વડોદરાના કોટંબી નજીક પીકઅપ વાન કેનાલમાં ખાબકી, 4 લોકોના મોત, 7 ઘાયલ
વડોદરા: રાજ્યમાં માર્ગ અકસ્માતો, નદી-તળાવોમાં ડુબવાના કારણે મોતની ઘટનાઓ વધી રહી છે. આજે બુધવારે વડોદરા શહેરના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ નજીક એક પીકઅપ વાન પલટી મારી ગઈ હતી. જેમાં 12થી 13 લોકો સવાર હતા. જે પૈકી 4 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે, જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાના પગલે 4 જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ઘાયલોને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને અકસ્માત અંગેની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ કોટંબી ખાતે સ્થળ પર ફાયર બ્રિગેડનો કાફલો પણ પહોંચી ગયો હતો અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ સાથે જ જાણવા મળ્યું છે કે મૃતકમાં બાળકોનો પણ સમાવેશ થાય છે, આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા છે.
મળતી જાણકારી મુજબ વડોદરા શહેરના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે બોલેરો પીકઅપ વાનના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વાન કેનાલમાં ખાબકી હતી. આ ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : સુરત, મોરબી, વડોદરા અને હવે રાજકોટ, ગુજરાતમાં બનેલા આ અકસ્માતોએ દેશને હચમચાવી દીધો
ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક લોકોએ પીકઅપમાં સવાર લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. 12થી 13 લોકો બોલેરો પીકઅપ વાનમાં હોવાની માહિતી મળી રહી છે. આ અકસ્માતમાં બે બાળકો અને બે યુવકો સહિત ચાર લોકોના મોત થયા છે. ભાડાની પીકઅપ વાનમાં મુસાફરો દાહોદથી વડોદરા આવતા હતા.
અકસ્માતની આ ઘટના અંગે જરોદ પોલીસ સ્ટેશનના પીઆઇ કૃપાલસિંહ ઝાલાએ મીડિયાને જણાવ્યું હતું કે, અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અમે FSLની પણ મદદ લીધી છે. અમે આ મામલે તપાસ શરૂ કરી છે. બોલેરો પાણીમાં હતી જેથી ફાયર બ્રિગેડે ગાડી બહાર કાઢી હતી અને 4 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.