લોકસભા ચૂંટણી 2024ના સાતમા તબક્કામાં 7 રાજ્યોની કુલ 57 બેઠકો માટે 1 જૂને મતદાન, 904 ઉમેદવારો મેદાનમાં

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના છ તબક્કાના મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. સાતમા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર ગુરુવારે સાંજે (30 મે) સમાપ્ત થશે. સાતમા રાઉન્ડમાં કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ અને સાત રાજ્યોની કુલ 57 બેઠકો માટે 1 જૂને મતદાન છે. આ રાજ્યોમાંથી કુલ 904 ઉમેદવારો મેદાનમાં છે. જે બેઠકો પર મતદાન થવાનું છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અભિનેત્રી કંગના રનૌત, TMC મહાસચિવ અભિષેક બેનર્જી, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને ભોજપુરી કલાકાર પવન સિંહની બેઠકો પણ સામેલ છે.
નરેન્દ્ર મોદીઃ ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક આ ચૂંટણીની સૌથી ચર્ચિત બેઠક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત અહીંથી ભાજપના ઉમેદવાર છે. કોંગ્રેસે ફરી એકવાર પોતાના પ્રદેશ અધ્યક્ષ અજય રાયને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે બસપાએ અતહર જમાલ લારીને પોતાનો ચહેરો બનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019ની લોકસભા ચૂંટણી ભાજપ તરફથી લડી હતી. તેમની સામે કોંગ્રેસે અજય રાયને અને સપાએ શાલિની યાદવને મેદાનમાં ઉતાર્યા હતા. પરિણામો બીજેપીની તરફેણમાં આવ્યા અને અહીં વડાપ્રધાને સપાના શાલિની યાદવને 4,79,505 મતોના જંગી માર્જિનથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને 6,74,664 વોટ, સપાના ઉમેદવાર શાલિનીને 1,95,159 વોટ અને કોંગ્રેસના અજય રાયને 1,52,548 વોટ મળ્યા હતા. ગત ચૂંટણીમાં વારાણસીમાં કુલ 57.13% લોકોએ મતદાન કર્યું હતું.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણી 2024: ક્યારે જાહેર થશે એક્ઝિટ પોલ, કોના પર રહેશે નજર?, જાણો
કંગના રનૌત: આ ચૂંટણીમાં ઉતરેલા ઉમેદવારોમાં સેલિબ્રિટી અભિનેત્રી કંગનાની ચર્ચામાં રહી છે. ભાજપની ઉમેદવાર કંગના હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી ચૂંટણી લડી રહી છે. તેની સામે કોંગ્રેસે વિક્રમાદિત્ય સિંહ મેદાને છે. આ સીટથી સાંસદ રામસ્વરૂપ શર્માનું 2021માં નિધન થતા ખાલી થતા આ સીટ પર પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસના પૂર્વ સીએમ વીરભદ્ર સિંહની પત્ની પ્રતિભા સિંહ સાંસદ બન્યા હતા.
ઉપેન્દ્ર કુશવાહા vs પવન સિંહ: બિહારની કારાકાટ સીટ આ ચૂંટણીમાં ચર્ચામાં રહી છે. રાષ્ટ્રીય લોકમોર્ચા (રાલોમો)ના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા અહીંથી એનડીએ ગઠબંધનના ઉમેદવાર છે. જ્યારે ઈન્ડિયા ગઢબંધનના ઉમેદવાર તરીકે રાજા રામ સિંહ ઉતર્યા છે. તે ઉપરાંત અપક્ષ ઉમેદવાર તરીકે ભોજપુરી કલાકાર પવનસિંહના કારાકાટની લડાઈ રસપ્રદ બનાવી દીધી છે. વર્ષ 2019માં અહીંથી જદયુના મહાબલી સિંહને જીત મળી હતી. ગત ચૂંટણીમાં કારાકાટ સીટ પર 49.09% લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
અભિષેક બેનર્જીઃ પશ્ચિમ બંગાળની ડાયમંડ હાર્બર લોકસભા સીટ પણ લોકપ્રિય સીટોમાં સામેલ છે. TMCએ અહીં પાર્ટીના મહાસચિવ અને વર્તમાન સાંસદ અભિષેક બેનર્જીને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. બીજી તરફ ભાજપે અભિજીત દાસ (બોબી)ને ટિકિટ આપી છે. દાસ ભાજપના દક્ષિણ 24 પરગણા જિલ્લા એકમના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે. આ સિવાય સીપીઆઈ(એમ)ના યુવા નેતા પ્રતિકુર રહેમાન પણ મેદાનમાં છે. ગત ચૂંટણીમાં ટીએમસીના અભિષેક બેનર્જી આ સીટ પરથી જીત્યા હતા. 2019ની ચૂંટણીમાં, ડાયમંડ હાર્બરમાં 81.98% લોકોએ મતદાન કર્યું હતું.