અગ્નિકાંડ જેવા ગંભીર પ્રકરણમાં ત્રણ લોકો ગુમ હોવાની ખોટી ફરિયાદ કરનાર સામે ફરિયાદ નોંધાઈ

રાજકોટ : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં થયેલા મોતને લઈને સરકારનો સત્તાવાર આંકડો બહાર આવ્યો છે. સરકારે એક મહત્વનું નિવેદન કર્યું છે. સરકારે એક પ્રેસ રિલિઝ જાહેર કરીને દુર્ઘટનામાં આજસુધી કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી આપી હતી. સરકારે આ દુર્ઘટનામાં હાલ 27 મૃતદેહોના DNA મેચ કર્યા બાદ તેમના પરિવારજનોને મૃતદેહો સોંપી દીધા છે, જ્યારે હાલ એક પણ વ્યક્તિ ગુમ હોય તેવી માહિતી નથી. આવા ગંભીર બનાવમાં ત્રણ વ્યક્તિ ગુમ હોવાની ખોટી ફરિયાદ કરનાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
હિતેશભાઈ ઉર્ફે વિજયભાઇ પંડયાએ આ દુર્ઘટના સર્જાય તે બાદ તેના ભાણેજ તથા તેના જૂના પાડોશીના બે સંતાનો મળીને કુલ ત્રણ વ્યક્તિ ગુમ હોય તેવી ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસ તેમની વિગતો ચકાસતા આ બાબત ખોટી જણાતાં આ વ્યક્તિ વિરુદ્ધ IPCની કલમ 211 હેઠળ FIR દાખલ કરવામાં આવી છે.
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ સર્જાયા બાદ હિતેશભાઈ ઉર્ફે વિજયભાઇ પંડયા દ્વારા મિસિંગના નામ લખાવ્યા હતા. આ ફરિયાદ ખોટી સાબિત થતાં તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. વિજયભાઇના પરિવારના સભ્યો ઘરે જ હોવા છતાં તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમનો ભાણેજ પ્રિયાંશ જાની અને તેના જૂન પાડોશીના બે સંતાનો ગેમઝોન ખાતે ગયા બાદ પરત ફર્યા નથી.
આફતના કપરા સમયે પ્રજાજનો અને પોલીસ ને સહકાર અને મદદ કરવાના બદલે પોલીસને જ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા તે ફરિયાદ ખોટી સાબિત થઈ હતી. આરોપી હિતેશ ઉર્ફે વિજય પંડ્યા એ પોલીસને કહ્યું, બીજા મિસિંગ લખાવતા હતા તો મેં પણ મિસિંગ લખાવ્યું! પ્રદ્યુમન નગર પોલીસ મથક ખાતે આઇપીસી 211 મુજબ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.