ગેમઝોન અગ્નિકાંડની જવાળાઓમાં લપટાયા 4 અધિકારી: સાગઠિયા-ઠેબાની ઘરપકડ
રાજકોટના જધન્ય એવા TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોનાં થયેલા મોત અને તપાસના સવારથી જ ચાલેલા ધમધમાટમાં રાજકોટ મહાનગરપાલિકાના 4 અધિકારી જવાબદાર હોવાનું ફલિત થયું છે. સમગ્ર અગ્નિ કાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે ત્યારે આ ચારેય અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ ધરપકડ કરવામાં આવી છે. આ ચાર અધિકારીઓમાં TPO સાગઠિયા, ATPO મુકેશ મકવાણા,ATPO ગૌતમ જોશી, અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાનો સમાવેશ થાય છે.
ગુજરાત સરકારે,ગેમજોન કાંડમાં રચેલી SITએ પોતાનો જે પ્રાથમિક અહેવાલ આપ્યો છે તેમાં સ્થાનિક પોલીસ અને મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી ઉડીને આંખે વળગી છે. ત્યારે પોલીસે ફાયર એનઓસી ચકાસ્યા વિના જ મંજૂરી આપી દીધી હતી તો કોર્પોરેશને પણ કોઈપણ જાતના ચેકિંગ વિના ગુનાહીત બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે.TRP ગેમ ઝોનમાં ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી ગેમઝોનના સંચાલકો દ્વારા આ વખતે સીઝનમાં ખાસ નવો સ્નોપાર્ક બનાવવા માટે કામગીરી ચાલુમાં હતી અને તેના માટે જરૂરિયાત મુજબ વેલ્ડિંગ કામ કરવામાં આવી રહ્યું હતું. જેના તણખાથી આગ લાગી હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે.
બીજી તરફ, રાજ્ય સભા સાંસદ રામભાઇ મોકરિયાએ જેમનો ઉલ્લેખ કર્યો છે તે ફાયર ઓફિસર ઠેબા અને અને સાગઠિયાના ઘરે પણ ACBનું સર્ચ ઓપરેશન ચાલુ થયું છે. આવક કરતાં વધુ સંપતિ મામલે આ સર્ચ ચાલે છે. સાંસદ મોકરિયાએ મહાપાલિકાના ભ્રસ્ટ્રાચારને ઉઘાડે છોગ ઉજાગર કર્યો. તો અગાઉ કર્ણાટકના પૂર્વ રાજપાલ વજુભાઈ વાળાએ પણ રાજકોટ મહાપાલિકામાં ચાલતા વ્યાપક ભ્રસ્ટ્રાચાર પર મોટું નિવેદન આપ્યું છે. રાજકોટમાં અગ્નિકાંડ બાદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એક્શન મોડમાં આવી છે. ACBએ સ્પેશિયલ ઓપરેશન ચલાવી ભ્રષ્ટ કર્મચારીઓ પર તવાઈ પોકારી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયા અને ફાયર બ્રિગેડના ઓફિસર ઠેબાને ત્યાં ACB એ દરોડા પાડ્યા છે. રાજકોટમાં કુલ 5 જગ્યા પર લાંચ રૂશ્વત વિરોધી ખાતાના દરોડા પાડતા સનસનાટી મચી ગઈ હતી. અને માત્ર ગેંમઝોન જ નહીં પણ અલગ અલગ બાબતોમાં કરેલી કટકીઑ સાથે સંકળાયેલા અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
રાજકોટના ફાયર અધિકારી બી.જે. ઠેબાના ઘરે ACB દ્વારા તપાસ શરૂ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઉપરાંત એમ.ડી.સાગઠીયાના ઘરે પણ એસીબીએ દરોડા પાડ્યાની વાત સામે આવી છે. ખોડીયાર નગર ખાતે અધિકારીના રહેણાંક મકાનમાં ACBએ ધામા નાખ્યાં છે. એમ.ડી.સાગઠીયાના ઘરે પણ એસીબીના દરોડાની કાર્યવાહી કરાઈ છે. એમ ડી સાગઠીયાને TPOના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે.