કરી શક્યા નહીં. આ પછી યુવતી તેના ઘરેથી દાગીના લઇને ભાગી ગઈ હતી અને યુવક સાથે રહેવા લાગી હતી અને બંનેએ હાઈકોર્ટનું શરણું લીધું હતું અનેએક અરજી દ્વારા તેઓએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવાની અપીલ કરી હતી.

તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે મુસ્લિમ પર્સનલ લો એક્ટના આધારે હિંદુ છોકરી અને મુસ્લિમ છોકરાના ધર્મ પરિવર્તન વગરના લગ્નને ગેરકાયદેસર જાહેર કર્યા હતા અને વિશેષ ટિપ્પણી સાથે રક્ષણ આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે મુસ્લિમ પર્સનલ લો મુજબ હિંદુ છોકરી અને મુસ્લિમ છોકરાના લગ્ન માટે ધર્મ પરિવર્તન જરૂરી છે. પરંતુ આ કિસ્સામાં યુવતીએ ધર્મપરિવર્તન કર્યું ન હતું, તેથી આ લગ્નને માન્ય ગણી શકાય નહીં. કોર્ટે તેમને સુરક્ષા આપવાની અરજી ફગાવી દીધી હતી.

છોકરીના પિતાએ પણ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને કોર્ટમાં નિવેદન કર્યું હતું કે તેમની છોકરી ઘરેથી સોના-ચાંદીના દાગીના લઈને ભાગી ગઈ હતી. યુવતીના પિતાએ યુવક પર લાલચનો અને તેની પુત્રીના અપહરણના આક્ષેપો પણ કર્યા હતા. આ અરજી પર છેલ્લા 7 દિવસથી હાઈકોર્ટના જસ્ટિસ જીએસ આહલુવાલિયાની કોર્ટમાં નિયમિત સુનાવણી ચાલી રહી હતી અને દરેક પક્ષની દલીલો સાંભળવામાં આવી હતી. કોર્ટે હિંદુ છોકરી અને મુસ્લિમ છોકરાના લગ્નને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button