પાલઘરમાં સૂર્યા વોટર પ્રોજેક્ટ સાઈટ માટી અને દિવાલનું માળખું તૂટી પડતા પોકલેન મશીન ઓપરેટર ફસાયો : તપાસનો આદેશ
![](/wp-content/uploads/2024/05/Unwanted-Marketing-Callsથી-હવે-મળશે-છુટકારો-22.jpg)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાલઘર જિલ્લામાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના સૂર્યા રિજનલ વોટર સપ્લાય પ્રોજેક્ટ સાઈટ પર બીજા તબક્કાના કામ દરમિયાન જમીન ધસી પડતા પોકલેન ઓપરેટર માટીના ઢગલા નીચે ફસાઈ ગયા હોવાની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનાની ગંભીરતા જોતા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. તે માટે વીજેટીઆઈના સ્ટ્રક્ચરલ એન્જિનિયરિગ વિભાગના હેડ પ્રોફેસર અભય બાંબોળેની નિમણૂક કરવામાં આવી છે. તપાસ બાદ તેનો અહેવાલ આવ્યા બાદ એમએમઆરડીએ આગળની કાર્યવાહી કરશે.
બુધવારે રાતના ૯.૩૦ વાગે પાલઘર જિલ્લામાં સાસુન નવઘર વિલેજમાં વર્સોવા બ્રિજ પાસે સૂર્યા વોટર સપ્લાય પ્રોજેક્ટ સાઈટ આ દુર્ઘટનામાં બની હતી. ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે માટી અને દિવાલનું માળખું તૂટી પડતા પોકલેન મશીન ઓપરેટ કરનારો ૩૮ વર્ષનો રિકેશ યાદવ માટીના ઢગલા નીચે ફસાઈ ગયો હતો. રિકેશની સાથે જ સુપરવાઈઝર, એન્જિનિયર સહિત છથી સાત લોકો અંદર ફસાઈ ગયા હતા. ઘટના સ્થળે લોકલ ફાયરબ્રિગેડ, પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ની ટીમ રેસ્ક્યુ ઓપરેશન માટે દોડી ગઈ હતી. રિકેશને બાદ કરતા અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે મોડે સુધી રિકેશને બહાર કાઢવાના પ્રયાસ ચાલ્યા હતા પણ ગુરુવાર મોડી સાંજ સુધી માટીના ઢગલા નીચેથી તેને કાઢવામાં સફળતા મળી નહોતી.
સાઈટ પર ટ્રીટમેન્ટ પ્લાન ઊભો કરવામાં આવી રહ્યો છે. અહીં ૪૦૩ મિલિયન લિટર પર ડે(એમએલડી) પાણી મીરા-ભાયંદર મહાનગરપાલિકા અને વસઈ-વિરાર મહાનગરપાલિકા સહિત પાલઘર જિલ્લાના ગામોને વધારાનું પાણી મળશે.
સૂર્યા વોટર સપ્લાય પ્રોજેક્ટને કારણે મુંબઈ મેટ્રોપોલિટન રિજનને મળતા પાણીપુરવઠામાં વધારો થવાનો છે. બે તબક્કામાં સૂર્યા પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે, તેમાંથી વસઈ-વિરારના પહેલા તબક્કાનું કામ પૂરું થઈગયું છે. હાલ બીજા તબક્કાનું કામ ચાલી રહ્યું છે, તે મુજબ બુધવારના ખાડી પાસે સાસૂનવધર ગામમાં વસઈ ખાડી ઓળંગવા માટે ટનલ બોરિંગ મશીનની મદદથી ટનલ માટેનું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. ટનલ બોરિંગ મશીન જમીનની નીચે ૩૨ મીટર ઊંડાઈ પર પહોંચવા માટે ખોદકામ કરી રહ્યું હતુંં. ૩૨ મીટરમાંથી ૨૦ મીટર કામ પૂરું થયું હતુ ંત્યારે અચાનક રાતના જમીન ધસી પડી હતી અને પોકલેન ઓપરેટર અંદર ફસાઈ ગયો હતો.