મેટિની

ડરના મના નહીં જરૂરી હૈ!

આપણી હોરર ફિલ્મો કેવીક ડરામણી હોય છે ?

ડ્રેસ-સર્કલ -નિધિ શુકલ

એક જમાનામાં હોલિવૂડની કેટલાક જાદુગર અને એમની જાદૂગરી વિશેની ફિલ્મો એ જમાનાની જૂની ટેકનિકથી બની હોવા છતાં એનો આજેય જાદુ અકબંધ છે. એ જ રીતે જાદુગરીની આજની નવી ડિજિટલ ફિલ્મો પણ દર્શકોને એકસરખા મોહિત કરી દે છે.

આવો જ સિનારિયો ગઈ કાલની અને આજની હોરર અર્થાત ડરામણી ફિલ્મોનો છે. હોલિવૂડની ફિલ્મોની વાત જવા દઈએ અને માત્ર આપણી હોરર ફિલ્મોની વાત કરીએ તો આપણે ત્યાં એક જમાનો એવો હતો, જ્યારે દર્શકોને ધ્રુજાવવા માટે કોઈ અંધારી રાતે એક ભેંકાર કબ્રસ્તાન -એકાદ ખુલ્લી અવાવરુ કબર – હાથમાં મીણબતી સાથે ધુમ્મસમાંથી પસાર થતી શ્ર્ચેત વસ્ત્રોમાં એક યુવતી કે પછી જોતા જ હેબતાય જાવ એવા ચહેરાવાળી સ્ત્રી કે પછી શરીરની ચામડી સાવ લબડી ગઈ હોય એવો વિકરાળ ચહેરાવાળો કોઈ પુરુષ અર્થાત ભટકતી આત્મા કર્કશ અવાજે તમારી સમક્ષ પ્રગટ થાય અને દૂર દૂર કૂતરાં કે શિયાળની રોતાં’ હોય એવા અવાજ તમારા કાને પડે ને તમારી કરોડરજજુમાંથી ભયનું લખલખું પસાર થઈ જાય
બસ, ગઈ કાલના આપણી રામસે ‘બ્રધર્સ’ ની હોરર ફિલ્મોનો આવો એકસરખો સિનારિયો રહેતો.એમની ફિલ્મોનાં ટાઈટલ્સ – નામ પણ ‘ દો ગઝ જમીન કે નીચે’, બંધ દરવાજા’ , ‘પુરાણી હવેલી’ ,‘શૈતાની ઇલાકા’, ઈત્યાદિ જેવાં રહેતાં

આ ફિલ્મો કથા અને અભિનયના નામે શૂન્ય,પણ ડરામણો માહોલ -મેકઅપ અને મ્યુઝિકવાળી રામસે ભાઈઓની આવી ફિલ્મો એ જમાનામાં દર્શકોને રીતસર ડરાવી જતી..આવી ૩૦થી વધુ હોરર ફિલ્મ્સ રામસે ભાઈઓના નામે છે,જેમાંથી મોટા ભાગની બોકસ ઓફિસ પર સફળ પણ નીવડી છે.એમની ‘દો ગઝ જમીન કે નીચે’ તો રૂપિયા ૩.૫૦ લાખના બજેટમાં બની હતી અને એ ફિલ્મે ધંધો કર્યો હતો રૂપિયા ૨૫ લાખથી વધુનો!

જો કે, હિન્દી હોરર ફિલ્મના ઈતિહાસમાં અશોક કુમાર -મધુબાલા અભિનીત અને કમાલ અમરોહી દિગ્દર્શિત ફિલ્મ ‘મહલ’ એક આગવું સ્થાન
ધરાવે છે.

એ જમાનાની સૌથી સુપરહિટ હોરર ફિલ્મ ‘મહલ’ (૧૯૪૯)ની કથા કંઈક આ મુજબની છે. .. જેના માલિક અને એની વાગ્દતાનું ક-મોત થાય છે એવા નવા બંગલામાં એક યુવાન વકીલ રહેવા જાય છે ત્યારે ત્યાં જોવા મળતી એક અજાણી યુવતીના એ પ્રેમમાં પડી જાય છે. પછી તો .. ફૂંકાતી હવામાં હિલોળા લેતાં ઝુમ્મર બગીચાના હિંચકામાં ઝૂલતી એક યૌવના અને લતાજીના સ્વરમાં ગૂંજતું પેલું સદાબહાર ગીત: ‘આયેગા આનેવાલા’ એક ગજબની ભૂતાવળ સર્જે છે. ‘મહલ’ ફિલ્મથી જ મધુબાલા અને લતાજીની કરિયરનો પ્રવાહ પલટાયો હતો એ પછી તો ‘બીસ સાલ બાદ’- ‘ગુમનામ’ અને ‘ભૂત બંગલા’ જેવી બીજી ફિલ્મો હતી, જે બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ. ‘મહેલ’ – ‘મધુમતી’ – ‘ગુમનામ’ અને ‘વો કૌન થી ’ જેવી ફિલ્મોનાંની સફલતામાં એનાં અફલાતૂન ગીતો અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકેમહત્વનો ભાગ ભજવ્યો હતો.

જો કે, છેલ્લાં દોઢ-બે દાયકામાં બોલીવૂડમાં હિન્દી હોરર મૂવીઝએ ૩૬૦ ડિગ્રીનો વળાંક લીધો છે. હવે તો એની દિશા અને દશા સુધ્ધાં બદલાઈ ચૂકી છે. અગાઉ આપણી હોરર ફિલ્મોમાં એ જમાનાની કથાવસ્તુ રહેતી ,જેમકે કોઈ ભટકતા આત્માની અતૃપ્ત વાસના કે પછી આગલા જન્મનું વેર વાળવા તત્પર રહેતું ભૂત કે ડાકણ દર્શકોને ડરાવીને મનોરંજન પૂરું પાડતા, પણ જેમ જેમ ટેકનોલોજી વધુ આધુનિક બનતાં હોરર મૂવીઝમાં VFX ( સ્પેશિયલ વિઝયુલ ઈફેક્ટસ)ની ગુણવત્તા વધી એના કારણે ફિલ્મોની કથાવસ્તુ વધુ મોર્ડર્ન ને ચુસ્ત બનવા લાગી. કયારેક તો એ ગ્રેડ તો ઘણી વાર ઇ + હરોળના અદાકારો પણ હોરર ફિલ્મો સામેલ થવા લાગ્યા

આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણે હિન્દી ફિલ્મજગતની કેટલીક ખતરનાક હોરર મૂવીની વાત કરીએ. ઉદાહરણ રૂપે.

૧) રાઝ : વિક્રમ ભટ્ટ દિગ્દર્શિત બિપાશા બાસુ- ડિનો મોરિયા- આશુતોષ રાણા અભિનીત આ ફિલ્મ વિશે કોઈને કલ્પના પણ નહોતી એ માત્ર ડરામણી જ નહીં,પણ આ પ્રકારની હોરર ફિલ્મો જોનારાઓનો એક નવો ચાહક વર્ગ પણ તૈયાર કરશે.

‘રાઝ’ના બે મુખ્ય પાત્ર છે સંજના અને આદિત્ય ધનરાજ ( બિપાશા બાસુ અને ડિનો મોરિયા). સંજના અને આદિત્ય એમના લગ્નજીવનને ફરી જીવંત કરવા ઊટી જવાનું નક્કી કરે છે, કારણ કે ત્યાં જ એ બન્ને પ્રેમમાં પડ્યાં હતાં. જો કે, ત્યાં પહોંચતા જ અચાનક કેટલીક અણધરી ઘટનાઓ આકાર લેવા માંડે છે.સંજનાને એક એવી પ્રેતાત્માનો સામનો કરવો પડે છે. એ પ્રતાત્મા યુવતી ભૂતકાળમાં એના પતિ – આદિત્યના પ્રેમમાં હતી!

અહીં પ્રોફેસર અગ્નિ સ્વરૂપ (આશુતોષ રાણા)નો આ કથામાં પ્રવેશ થાય છે. અગમનિગમના જાણકાર એવા આ પ્રોફેસરની મદદથી સંજના પેલી પિશાચને દૂર કરીને પોતાની મેરેજ લાઈફ બચાવે છે.

બહુ જ સરસ રીતે પેશ કરવામાં આવેલી આ ફિલ્મનું સૌથી સબળું પાસુ હતું એનાં ગીત- સંગીત અને બિપાશાનો સેક્સી-બોલ્ડ અભિનય..

આશરે ૭૮ કરોડના ખર્ચે બનેલી આ હોરર મૂવી ૨૪૯ કરોડના બોકસ ઑફિસ કલેકશન સાથે બ્લોકબસ્ટર પુરવાર થઈ હતી. !

રાઝ : મિસ્ટ્રી કન્ટિન્યુસ
મોહિત સુરીદિગ્દર્શિત ઇમરાન હાશ્મી- કંગના રનૌત- અધ્યયન સુમન તથા જેકી શ્રોફ અભિનીત આ ફિલ્મ ‘રાઝ’ની સિકવલ તરીકે આવી. રહસ્યમય -હોરર ફિલ્મ ‘રાઝ’ ની આ બીજી કડી પણ દર્શકોને ગમી ગઈ.. બોક્સ ઓફિસ પર પણ એ હિટ રહી. બોલીવૂડની રાબેતા મુજબની હોરર ફિલ્મથી વેગળી વાર્તા – સશક્ત અભિનય તથા ગીતો આ ફિલ્મના જમા પાસા રહ્યા.

કંગના રનૌત આ ફિલ્મમાં એક યુવાન મોડેલ નંદિતા મહેરા છે.એનો પાર્ટનર છે યશ (અધ્યયન સુમન) ,જ્યારે ઇમરાન હાશ્મી છે પૃથ્વી નામનો પેન્ટર ,જે હંમેશાં એક અજાણી યુવતીનાં જ ચિત્રો બનાવે છે , જેને એ કયારેય મળ્યો નથી નંદિતા એ જ છોકરી છે જેનાં તે આટલાં વર્ષોથી પેઇન્ટિંગ કરે છે. આખરે નંદિતા -પૃથ્વી એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારપછી ઘણું બધું અણધાર્યું બનવા લાગે છે. નંદિતા એક એવા ભૂતનો ભોગ બને છે,જે એના જીવન દરમિયાન પેન્ટર પૃથ્વીના પિતા-વીર પ્રતાપ સિંહ હતા (જેકી
શ્રોફ ) હતા અને એમની હત્યા થઈ હતી.

ક્રમશ : આ કથામાં રહસ્યની સાથે હોરર ગુંથાય છે
૩)રાઝ ૩: થર્ડ ડાયમેન્સન- ત્રીજું પરિમાણ
આ ફિલ્મસુપર હિટ ‘રાઝ’ સિરીઝની ત્રીજી કડી રુપે પેશ થઈ.આ હોરર ફિલ્મ પણ દર્શકોને ભયભીત કરવામાં સફળ નીવડી. મોહિત સુરી દિગ્દર્શિત આ ફિલ્મમાં ઈશા ગુપ્તા- બિપાશા બાસુ છે. અહીં એક સફળ અભિનેત્રી શનાયા (બિપાશા બાસુ)ની વાર્તા છે, જેને ડર છે કે ફિલ્મજગતમાં નવી પ્રવેશેલી એક યુવા નવોદિત અભિનેત્રી સંજના (ઈશા ગુપ્તા) એનું સ્થાન પડાવી લેશે. આવી અસલામતી અને ઇર્ષ્યાથી પીડાતી સનાયા બ્લેક મેજિકનો આશરો લે છે અને ત્યારે જ આ કથાનાં પાત્રોનાં જીવનમાં અલૌકિક ઘટનાઓ આકાર લેવા લાગે છે. કથા બહુ ડરામણી નથી, પરંતુ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ દ્વારા આ ફિલ્મને બોલીવૂડની એક સચોટ હોરર મૂવી બનાવવામાં સફળતા મળી છે.૧૮ કરોડના બજેટમાં તૈયાર થયેલી આ ફિલ્મ ૯૭ કરોડનો ધંધો કરવામાં સુપરહિટ રહી
વધુ હોરરભરી ફિલ્મોની વાત આવતા અઠવાડિયે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button