સાબરકાંઠાની હરણાવ નદીમાં નાહવા પડેલા બે યુવાનોના ડૂબી જવાથી મોત

સાબરકાંઠા: રાજ્યમાં છેલ્લા એક મહિનામાં તળાવ અને નદીમાં ડુબવાથી મોતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પોળોમાં આવેલા હરણાવ નદીમાં ગઈકાલે સાંજે નાહવા પડેલા બે યુવાનોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. આ અંગે વિજયનગર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે.
આ અંગે વિજયનગર પોલીસ સ્ટેશનમાંથી મળેલ માહિતી મુજબ, વિજયનગર તાલુકાના શેડો વિસ્તારમાં BSNLના ટાવરની કામગીરી ચાલી રહી છે. ત્યારે બુધવારે પોળોમાં ટાવરની કામગીરી કર્યા બાદ 13 જેટલા શ્રમિકો હરણાવ નદીમાં સાંજે નાહવા પડ્યા હતા, જેમાં બે યુવાનો ડૂબી ગયા હતા. ત્યાર બાદ આજે સ્થાનિકો દ્વારા બંનેના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા અને વિજયનગર રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે વિજયનગર પોલીસ સ્ટેશનમાં ઈરફાન શમશેરઅલી અંસારીની જાણ આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ યુવકો ઉત્તરપ્રદેશના મિરઝાપુરના હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનિય છે કે સાવચેતી માટે સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી.
આ પણ વાંચો : ઉજની ડેમના બૅકવૉટર્સમાં ડૂબી ગયેલા છ જણના મૃતદેહ મળ્યા
ઉલ્લેખનિય છે કે મંગળવારે અરવલ્લીના બાયડમાં આવેલ ઝાંઝરી ધોધમાં 3 યુવકો ડૂબ્યા હતા. અમદાવાદના ઓઢવના ત્રણ યુવકો ઝાંઝરી ધોધમાં ન્હાવા પડ્યા હતા, જેમાંથી બે યુવકો ગુમ થયા અને એકનો આબાદ બચાવ થયો હતો. લાપતા યુવકોને શોધવા માટે NDRF તથા ફાયર વિભાગની ટીમોએ શોધખોળ શરૂ કરી હતી. અગાઉ અમરેલીમાં પણ ખાખબાઈ ગામે ધાતરવડી નદીમાં ડૂબવાથી સગીરનું મોત નીપજ્યું હતું.