આપણી બાયોપિક્સમાંથી દર્શકોએ શું ગ્રહણ કરવું જોઈએ?
પ્રેરક વ્યક્તિત્વ પરથી ફિલ્મ્સ બનતી રહે એ શા માટે જરૂરી છે ?
શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
બાયોપિક કે પછી સત્ય ઘટના પર ફિલ્મ એટલે વાસ્તવિક જિંદગીને પડદા પર સાકાર કરવાની વાત. છેલ્લા દશકાથી સમયાંતરે બાયોપિક સિનેમાને સફળતા મળતી રહી છે એટલે ફિલ્મમેકર્સ એને ભારતીય દર્શકો સમક્ષ રજૂ કરવા આકર્ષાતા રહ્યા છે.
જો કે, વાત બાયોપિકની આવે ત્યારે આમ તો તેની સાથે ઘણા વિવાદિત મુદ્દાઓ પણ જોડાતા રહ્યા છે, જેમ કે કાસ્ટિંગ. જે-તે મૂળ વ્યક્તિના જેવી દેખાતી કે ઉંમરની વ્યક્તિનું કાસ્ટિંગ કેમ ન કર્યું એવા સવાલો ઊભા થતા હોય છે. ૨૦૧૯માં રિલીઝ થયેલી ‘સાંઢ કી આંખ’ને લઈને આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. તેમાં નાયિકાના વૃદ્ધ સ્ત્રીઓના પાત્રમાં કેમ ખરેખર વૃદ્ધ સ્ત્રીઓને કાસ્ટ ન કરી અને જુવાન અભિનેત્રીઓને કાસ્ટ કરી એવા સવાલો ઊઠ્યા હતા. બીજો એક મુદ્દો હોય છે પ્રોપગેન્ડાનો. બાયોપિક કે સત્ય ઘટના પર બનતી ફિલ્મ થકી જે-તે વ્યક્તિની છબી સુધારવાની કે તે ઘટનાને તોડી- મરોડીને રજૂ કરવાના આક્ષેપો પણ થતા હોય છે. જે દર્શાવાયું છે તેમાં સત્ય કેટલું છે એ મુદ્દો ઊઠતો હોય છે. ‘સંજુ’ (૨૦૧૮) કે પછી ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ (૨૦૨૪) કે અન્ય ઘણી ફિલ્મ્સ માટે આ મુદ્દો
ઊઠ્યો છે.
જો કે, આપણે આજે અહીં થોડી અલગ વાત કરવાની છે. બાયોપિક ફિલ્મ્સ જો અતિશય પ્રોપગેન્ડાથી ભરેલી ન હોય અને તેમાં આદિપુરુષ’ (૨૦૨૩)ની જેમ સ્ટોરીટેલિંગ અતિશય બાલિશ કે ખોટી માહિતીથી ભરેલું ન હોય તો એક અનેરો ફાયદો જરૂર થતો હોય છે. એ ફાયદો એટલે કે
સામાન્ય ભારતીય દર્શક અત્યંત પ્રેરણાસભર વાસ્તવિક હીરોઇઝમ ધરાવતાવ્યક્તિત્વથી રૂબરૂ થાય છે. ફિલ્મમેકિંગ કે ઉપરોક્ત વાત કરી એ બધા મુદ્દાને બાજુમાં રાખીને જે-તે વ્યક્તિત્વ કે ઘટનાના મુદ્દા પર ધ્યાન આપીએ તો દર્શકો માટે આ બાયોપિક બોધનો ખજાનો બની રહે છે. કેટલાય તો એવા વ્યક્તિત્વ હોય છે કે જેના વિશે ફિલ્મ થકી આપણને ખબર પડે ત્યારે ખુદને જ એ સવાલ કરી બેસીએ કે આપણા દેશ પાસે આવા પ્રેરણાદાયક પ્રસંગો અને વ્યક્તિત્વો છે અને આપણે તેનાથી અજાણ હતા?
હજુ ત્રણેક અઠવાડિયા પહેલા જ રિલીઝ થયેલી તુષાર હીરાનંદાની દિગ્દર્શિત રાજકુમાર રાવ અભિનીત ‘શ્રીકાંત’ આ વિષય માટે ઉત્તમ ઉદાહરણ છે. શ્રીકાંત એટલે એક અંધ બિઝનેસમેન. જી હા, અંધ કે વિકલાંગને જોઈને આપણા મનમાં માનવસહજ જે દયા કે કરુણા આવી જાય છે એ જ નહીં દેખાડીને એમને સમાન ગણવાની વિનંતી કરતા શ્રીકાંત બોલાની જીવન કહાની ખૂબ જ રોમાંચક અને પ્રેરણાસભર છે. એક અંધ વ્યક્તિ સામાન્ય વ્યક્તિની માફક જ પોતાની મોટી કંપની સ્થાપે અને ડગલે ને પગલે આવતી મુશ્કેલીઓ સામે લડીને સાચે જ હસીને, ખુશ રહીને જીવન વિતાવે એ નિરાશ અને નકારાત્મક જીવન જીવતા લોકો માટે એક શીખ છે. ફિલ્મ સ્વાભાવિક રીતે જ સફળ રહી છે. આખી ફિલ્મ તો પ્રેરણારૂપ છે જ, પણ તેની આખરી સ્પીચ ખાસ સાંભળવા જેવી છે.
વધુ આવું એક ઉદાહરણ એટલે ૧૪ જૂને રિલીઝ થનારી કબીર ખાન દિગ્દર્શિત કાર્તિક આર્યન અભિનીત ‘ચંદુ ચેમ્પિયન’. ખબર છે કોના પર આધારિત છે આ ફિલ્મ?
મુરલીકાંત પેટકર! કોણ છે આ મુરલીકાંત પેટકર? કદાચ આ ફિલ્મ ન બની હોત તો આપણામાંના ઘણા એમના વિશે જાણવાથી વંચિત રહી જાત. મુરલીકાંત પેટકર એટલે ભારતના પહેલા પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ. ૨૧મી સદીની શરૂઆતથી વ્યક્તિગત મેડલ્સની સંખ્યા વધી એમ સામાન્ય જનતાનો રસ એ તરફ વધુ જાગ્યો છે, પણ એય મોટાભાગે તો સમાચાર વાંચવા કે સાંભળવા પૂરતો જ. અને એમાં પણ ઓલિમ્પિક પૂરી થાય પછી પેરાલિમ્પિક પર તો આપણું ઓછું જ ધ્યાન હોય છે, પણ આર્મીમાં ૧૯૬૫માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં શરીર પર ૯ ગોળી ખાધા પછી પણ અતૂટ મનોબળ થકી હાર ન માનનાર મુરલીકાંતજીએ અલગ-અલગ રમતોમાં ભાગ લીધો અને ૧૯૭૨માં સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ફિલ્મના કારણે હિંમત અને આશાથી પ્રચુર જીવતા મુરલીકાંત પેટકર વિશે ભારતીય સિનેરસિકો તો માહિતગાર થાય છે, પણ સાથે આવા જાણવા જેવા પણ હીરોઝ જેવી પ્રસિદ્ધિને લાયક છે એ પણ સિનેમા અપાવવામાં મદદરૂપ થાય છે.
શરૂઆતમાં જે સાંઢ કી આંખ’ની વાત કરી એ પણ આ જ શ્રેણીમાં આવે છે. આ ફિલ્મના કેન્દ્રમાં રહેલી દાદીઓની સિદ્ધિઓ વિશે કદાચ સમાચારોથી ખ્યાલ હોય એમ બને, પણ ફિલ્મના માધ્યમથી વધુ લોકો સુધી એમની પ્રેરક ગાથા પહોંચી એમ કહી શકાય. પ્રકાશી તોમર અને ચંદ્રો તોમર! આ બે દાદીએ પોતાના જીવનના ૬૦ના દશકામાં શૂટિંગની રમતમાં હાથ અજમાવ્યો અને વિશ્ર્વભરમાં અનેક સ્પર્ધાઓમાં મેડલ્સ મેળવ્યા. આ એક વાક્યમાં એમના વિશે કહેવાયું એટલું કંઈ એમનું જીવન કે સિદ્ધિ સરળ નથી બની જતાં. જો આ ફિલ્મ ન બની હોત તો એમની મહેનત કે સિદ્ધિ એક મોટા સ્કેલ પર લોકો સુધી પહોંચી એમને પ્રેરિત કરવામાં સફળ ન રહી હોત.
વધુ એક પહાડ જેવડી પ્રેરણા મૂર્તિની વાત કરીએ. હા, કેતન મહેતા દિગ્દર્શિત નવાઝુદ્દીન સિદ્દીકી અભિનીત ફિલ્મ ‘માંજી’ (૨૦૧૫). દશરથ માંજી એટલે એક એવું ચરિત્ર કે જેના વિશે તમે બધું જ જાણી લો, અનેક વખત સમજી લો એ છતાં વિશ્ર્વાસ ન બેસે કે સાચે આ શક્ય છે ખરું? દશરથ માંજી એટલે કે જેમણે પોતાની પત્નીના સમયસર મેડિકલ સહાયના અભાવમાં દુ:ખદ મૃત્યુ પછી પોતાના ગામને નડે નહીં એ માટે ગામથી શહેર વચ્ચે આવેલા પર્વતને પૂરા ૨૮ વર્ષ સુધી તોડતા રહીને તેમાંથી રસ્તો બનાવી જગતને બતાવ્યો! હા, એમના આ વિરાટ વ્યક્તિત્વની વાત કંઈ નવી નથી, પણ મુદ્દો એટલો જ છે કે સિનેમા આવા ભગીરથ કાર્યને લોકો સમક્ષ પહોંચાડી એમના વ્યક્તિત્વ અને મહેનતને એક અનોખો સંતોષ અને ન્યાય જરૂર આપે છે.
આ સિવાય ‘નીરજા’, ‘પાન સિંઘ તોમર’, ‘સરદાર ઉધમ’, ‘મૈદાન’, ‘ગોલ્ડ’, ‘કામ ચાલુ હૈ’, ‘બુધીયા સિંઘ’, ‘ઈક્કીસ’, ‘છાવા’ વગેરે જેવી અનેક રિલીઝ થઈ ચૂકેલી અને બની રહેલી ફિલ્મ્સ છે કે જે માનભેર મહાન વ્યક્તિત્વને પ્રામાણિકતાથી લોકો સમક્ષ મૂકવાની આ યાદીમાં સામેલ થઈ શકે. આ ઉપરાંત એવી પણ અનેક હસ્તીઓ હોવાની કે જેના પર સામાન્ય જનતા કે ફિલ્મમેકર્સની દ્રષ્ટિ હજુ નથી પડી કે કદાચ ક્યારેય નહીં પડે, પણ સિનેમા દર્પણ છે! સિનેમા સમાજની નબળાઈ બતાવે એ સાચું, પણ આવી રીતે ક્યારેક સમાજની જ સાચી પ્રેરણારૂપ જિંદગીઓને બિલોરી કાચમાં સ્ક્રીન પર બતાવીને સમાજને પ્રેરણા આપે એ પણ આપણે સમજવું રહ્યું!