ઇન્ટરનેશનલ

ઇરાન-પાકિસ્તાન ફરી આમનેસામને, ઇરાની સેનાએ ચાર પાકિસ્તાનીને ઠાર કર્યા

ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના નિધન બાદ પાકિસ્તાન અને ઈરાન ફરી એક બીજાની સામે આવી ગયા છે. ઈરાની સેનાના ગોળીબારમાં 4 પાકિસ્તાનીઓના મોતથી બંને દેશો વચ્ચે ફરી તણાવ વધી ગયો છે.

પાકિસ્તાનના અશાંત દક્ષિણ-પશ્ચિમ પ્રાંત બલૂચિસ્તાનમાં મંગળવારે મોડી રાત્રે ઈરાની સેના દ્વારા પાકિસ્તાનીઓના એક જૂથને લઈ જઈ રહેલા વાહન પર ગોળીબાર કરતા ચાર પાકિસ્તાનીઓ માર્યા ગયા હતા અને બે ઘાયલ થયા હતા. એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓમર જમાલીએ આ વાતની પુષ્ટિ કરી હતી કે પાકિસ્તાન-ઈરાન સરહદ નજીક વાશુક જિલ્લામાં ગોળીબાર થયો હતો. વાશુકના ડેપ્યુટી કમિશનર નઈમ ઉમરાણીએ જણાવ્યું હતું કે ફાયરિંગ પાછળનું કારણ જાણવા માટે તપાસ કરવામાં આવશે.

ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ઉતાર-ચઢાવનો ઈતિહાસ છે, પરંતુ જાન્યુઆરીમાં પાકિસ્તાનમાં થયેલા મિસાઇલ અને ડ્રોન હુમલા બાદ બંને દેશો વચ્ચેની પરિસ્થિતિ ઘણી તંગ બની ગઇ હતી. પાકિસ્તાને તેહરાન ખાતેના પોતાના રાજદૂતને પરત બોલાવ્યા હતા અને ઇરાની રાજદૂતને ઇસ્લામાબાદ પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. આ તણાવને ઓછો કરવા માટે ઇરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી પાકિસ્તાનના ઈસ્લામાબાદ ગયા હતા. તણાવ ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે, બંને દેશોએ ખાતરી આપી હતી કે તેઓ એકબીજાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરશે. જો કે, પાકિસ્તાનથી પરત ફર્યાના થોડા દિવસો બાદ જ તે અઝરબૈજાનના પ્રવાસે ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે તેમનું હેલિકોપ્ટર ખરાબ હવામાનમાં પહાડીઓમાં ફસાઈને ક્રેશ થયું હતું અને તેમનું મૃત્યુ થયું હતું. ઈબ્રાહિમ રાયસીએ એવા સમયે પાકિસ્તાન જઈને બંને દેશો વચ્ચેના સંબંધો પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે ઈરાન અને પાકિસ્તાને એકબીજા પર હવાઈ હુમલા કર્યા હતા.

ઇરાનના ફાયરિંગથી પાકિસ્તાન ચોંકી ગયું છે. આ ફાયરિંગ શા માટે કરવામાં આવ્યું તે સ્પષ્ટ નથી થયું. તેહરાન અથવા પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

નોંધનીય છે કે પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંત બલુચિસ્તાન અને ઈરાનના દક્ષિણ-પૂર્વ પ્રાંત સિસ્તાન-બલુચિસ્તાનમાં આતંકવાદી જૂથો સક્રિય છે. બંને વિસ્તારો આંતકવાદીઓથી ભરેલા, ખનિજથી સમૃદ્ધ અને મોટાભાગે અવિકસિત છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button