મહારાષ્ટ્ર

RSSના વડાએ ડાબેરીઓની આ મુદ્દે કાઢી ઝાટકણી…

પુણે: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ડાબેરી વિચારધારા ધરાવનારા લોકો પર આકરા પ્રહારો કર્યા હતા. ભાગવતે કહ્યું હતું કે શાળાઓમાં નાના બાળકોને પ્રાઈવેટ પાર્ટના નામ પૂછવા એ ડાબેરી ઈકોસિસ્ટમનો હુમલો છે. સંઘ પ્રમુખે મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે ડાબેરી નેતાઓ માર્ક્સવાદના નામે દુનિયાને બરબાદ કરી રહ્યા છે. ડાબેરી વિચારધારા અને રાજનીતિના કારણે વિશ્વને વિનાશથી બચાવવાની જવાબદારી ભારતની છે. ડાબેરીઓ માત્ર હિંદુઓ કે ભારત વિરુદ્ધ નથી, પરંતુ સમગ્ર વિશ્વની વિરુદ્ધ છે.

તેમણે ગુજરાતમાં એક કેજીના વિદ્યાર્થીઓ તેમના પ્રાઈવેટ પાર્ટ વિશે જાણે છે કે કેમ તે બાબતને નો ઉલ્લેખ કરતા પુણેમાં પુસ્તક વિમોચન વખતે કહ્યું હતું કે મેં ગુજરાતની એક શાળાની મુલાકાત લીધી હતી, જ્યાં વર્ગ શિક્ષકોને એ જણાવવા માટે કહેવામાં આવ્યું છે કે કેજી-2ના વિદ્યાર્થીઓ તેમના પ્રાઈવેટ પાર્ટના નામ જાણે છે કે કેમ?

આરએસએસના વડાએ કહ્યું હતું કે આ પ્રકારના હુમલા આપણી સંસ્કૃતિની તમામ શુભ વસ્તુઓ પર કરવામાં આવી રહ્યા છે. મોહન ભાગવતે કહ્યું હતું કે અમેરિકામાં નવી સરકાર (ડોનાલ્ડ ટ્રમ્પ પછી) બન્યા પછી, પહેલો આદેશ શાળાઓ સાથે સંબંધિત હતો, જેમાં શિક્ષકોને વિદ્યાર્થીઓ સાથે તેમના લિંગ વિશે વાત ન કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ અંગે વિદ્યાર્થીઓએ જાતે નિર્ણય લેવો જોઈએ. જો કોઈ છોકરો કહે છે કે તે હવે છોકરી છે તો છોકરાને છોકરીઓ માટેના ટોયલેટનો ઉપયોગ કરવાની છૂટ આપવી જોઈએ.

ડાબેરી લોકોએ દુનિયામાં સાંસ્કૃતિક માર્ક્સવાદ શરૂ કર્યો છે. તેઓ આપણી સંસ્કૃતિ પર હુમલો કરી રહ્યા છે. માર્ક્સવાદના નામે તેઓ ખોટા આદર્શો અને સિદ્ધાંતોનો પ્રચાર કરી રહ્યા છે, જેનાથી સમાજને નૂકસાન થઈ રહ્યું છે. આ માત્ર સમાજને જ નહીં પરંતુ આપણા ઘર અને પરિવાર પર પણ ખરાબ અસર કરે છે. સામાજિક સભ્યો તરીકે, આપણે બધાએ આ બાબત વિશે જાગૃત રહેવું જોઈએ. વિશ્વને આ સંકટમાંથી મુક્ત કરવાની જવાબદારી ભારત પર જ આવવાની છે.

આ ઉપરાંત મોહન ભાગવતે સનાતન ધર્મને લઈને તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર અને ડીએમકે નેતા ઉધયનિધિ સ્ટાલિનના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું- સનાતનને તેના યોગ્ય સ્થાન પર લાવવા માટે રાક્ષસો સાથે લડાઈ ચાલી રહી છે. આ લડાઈમાં આપણે સૌએ સાથે મળીને આપણી સંસ્કૃતિ માટે ઉભા રહેવાનું છે અને વિશ્વને અંધકારમાંથી બહાર લાવવાનું છે. તેમણે દિલ્હીમાં G20ના સફળ આયોજન માટે કેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે જાતિ ભગવાને નથી બનાવી, જાતિ લોકોએ બનાવી છે જે ખોટું છે. ભગવાન માટે આપણે બધા એક જ છીએ. પહેલા આપણા સમાજમાં ભાગલા પાડીને દેશમાં હુમલા થયા, પછી બહારના લોકોએ તેનો ફાયદો ઉઠાવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button