નવી દિલ્હી : ભારત સરકાર દ્વારા નારરિકતા સંશોધન અધિનિયમ (CAA) હેઠળ બંગાળ,હરિયાણા અને ઉત્તરાખંડમાં નાગરિકતા આપવાનો પ્રારંભ કરી દીધો છે. 2019ના વર્ષે ડિસેમ્બર માસમાં ભારત સરકારે ધાર્મિક અત્યાચારોને લઈને 31 ડિસેમ્બર 2014 અથવા તે પહેલા ભારત આવી ગયેલા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના હિન્દુ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકોને ભારતીય નાગરિકત આપવા માટે CAA લાગુ કરવામાં આવ્યું હતું.
મંત્રાલયે તેના એક નિવેદનમાં કહ્યું હતું કે પ. બંગાળ, ઉત્તરાખંડ અને હરિયાણાની સત્તા પ્રાપ્ત સમિતિઓએ બુધવારે આ ત્રણેય રાજ્યોના અરજદારોને નાગરિકતા આપી હતી. આ બિલ લાગુ થયા બાદ દિલ્હીની સતા પ્રાપ્ત સમિતિએ પ્રથમ વખત ભારતીય નાગરિકતા આપી છે. કેન્દ્રીય ગૃહ સચિવે 15 મેના રોજ દિલ્હીમાં એક કાર્યક્રમ યોજીને લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્રો આપ્યા હતા.
CAA અંતર્ગત નાગરિકતા પ્રમાણપત્રો આપવાનો બીજો હપ્તો બુધવારે બહાર પાડવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાની પહેલા આ કામગીરી કરવામાં આવી હતી. કાયદાને ચાર વર્ષના વિલંબ બાદ લાગુ કરવામાં આવ્યો છે. CAAના નિયમો મુજબ પહેલા તેની અરજી કરવામાં આવે, ત્યારબાદ જિલ્લા સ્તરની સમિતિ તપાસશે અને તેના પછી રાજ્ય સ્તરની સમિતિ તપાસશે. આ પ્રક્રિયા એક ઓનલાઈન પોર્ટલના માધ્યમથી થઈ રહી છે.
આ બિલને લઈને દેશના અનેક રાજ્યોમાં વિરોધ થયો હતો. આ બિલને લઈને આરોપ મૂકવામાં આવ્યો હતો કે આ બિલ ધર્મના આધારે નાગરિકતા આપે છે અને આથી તે ભારતીય સંવિધાનની મૂળભૂત ભાવનાનું હનન છે. આ બિલના વિરોધમાં પોલીસ સાથેના ઘર્ષણમાં 100 લોકોના મોત પણ થયા છે.