એશિયા કપમાં ભારતે મેળવેલી જીતનો જશ્ન લાખો ફેન્સે મેળવ્યો હતો. જોકે બોલર સિરાઝના તરખાટને લીધે મેચ વન સાઈડેડ થઈ ગઈ હતી. એશિયા કપ 2023ની ફાઈનલમાં જીત બદલ ભારતીય ટીમને ઘણાં સેલેબ્સે અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે સોશ્યલ મીડિયા પર ગઈકાલની મેચના સ્ટાર મોહમ્મદ સિરાજને લઈને ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી શેર કરતા એક ખાસ વાત લખી હતી.
સિરાજે એશિયા કપ 2023ની ફાઈનલમાં શ્રીલંકા સામે 6 વિકેટ ઝડપી હતી. તેની ઘાતક બોલિંગના કારણે શ્રીલંકાની ટીમ 50 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઈ હતી.
શ્રદ્ધા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. જેમાં તેણે પોતાની એક ફોટો સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘હવે સિરાજને જ પૂછો કે આ ફ્રી ટાઈમ સાથે શું કરીએ….’ શ્રદ્ધાએ સિરાજને લઈને લખેલી આ લાઈન સોશ્યલ મીડિયા પર ઘણાં યુઝર્સે શેર કરી હતી.
સિરાજે ગઈકાલે રમાયેલી ફાઈનલ મેચમાં 7 ઓવરમાં 21 રન આપી 6 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે એક મેડન ઓવર પણ ફેંકી હતી. સિરાઝે લંકાને સાવ સસ્તામાં સંકેલી લેવા મજબૂર કરતા દર્શકોનો સમય બચી ગયો હતો.
બોલીવૂડ એક્ટ્રેસ અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ પણ સિરાજના વખાણ કર્યા હતા. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સિરાજની ફોટો શેર કરતા લખ્યું હતું કે, ‘શું વાત છે મિયાં મેજિક.’ મોહમ્મદ સિરાજને ઈન્સ્ટાગ્રામ તેમજ એક્સ અને ફેસબુક દ્વારા પણ અભિનંદન મળી રહ્યા છે.