ટોપ ન્યૂઝનેશનલ

Delhi@52: આંકડા સાચા કે ખોટા, સરકારે આપ્યા તપાસના આદેશ


નવી દિલ્હીઃ કાળઝાળ ગરમીને કારણે સમગ્ર ભારત ભઠ્ઠીની જેમ બળી રહ્યું છે. દિલ્હીમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. બુધવારે દેશની રાજધાનીમાં તાપમાન 52 ડિગ્રીને પાર કરી ગયું હોવાના અહેવાલોએ સૌને ચોંકાવી દીધા છે. બુધવારે દિલ્હીના મુંગેશપુરમાં મહત્તમ તાપમાન 52.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે શહેરમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે.

ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે તે કોઈપણ સંભવિત ભૂલો માટે આ વિસ્તારના હવામાન સ્ટેશનોમાંથી સેન્સર અને ડેટાની તપાસ કરી રહ્યું છે. ખુદ કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ પણ આ આંકડા પર સવાલ ઉઠાવ્યા છે. IMD એ પછી સ્પષ્ટતા કરી કે મુંગેશપુરમાં 52 ડિગ્રી સેલ્સિયસથી વધુનું મહત્તમ તાપમાન સેન્સરની ભૂલ અથવા સ્થાનિક પરિબળોને કારણે નોંધાયું હોવાની પણ શક્યતા છે. આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.


કોઈએ કલ્પના પણ કરી ન હતી કે દિલ્હીમાં રણ વિસ્તારોમાં જેવી ગરમીનો અનુભવ થશે. બુધવારે સ્થિતિ એવી હતી કે દિલ્હી દુબઈ કરતાં વધુ ગરમ હતું. દિલ્હીના ઈતિહાસમાં આ સૌથી ગરમ દિવસ હતો. રાજધાની અને ઉત્તર ભારતના મોટા ભાગો છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમીની ઝપેટમાં છે. દિલ્હીના ઓછામાં ઓછા ત્રણ વેધર સ્ટેશન – મુંગેશપુર, નરેલા અને નજફગઢ મંગળવારે પણ 50 ડિગ્રી સેલ્સિયસની આસપાસ તાપમાન નોંધાયું હતું.


ભારતીય હવામાન વિભાગ (IMD)ના ડેટા અનુસાર, દિલ્હીના પ્રાથમિક વેધર સ્ટેશન સફદરજંગ ઓબ્ઝર્વેટરીમાં બુધવારે મહત્તમ તાપમાન 46.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે 79 વર્ષમાં સૌથી વધુ છે. 17 જૂન, 1945ના રોજ તે 46.7 ડિગ્રી સેલ્સિયસ હતું. મુંગેશપુરમાં 52 ડિગ્રીથી વધુ તાપમાન અંગે IMDએ કહ્યું કે તે વિસ્તારના હવામાન કેન્દ્રના સેન્સર અને ડેટાની તપાસ કરી રહ્યું છે. માહિતી અનુસાર, શહેરના અન્ય વિસ્તારોમાં પણ તાપમાનોનો પારો ઊંચો જ હતો.

મહત્તમ તાપમાન નજફગઢમાં 49.1 ડિગ્રી સેલ્સિયસ, પુસામાં 49 ડિગ્રી સેલ્સિયસ અને નરેલામાં 48.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આઈએમડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દિલ્હી-એનસીઆરમાં મહત્તમ તાપમાન શહેરના વિવિધ ભાગોમાં 45.2 ડિગ્રી સેલ્સિયસથી 49.1 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે છે. અન્ય સ્ટેશનોની સરખામણીમાં મુંગેશપુરમાં 52.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

આ સેન્સરની ભૂલ અથવા સ્થાનિક પરિબળોને કારણે હોઈ શકે છે. IMD ડેટા અને સેન્સરની તપાસ કરી રહ્યું છે.
જોકે માત્ર દિલ્હી નહીં, દેશના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ છે અને લોકો લૂનો શિકાર બની રહ્યા છે. બીમારી અને મૃત્યુના આંકડા પણ ચિંતાજનક છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત