ઈડીના ચુકાદાથી કેજરીવાલને શું ફાયદો થશે?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
કેન્દ્ર સરકારના તાબા હેઠળની એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ કાળો કેર વર્તાવ્યો છે ને ગમે તેને ઉઠાવીને જેલમાં નાંખી દે છે ત્યારે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે કે, મની લોન્ડરિંગનો મામલો સ્પેશિયલ કોર્ટમાં પહોંચ્યો હોય તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની કલમ ૧૯ હેઠળ આરોપીની ધરપકડ કરી શકે નહીં.
આ મામલે છેલ્લી સુનાવણી ૩૦ એપ્રિલે થઈ ત્યારે સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે, સ્પેશિયલ કોર્ટે પીએમએલએ હેઠળ આરોપીને સમન્સ મોકલ્યા પછી તે હાજર થયો હોય તો આવી વ્યક્તિ સીઆરપીસી હેઠળ જામીન માટે અરજી કરી શકે ખરી? સુપ્રીમ કોર્ટે આ અંગે કોઈ ચુકાદો નહોતો આપ્યો પણ હવે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદો ટેકનિકલ છે તેથી સામાન્ય લોકોને તેનું શું મહત્ત્વ એ સવાલ થાય. આ સવાલ વ્યાજબી છે. આ ચુકાદાની અસર એ થઈ શકે કે, અરવિંદ કેજરીવાલ સહિતના પીએમએલએની કલમ ૧૩ હેઠળ ધરપકડ થઈ છે એવા આરોપીઓ માટે જામીન મેળવવાનો રસ્તો આ ચુકાદાથી ખૂલી ગયો છે.
પીએમએલએની કલમ ૧૯ કહે છે કે ઈડીને મની લોન્ડરિંગના ગુનામાં આરોપીની સંડોવણીની શંકા હોય તો તે તેની ધરપકડ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, મની લોન્ડરિંગનો કેસ સ્પેશિયલ કોર્ટમાં પહોંચી ગયો હોય ને કોર્ટે તેની નોંધ લઈ લીધી હોય પછી કોર્ટની મંજૂરી વિના ધરપકડ ના કરી શકાય.
કેજરીવાલની જામીન અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી જ રહી છે. આ કેસમાં ઈડી દ્વારા કલમ ૧૯નું જે અર્થઘટન કરાયું તેનાથી બિલકુલ વિપરીત ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો હોવાથી કેજરીવાલની નિયમિત જામીન મળવાની શક્યતા વધી ગઈ છે. અલબત્ત ઈડી કેજરીવાલ સામે નવા મજબૂત પુરાવા મૂકીને તેમને જામીન પર મુક્ત થતાં રોકી શકે છે. આ ઉપરાંત આરોપી મની લોન્ડરિંગ હેઠળ જામીન માટે અપીલ કરે ત્યારે કોર્ટે સરકારી વકીલની દલીલો સાંભળ્યા પછી સંતોષ થાય કે આ વ્યક્તિ દોષિત નથી અને બહાર જઈને ફરી આવો ગુનો કરશે નહીં તો જામીન આપી શકાય છે. કેજરીવાલના કેસમાં પણ આ બાબત લાગુ પડી શકે છે તેથી કેજરીવાલ આ ચુકાદાના કારણે છૂટી જ જશે એવું છાતી ઠોકીને ના કહી શકાય પણ જામીન મળવાની શક્યતા પ્રબળ બની છે એવું કાયદાકીય નિષ્ણાતો માને છે.
ઈડીએ પીએમએલએની કલમ ૧૯ના અર્થઘટનમાં બીજી પણ મહત્ત્વની વાતો કરી છે. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, મની લોન્ડરિંગનો આરોપી કોર્ટના સમન્સ પછી હાજર થાય તો જામીન માટે અરજી કરવાની જરૂર નથી. આ સ્થિતિમાં પીએમએલએની કલમ ૪૫ હેઠળ જામીનની શરતો પણ લાગુ પડતી નથી. કોર્ટના સમન્સ પછી જો આરોપી હાજર થાય તો ઈડીએ તેના રિમાન્ડ માટે સ્પેશિયલ કોર્ટમાં અરજી કરવી પડશે. કોર્ટ એજન્સીને ત્યારે જ કસ્ટડી આપશે જ્યારે તેને આરોપીની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે એવો સંતોષ થશે.
સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટના ચુકાદાને પડકારતી તરસેમ લાલ નામના પિટિશનરની અરજી પર આ આદેશ આપ્યો છે. તરસેમ લાલે પોતાની સામે થયેલા મની લોનડરિંગ કેસમાં જામીન માટે અરજી કરી હતી પણ હાઈ કોર્ટે આરોપીની ધરપકડ ટાળવા માટે કરાયેલી આગોતરા જામીન અરજી ૨૦૨૩ના ડિસેમ્બરમાં ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે તરસેમ લાલની દલીલોને માન્ય રાખી છે.
તરસેમ લાલે જામીન અરજીને ફગાવવાના ચુકાદાને પડકાર્યો પછી સુપ્રીમ કોર્ટે આ વર્ષે જાન્યુઆરીમાં આરોપીઓને વચગાળાના જામીન આપ્યા હતા. તરસેમ લાલ જે કેસમાં આરોપી છે એ કેસ જમીન કૌભાંડનો છે. તરસેમ લાલ સહિતના કેટલાક મહેસૂલ અધિકારીઓ પર મની લોન્ડરિંગનો આરોપ મુકાયો છે.
જસ્ટિસ અભય ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાની બેંચે પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટના ચુકાદાને ફગાવતાં કહ્યું છે કે, આરોપી કોર્ટ દ્વારા સમન્સ પાઠવ્યા બાદ હાજર થયો હોય, તો એવું માની શકાય નહીં કે તે ધરપકડ હેઠળ છે કેમ કે આરોપી કોર્ટ સમક્ષ હાજર થયો છે. આ સંજોગોમાં ઈડીએ સંબંધિત કોર્ટમાં કસ્ટડી માટે અરજી કરવાની રહેશે.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો મહત્ત્વનો છે ને આ ચુકાદાનો અર્થ એ છે કે ઈડી કોઈ વ્યક્તિની તપાસ દરમિયાન ધરપકડ ન કરે પણ પછી સ્પેશિયલ કોર્ટમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ મોકલે તો પછી આરોપીની ધરપકડ ના કરી શકે. અત્યાર લગી એવું ચાલતું રહ્યું છે કે, ઈડી આરોપીની ધરપકડ ના કરે પણ તેના કેસને લગતી વિગતો કોર્ટને મોકલે તો પછી ઈડીના અધિકારીઓ પીએમએલએ એક્ટની કલમ ૧૯ હેઠળ આપવામાં આવેલી વિશેષ સત્તાનો ઉપયોગ કરી શકતા નથી. ઈડીના અધિકારીઓ બેલગામ છે અને કોઈની સામે પીએમએલએ લગાવી દે પછી તેની વાટ લગાવી દેતા હોય છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઈડી અધિકારીઓની મનમાની પર કાબૂ મૂકશે. આ કાબૂ કેટલા સમય સુધી રહેશે એ જોવાનું રહે છે.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો મોટો છે અને કેન્દ્ર સરકાર માટે ફટકા સમાન છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને બિનઅસરકારક કરવા માટે પીએમએલએ એક્ટમાં સુધારો કરી દે એવું બને. આ પહેલાં નવેમ્બર ૨૦૧૭માં, સુપ્રીમ કોર્ટે પીએમએલએની કલમ ૪૫(૧) ને પણ અમાન્ય ઠેરવી હતી. ઈડીએ મની લોન્ડરિંગ આરોપીના જામીન માટે બે વધારાની શરતો લાદી હતી. એ વખતે કેન્દ્ર સરકારે પીએમએલએ એક્ટમાં સુધારો કરીને જૂની જોગવાઈઓ જાળવી રાખી હતી.
કલમ ૧૯ના સંદર્ભમાં પણ કેન્દ્ર સરકાર એવું કરી જ શકે. પીએમએલએ એક્ટનો ઉપયોગ રાજકીય હરીફોને પછાડવા માટે થાય છે એ જોતાં ફરી ભાજપની સરકાર આવી તો આવું થશે જ તેમાં બેમત નથી, પણ કમ સે કમ નવી સરકાર ના રચાય ત્યાં સુધી ભાજપ એવું કરી શકે એવી શક્યતા નથી. આ સંજોગોમાં કેજરીવાલને ફાયદો થઈ જાય એવું બને.
જો કે કેજરીવાલના કિસ્સામાં બધો આધાર જજના વલણ પર છે અને આપણે ત્યાં ન્યાયતંત્રમાં બેઠેલા લોકો ન્યાયપૂર્વક વર્તશે તેની ગેરંટી નથી હોતી. પોતે આપેલા ચુકાદાને સુપ્રીમ કોર્ટ ફગાવી દે એવું બનતું જ હોય છે.