કયામત: ન્યાયના દિવસે ઈન્સાન શું બહાનું બતાવશે?
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી
તૌબા (પ્રાયશ્ર્ચિત) એક એવો શબ્દ છે જે રોજિંદી ઈબાદતમાં પણ લેખાય છે અને મહાન સર્જનહાર અલ્લાહની મહેરબાનીઓમાંનો એક અહમ (મહત્ત્વ)નો હિસ્સો પણ છે અને તેની અસીમ કૃપાઓનો ઘણો સુંદર દરવાજો છે, જેને ખુદાએ પોતાના બંદાઓ માટે હંમેશાં ખુલ્લો રાખ્યો છે. જો એ રહમત (ઈશ્ર્વરીયદયા)નો દરવાજો બંધ હોત તો ફલાહ (કામિયાબી) અને સફળતા કોઈના પણ ભાગે ન આવી શકત. કારણ સ્પષ્ટ છે, ઈન્સાનનું જીવન અપવિત્રતાઓ અને ખતાઓ (ભૂલો) સાથે સંકળાયેલું છે. જે રીતે માનવી પોતાના અવયવોને તેમ જ મનને જુદી જુદી નાપાકીઓમાં ડુબાડેલું રાખે છે, તે ખાસ અંગો-અવયવો સિવાય કે અલ્લાહે જ જેની હિફાઝત (રક્ષા) ફરમાવી છે. સારાંશ કે ઈન્સાન એ છે જે પોતાને ખતાઓથી બચાવી શકે છે. પરંતુ અફસોસ! એવો કોઈ શખસ નહીં મળે કે જેણે શરૂઆતથી જ પોતાની પવિત્ર ફિતરત (જન્મજાત ટેવ) કે પ્રાકૃતિક સ્વભાવને જાળવી રાખ્યો હોય અને તેથી જ મહાન કૃપાળુ, દયાળુ અલ્લાહ પાકે તૌબાને અંતરની માંદગી અને દિલની બીમારીઓની દવા અને બુરા કામોથી પવિત્ર-પાક કરવાનું સાધન ઠેરવી છે, તૌબાની બરકતથી ઈન્સાનના ગુનાઓ – પાપો ધોવાઈ જાય અને તેને અબદી કિંવા નજાત (મોક્ષ, છુટકારો) મળી જાય.
- ખુશનસીબ છે તે બંદો જેણે રહમતના દરવાજાઓની કિંમત પિછાણી, કદર કરી અને તેનો લાભ લઈને ખુદાનો સૌથી મેહબુબ (પ્રિય) બંદો બન્યો અને તેની અપાર નેઅમતો (કૃપાઓ)નો શુક્ર (આભાર) કરનાર બંદો બની ગયો.
- બદ્કિસ્મત છે તે જેણે દયાના દરવાજાથી મેહરૂમ (વંચિત) રહ્યો જ્યારે કે તવબહના માર્ગો દલીલ પૂરી થવા સારું ઉઘાડા રહ્યાં હોય.
કયામત (ન્યાય)ના દિવસે ઈન્સાન હિસાબ-કિતાબ અને સવાલ-જવાબના સમયે બહાનું બતાવશે અને કહેશે કે, હે પરવરદિગાર! હું અજાણ અને બેખબર હતો અને સેતાનના વસવસાઓના મુકાબલામાં અડગ રહી ન શક્યો, ત્યારે તેના તમામ લુલા બહાનાઓનો જવાબ એ આપવામાં આવશે કે શું અમે તારા માટે તૌબા – પ્રાયશ્ર્ચિતના માર્ગો ખુલ્લા રાખ્યા નહોતા? શું તને સખત કામો સોંપવામાં આવ્યાં હતા અને તને તારી શક્તિ-તાકાત બહારનું કોઈ કામ કરવાનું કહેવામાં આવ્યું હતું? શું તવબહની શરતો તારી શક્તિ બહારની હતી?
તૌબા સંબંધી કેટલાંક કથનો નસીહત આપનારા બની રહેવા પામશે: - પયગંબરે ઈસ્લામ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહો અલયહિ વઆલિહી વસલ્લમ (અલ્લાહ આપને તથા આપના પરિવાર – વંશજો પર પોતાના આશીર્વાદ મોકલે – શાંતિ અર્પે) ફરમાવે છે કે – ‘ગુનાહ પર શરમીન્દહ થવું તૌબા (ક્ષમાની યાચના) છે.’
- હઝરત ઈમામ મુહંમદ બાકિર રદ્યિલ્લાહો અન્હો (અલ્લાહ આપના પર રાજી રહે, ખુશ રહે) ફરમાવે છે કે – ‘તવબહને માટે માત્ર પોતાના કામ પર ઉસૂલે કાફી (પસ્તાવો કરવો) પૂરતું છે.’
- હઝરત ઈમામ જાફર સાદ્કિ (રદ્યિલ્લાહો અન્હો)નું કથન છે કે – ‘એવો કોઈ માણસ નથી કે જે પોતાના કામો પર નાદિમ (પસ્તાવો-અફસોસ) થયો હોય અને ખુદાપાકે તેને બખ્શી દીધો ન હોય!’ આમ છતાં તૌબા સામે આંખ આડા કાન કેમ?
વ્હાલા ગુનેહગાર ઉમ્મતિઓ! આપણે સૌ સંસારી જીવ છીએ. જગતનો માહોલ (વાતાવરણ) દર્શાવે છે કે આ કયામતના સંકેત તો નથી? આપણે અલ્લાહની ઉમ્મત-(અનુયાયી, પ્રજા) છીએ. જાણ્યે-અજાણ્યે આપણાથી ગુનાહ થઈ જાય છે પણ અલ્લાહતઆલાએ તે બદલ તવબહના માર્ગ ખોલી રાખ્યા છે. સાચા મનથી, ફરી ન કરવાના દૃઢ નિર્ણયથી પ્રાયશ્ર્ચિત કરતા રહેનારને સચ્ચાઈ પર ચાલવાનો માર્ગ મળી જાય છે જ. બંદો જ્યારે પણ પોતાના કાર્યો પર પશેમાન (શરમિંદો) થઈને ખતાઓ – ભૂલોની માફી માંગે છે તો તેના બધા ગુનાઓ માફ થઈ જાય છે. અલ્લાહ મહાન દયા કરનાર દાતા છે.
બંદો ગુનાહો પર પ્રાયશ્ર્ચિત – તૌબા કરે ત્યારે એ જરૂરી છે કે તેને છોડી મૂકવાનો નિર્ધાર પણ કરે. આ અંગે અમીરૂલ મોમિનીન હઝરત અલી અલૈયહિ સલ્લામ (આપના પર અલ્લાહ તરફથી શાંતિ રહે. આપના પર સલામ)ની હિદાયત આવતા અંકમાં વાંચીશું અને તૌબા વિશે દીને ઈસ્લામનું માર્ગદર્શન મેળવીશું.
- જાફરઅલી ઈ. વિરાણી
પરમ શાંતિનો માર્ગ:
- કુરાન કરીમ, નિ:શંક અલ્લાહનો પયગામ છે.
- તે પરમપવિત્ર ઈલ્મ (જ્ઞાન, વિદ્યા) અને હિકમત (ડહાપણ, વિવેકબુદ્ધિ, તત્ત્વજ્ઞાન, સાધના)થી ભરપૂર છે.
- તે સકળ સૃષ્ટિના માટે અનોખી મહાન રહેમત (ઈબાદત, આરાધના, ભક્તિ, બંદગી) છે;
- તેમાં દિવ્યતત્ત્વજ્ઞાન અને મુક્તિની હિકમત (વિદ્યા, કળા, કારીગરી, ચાતુર્ય, ઈલ્મોજ્ઞાન-વિજ્ઞાન) છે;
- તેમાં અલ્લાહની ઈબાદત (આરાધના, ભક્તિ, બંદગી) છે, અને સત્ધર્મનો માર્ગ છે;
- માબાપનું સન્માન અને લોકસેવાનો ઉપદેશ છે;
- ધર્મદાન, સબ્ર (ધીરજ) અને શુક્ર આભાર, (ઉપકાર) કરવાનો આદેશ છે;
- માનવતા, વિવેક, વિનય અને ક્ષમાપનાનો સંદેશ છે;
- અલ્લાહની અજબ કુદરતના સ્પષ્ટ એંધાણ છે;
- આલોક અને પરલોકની સાચી સફળતાનો માર્ગ છે;
- તેમાં સત્ય, ધર્મ, સત્કર્મ અને કર્તવ્યનો સન્માર્ગ છે;
- ઈલ્મોઈબાદતની, સરળ, સહજ અમલની સાધના છે;
- સદ્વિચાર અને સદાચારથી પરમશાંતિનો સન્માર્ગ છે.
સાપ્તાહિક સંદેશ:
- એક પિતાએ પોતાના પરિવાર માટે વસિયતનામું લખ્યું:
હું એક ગરીબ બાપ છું. વારસામાં છોડી જવા મારી પાસે કોઈ મિલકત નથી, પરંતુ સંસ્કારના પાંચ મોતી આપતો જાઉં છું, તેના પર અમલ કરશો તો તમારા સર્વે માટે મહામૂલો ખજાનો સાબિત થશે: - ઘરની ચિંતા ઘેર મૂકીને જજો અને ઓફિસની ચિંતાઓને ત્યાંને ત્યાં જ મૂકીને આવજો.
- વિનમ્રતા અને સ્મિતને તમારા સનાતન સાથી બનાવજો.
- કોઈની પણ સાચી પ્રશંસા કરવામાં જરા પણ કસર ના રાખતા.
- નાનામાં નાના-અદના માણસનો પણ શુક્રિયા (આભાર) માનવાનું ભૂલતાં નહીં અને
- ટીકાના શબ્દોને કદીય હોઠ ઉપર આવવા ના દેતા.
- બીજાની સાથે ભરપૂર હસજો; પણ કોઈની વિરુધ્ધમાં ક્યારેય ના હસતા.
- પોતાની ભૂલની ખબર પડે ત્યારે તરત જ સ્વીકારી લેજો.