અગ્નિકુલ કોસમોસે પ્રથમ ટેસ્ટ ફ્લાઇટમાં અગ્નિબાનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું
ભારતના ખાનગી અવકાશ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપ અગ્નિકુલ કોસ્મોસે તેનું SOrTeD મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું, જે અર્ધ ક્રાયોજેનિક 3D-પ્રિન્ટેડ એન્જિન દ્વારા સંચાલિત સિંગલ-સ્ટેજ પ્રક્ષેપણ વાહન પ્રદર્શન છે. આશરે બે મિનિટ સુધી ચાલેલું આ મિશન કંપની અને દેશ માટે સ્વદેશી સ્પેસ ટેક્નોલોજીના વિકાસમાં એક મોટી સિદ્ધિ છે. ISRO એ ચેન્નઈ સ્થિત સ્પેસ સ્ટાર્ટ-અપને અભિનંદન પાઠવ્યા છે, અને લોન્ચને “મુખ્ય સીમાચિહ્નરૂપ” ગણાવ્યું છે.
આ ટેસ્ટ પ્રક્ષેપણ અગાઉ મંગળવારના રોજ થવાનું હતું, પરંતુ કેટલાક ટેકનિકલ કારણોસર લોન્ચિંગ બે વાર મોકૂફ રાખવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ મહિનામાં ચોથી વખત દેશના બીજા પ્રાઈવેટ રોકેટનું લોન્ચિંગ રદ કરવામાં આવ્યું હતું. મંગળવારે સવારે 5.45 કલાકે રોકેટ પ્રક્ષેપણ થવાનું હતું, પરંતુ ટેક-ઓફની માત્ર 5 સેકન્ડ પહેલાં, લોન્ચને હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું અને પછી લોન્ચને રદ કરવામાં આવ્યું હતું.
અગ્નિકુલ કોસ્મોસનું અગ્નિબાન રોકેટ બે તબક્કાનું રોકેટ છે. આ રોકેટ 700 કિમીની ઉંચાઈ સુધી પહોંચવામાં અને 300 કિલોગ્રામ સુધીનું પેલોડ વહન કરવામાં સક્ષમ છે. આ પહેલા વર્ષ 2022માં સ્કાયરૂટ કંપનીએ ઈસરોની લોન્ચ સાઇટ પરથી ભારતનું પ્રથમ પ્રાઈવેટ રોકેટ લોન્ચ કર્યું હતું.