નેશનલ

તમારા રાજ્યમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, દેશભરમાં કેવી રહેશે મેઘમહેર? જાણો

નવી દિલ્હી: દેશના ઘણા ભાગો કાળઝાળ ગરમી અને હીટ વેવની ઝપેટમાં છે. છેલ્લા ઘણા દિવસોથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, યુપી, પંજાબ અને હરિયાણામાં ભીષણ ગરમી પડી રહી છે. કેટલાક રાજ્યોમાં તાપમાન 50 ડિગ્રીને પાર કરી ગયું છે. બીજી તરફ દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદથી રાહત મળી છે. આસામમાં રામલ વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને પૂરની સ્થિતિ સર્જાઈ છે.

જ્યારે ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમી અને હીટ વેવથી ત્રસ્ત રાજ્યોના લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે. સારા સમાચાર એ છે કે હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસું આવતીકાલે એટલે કે 30મી મેના રોજ કેરળમાં પ્રવેશ કરશે. આગામી દિવસોમાં લોકોને ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું આગામી 24 કલાકમાં કેરળમાં પહોંચશે કારણ કે ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ રહેશે.

સામાન્ય રીતે દર વર્ષે જૂન મહિનામાં દેશમાં ચોમાસાનો પ્રારંભ થાય છે અને 15મી જુલાઈની આસપાસ સમગ્ર દેશમાં પ્રસરી જાય છે. ચોમાસું સૌપ્રથમ 22મી મે સુધીમાં આંદામાન નિકોબાર થઈને દેશમાં પ્રવેશે છે અને 1લી જૂને કેરળ પહોંચે છે, પરંતુ આ વખતે ચોમાસું સામાન્ય કરતાં ત્રણ દિવસ વહેલું એટલે કે 19મી મેના રોજ સમય કરતાં પહેલાં આંદામાન નિકોબારમાં પહોંચ્યું છે. તે પછી કેરળ પહોંચે છે. કેરળની વાત કરીએ તો અહીં ચોમાસાના પ્રવેશની સામાન્ય તારીખ 1 જૂન છે, પરંતુ આ વખતે ચોમાસું કેરળમાં 30 મેના રોજ જ પ્રવેશી રહ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસાનો સારો વરસાદ જોવા મળશે. દર વર્ષની સરખામણીમાં આ વખતે ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં થોડું સારૂ રહે તેવી શક્યતા છે. દેશના ઘણા રાજ્યોમાં ગરમીથી ત્રસ્ત લોકો હવે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે હવે ગરમી ચરમસીમાએ છે અને વાદળોની સાથે ભારે વરસાદની પણ જરૂર છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસાના વહેલા આગમન અને વધુ સારા વરસાદની શક્યતા પાછળનું કારણ એ છે કે દેશમાં અલ નીનો સિસ્ટમ નબળી પડી રહી છે અને લા નીના ઈફેક્ટ એક્ટિવ બની રહી છે, જે આ વર્ષે સારા વરસાદ માટે અનુકૂળ છે. આ સાથે જ લા-નીના અને આઈઓડીની સ્થિતિ પણ આ વર્ષે સારા ચોમાસા અને સારા વરસાદ માટે સાનુકૂળ બની રહી છે, જેના કારણે ભારે વરસાદની વધુ સારી શક્યતાઓ સર્જાઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button