Team India in T20 World Cup : રોહિત શર્મા ઍન્ડ કંપનીની ‘નાઇટ-ક્રિકેટ’ પછી હવે ‘ડે મૅચ’: અસહ્ય ગરમી પછી હવે ‘કૂલ…કૂલ’
ન્યૂ યૉર્ક: ભારતીય ક્રિકેટરો બે મહિના સુધી આઇપીએલમાં (મોટા ભાગની) નાઇટ મૅચોમાં રમ્યા ત્યાર પછી હવે તેમણે અમેરિકામાં ચારેય લીગ મુકાબલામાંં દિવસે જ રમવાનું છે એટલે ફરી એ પ્રકારના વાતાવરણમાં રમવાની આદત તેમણે પાડવી પડશે. બીજું, ભારતમાં આઇપીએલ દરમ્યાન માર્ચ-એપ્રિલ-મેની (30થી 40 ડિગ્રીની) કાળઝાળ ગરમીમાં આપણા ખેલાડીઓએ રમવું પડ્યું હતું, જ્યારે હવે તેમણે તદ્દન ભિન્ન હવામાનમાં એટલે કે ન્યૂ યૉર્ક તથા ફ્લોરિડાના લૉડરહિલ શહેરમાં ખૂબ ઠંડા વાતાવરણમાં રમવું પડશે. આ બે શહેરોમાં હવામાન 25થી 27 ડિગ્રી હશે અને ભેજનું પ્રમાણ પણ ખૂબ ઓછું હશે.
ભારતમાં આઇપીએલની મોટા ભાગની (90 ટકા) મૅચો સાંજે 7.30 વાગ્યે શરૂ થઈ હતી અને મોડી રાત સુધી ચાલી હતી. અમેરિકામાં ભારતની ચારેય લીગ મૅચ સવારે 10.30 વાગ્યે શરૂ થશે. બન્ને દેશ વચ્ચેના સમય વચ્ચે મોટું અંતર હોવાથી ન્યૂ યૉર્ક અને લૉડરહિલમાં સવારે સાડાદસે શરૂ થનારી મૅચ ભારતમાં રાત્રે 8.00 વાગ્યાથી લાઇવ જોઈ શકાશે. ભારતીયો અગાઉ લૉડરહિલમાં કૅનેડા સામેની ક્રિકેટ મૅચો રમી ચૂક્યા હોવાથી ત્યાંના વાતાવરણથી વાકેફ છે.
ભારતના મોટા ભાગના ખેલાડીઓ અમેરિકા પહોંચી ગયા છે. વિરાટ કોહલીએ બેન્ગલૂરુની રાજસ્થાન સામેની પ્લે-ઑફ મૅચ પછી બીસીસીઆઇ પાસે બ્રેક માગ્યો હતો. તે અંગત કારણસર અમેરિકા મોડો પહોંચવાનો છે. એટલે તે લાંબા વિમાનીપ્રવાસ બાદ શનિવારે ભારતની બાંગલાદેશ સામેની એકમાત્ર વૉર્મ-અપ મૅચમાં રમશે કે નહીં એ નક્કી નથી.
ભારતીયોએ કૂકાબૂરા બૉલથી રમવાનું છે અને થોડા પવનમાં પણ આ બૉલનો સામનો કરવો તેમના માટે પડકારરૂપ બની જશે.
કૅપ્ટન રોહિત શર્મા અને વાઇસ-કૅપ્ટન હાર્દિક પંડ્યા તેમ જ રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ તથા બીજા ખેલાડીઓએ બુધવારે થોડું જૉગિંગ કર્યું હતું, રાબેતામુજબનું રનિંગ કર્યું હતું તેમ જ તેઓ થોડું ફૂટ વૉલી (એક પ્રકારની રમત) રમ્યા હતા.
આ પણ વાંચો :T20 World Cup: ટીમ ઇન્ડિયા Team Indiaના પ્રથમ બૅચના ખેલાડીઓ ન્યૂ યૉર્ક જવા રવાના થયા, પણ હાર્દિક એમાં ન દેખાયો!
ભારતીય ખેલાડીઓએ ટીમના સ્ટ્રેન્ગ્થ ઍન્ડ કન્ડિશનિંગ કોચ સોહમ દેસાઈના કોચિંગમાં વર્કઆઉટ કર્યા હતા તેમ જ હળવું રમ્યા હતા.
ભારતની પ્રથમ મૅચ પાંચમી જૂને (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી) ન્યૂ યૉર્કમાં આયરલૅન્ડ સામે રમાશે. ત્યાર બાદ નવમી જૂને એ જ સ્થળે ભારત-પાકિસ્તાન વચ્ચે (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી) મુકાબલો થશે. 12મી જૂને ન્યૂ યૉર્કમાં જ ભારત અને અમેરિકા વચ્ચે તથા 15મી જૂને લૉડરહિલમાં ભારત અને કૅનેડા વચ્ચે મુકાબલો થશે.