SBI લોકોના ઘરે મોકલશે ચોકલેટ, પણ પ્રાર્થના કરો કે તમારા ઘરે ન આવે એ ચોકલેટનું બોક્સ!
દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઇ એક નવી પહેલ કરી રહ્યું છે. બેન્કના જેટલા રિટેલ ફોનધારકોની EMI ચૂકવણીમાં ડિફોલ્ટર જાહેર થવાની સંભાવના હોય તે ગ્રાહકોને હપતા ચૂકવણીનું યાદ કરાવવા માટે SBI એવા લોકોના ઘરે ચોકલેટ મોકલશે. જો કે આ પ્રયોગ હજુ પ્રારંભિક તબક્કે છે અને જો સફળ થાય તો તેની ઔપચારિક જાહેરાત પણ કરવામાં આવશે.
બેન્કના એવા ઘણા ગ્રાહકો છે જે લોન લે છે પરંતુ સમયસર EMI ચૂકવવા માટે સક્ષમ નથી. આવા ગ્રાહકો બેન્કના રિમાઇન્ડર કોલના પણ જવાબ આપતા નથી. આથી હવે બેન્ક તેમને સમયસર ચુકવણીની યાદ અપાવવા ચોકલેટના બોક્સ સાથે જરૂર પડે તો અધિકારીઓને પણ મોકલશે.
હાલના સમયમાં બેંકિંગ ઉદ્યોગમાં રિટેલ લોનમાં ઘણો વધારો થયો છે. ઉપરાંત છેલ્લાં દોઢ વર્ષમાં વ્યાજના દરમાં પણ ખાસ્સો વધારો થઈ ગયો છે. આવી સ્થિતિમાં, તમામ બેંકો EMI અને ચુકવણી માટે વિવિધ પ્રકારના અભિયાન ચલાવી રહી છે. SBIની આ ચોકલેટ સ્કીમ પણ વધુ સારી રિકવરી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ છે.
કેટલાક મીડિયા અહેવાલો મુજબ એસબીઆઈનો રિટેલ લોન પોર્ટફોલિયો જૂન ક્વાર્ટરમાં 16.46 ટકા વધીને 10,34,111 કરોડ થયો હતો. આમ, રિટેલ એ તેના માટે સૌથી મોટો એસેટ ક્લાસ છે. તેની કુલ લોન બુક 33,03,731 કરોડની છે, જેમાં 13.9 ટકાનો વધારો થયો હતો. આમ તો સમગ્ર બેન્કિંગ સિસ્ટમમાં જૂન ક્વાર્ટરમાં સરેરાશ 16 ટકા લોન ગ્રોથ જોવાયો છે, જેમાં રિટેલ લોનનું પ્રમાણ વધારે છે.